Bharat Jodo Nyay Yatra: CM હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આપ્યો આદેશ
- ગુવાહાટીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ફરી ઘર્ષણ થઈ ગયુ હતું
Image Source: Twitter
ગુવાહાટી, તા. 23 જાન્યુઆરી 2024, મંગળવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' હાલમાં આસામના ગુવાહાટીમાં છે. આજે ગુવાહાટીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ફરી ઘર્ષણ થઈ ગયુ હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાહુલ ગાંધી શહેરમાં યાત્રાની મંજૂરી માંગી રહ્યા હતા પરંતુ મંજૂરી ન મળતા કોંગ્રેસ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થઈ ગયુ હતું.
મંજૂરી વિના શહેરમાં આવી રહી હતી યાત્રા: પોલીસ
વહીવટીતંત્રનું કહેવું છે કે શહેરની અંદર યાત્રા કાઢવાની મંજૂરી નથી, જ્યારે રાહુલ ગાંધીની યાત્રા શહેરની અંદર જ થઈ રહી હતી. આ પછી પોલીસે બેરિકેડ લગાવી દીધા. જેને લઈને રાહુલ ગાંધીની બસ સાથે ચાલી રહેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓ બેરિકેડ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જ્યારે રાહુલ ગાંધી દૂરથી જોઈ રહ્યા હતા.
અમે કાયદો નહીં તોડીશું: રાહુલ ગાંધી
પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચેના ઘર્ષણની ઘટના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, બજરંગ દળ અને જેપી નડ્ડાની રેલીઓ આ માર્ગ પરથી જ પસાર થઈ હતી પરંતુ અમને અટકાવી રહ્યા છે. અમે કોંગ્રેસ કાર્યકર્તાઓ મજબૂત છીએ. અમે બેરિકેડ તેડી નાખ્યા છે પરંતુ કાયદો નહીં તોડીશું.
CM હિમંતા બિસ્વા સરમાએ FIR નોંધવાનો આપ્યો આદેશ
બીજી તરફ આ મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ DGP સાથે વાત કરી રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ આસામિયા સંસ્કૃતિનો હિસ્સો નથી. અમે એક શાંતિપૂર્ણ રાજ્ય છીએ. આવી નક્સલવાદી રણનીતિ આપણી સંસ્કૃતિથી સાવ અલગ છે.
તેમણે વધુમાં કહ્યું કે મેં DGP આસામ પોલીસને ભીડને ઉશ્કેરવા માટે તમારા નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધવા અને તમારા હેન્ડલ પર પોસ્ટ કરેલા ફૂટેજનો પુરાવા તરીકે ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. તમારા અનિયંત્રિત વર્તન અને સંમત દિશા-નિર્દેશોના ઉલ્લંઘનના પરિણામે હવે ગુવાહાટીમાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે.