મણિપુરમાં કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં જ સીએમ બિરેનસિંહનું રાજીનામું
- મણિપુર ભાજપમાં મુખ્યમંત્રી વિરુદ્ધ વધતા અસંતોષની અસર
- ભાજપના 19 ધારાસભ્યોએ ગયા વર્ષે ઑક્ટોબરમાં બિરેન સિંહને હટાવવા માટે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો
- બિરેન સિંહ બે વર્ષથી રાજ્યમાં હિંસા ડામવામાં નિષ્ફળ ગયા, ગૃહ મંત્રાલયનો સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટનો આદેશ
મણિપુરમાં મુખ્યમંત્રી નોંગથોમ્બમ બિરેન સિંહ વિરુદ્ધ રાજ્ય એકમમાં અસંતોષ વધી રહ્યો હતો. એવામાં કોંગ્રેસે સોમવારે એન. બિરેન સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી હતી. મણિપુરમાં મે ૨૦૨૩માં વંશીય હિંસા શરૂ થયા પછી કોંગ્રેસે પહેલી વખત ભાજપ સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની તૈયારી કરી હતી. કોનરાડ સંગ્માની નેશનલ પીપલ્સ પાર્ટીએ સમર્થન પાછું ખેંચી લીધા છતાં ભાજપ પાસે સત્તા ટકાવી રાખવા માટે પર્યાપ્ત સંખ્યાબળ છે, પરંતુ રાજ્યમાં લાંબા સમયથી નેતૃત્વ પરીવર્તનની માગ કરતા ભાજપના ધારાસભ્યો કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ વખતે ફ્લોર ટેસ્ટમાં પક્ષના વ્હિપની પણ અવગણના કરે તેવી સંભાવનાઓ વધુ હતી.
મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આ સંભાવનાઓ ટાળવા માટે શનિવારે પક્ષના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. ત્યાર પછી તેમણે રવિવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીપદ છોડવાનો નિર્ણય લીધો હતો. એન. બિરેન સિંહે રવિવારે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાની મુલાકાત લીધી હતી. ભાજપના સાંસદ અને પૂર્વોત્તરના પ્રભારી સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રી અને ધારાસભ્યો સાથે બિરેન સિંહ સાંજે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ અજયકુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી.
મણિપુરમાં ભાજપના જ ૧૯ ધારાસભ્યોએ ગયા વર્ષે ઑક્ટોબરમાં એન. બિરેન સિંહને મુખ્યમંત્રીપદેથી હટાવવાની માગણી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્ર પર હસ્તાક્ષર કરનારામાં વિધાનસભા અધ્યક્ષ થોકચોમ સત્યવ્રત સિંહ, મંત્રી થોંગમ વિશ્વજિત સિંહ અને યુમનામ ખેમચંદ સિંહનો સમાવેશ થાય છે. પત્રમાં જણાવાયું હતું કે, મણિપુરના લોકો ભાજપ સરકારને સવાલ કરી રહ્યા છે કે રાજ્યમાં દોઢ વર્ષે પણ શાંતિ કેમ સ્થાપિત થઈ શકી નથી. વહેલી તકે આ સમસ્યાનું સમાધાન નહીં લાવવામાં આવે તો ધારાસભ્યો પાસે રાજીનામું આપવાની માગ કરાઈ રહી છે.
મણિપુરમાં બે વર્ષ પહેલાં મૈતેઈ અને કુકી સમાજો વચ્ચે હિંસા ફાટી નીકળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જોકે, બિરેન સિંહે સીએમપદેથી રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો હતો. મણિપુરમાં બે વર્ષથી હિંસાના કારણે શાંત વાતાવરણ એક ગંભીર મુદ્દો બની ગયો છે. રાજ્યમાં મૈતેઈ અને કુકી સમાજો વચ્ચે તણાવ વધતા અનેક વખત હિંસક અથડામણો થઈ હતી, જેમાં ૨૫૦થી વધુ લોકોનાં મોત થયા હતા. પોલીસના શસ્ત્રાગારમાંથી ૫,૬૦૦થી વધુ હથિયારો અને ૬.૫ લાખ ગોળીઓની લૂંટ થઈ હતી. ૬૦,૦૦૦થી વધુ લોકોએ પોતાના ઘરબાર ગુમાવ્યા હતા અને તેમણે રેફ્યુજી કેમ્પમાં રહેવાની ફરજ પડી છે.
- ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ : કોંગ્રેસ
નવી દિલ્હી: મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના રાજીનામાને 'મોડા મોડા લેવાયેલો નિર્ણય' ગણાવતા કોંગ્રેસે રવિવારે જણાવ્યું કે, તેઓ સોમવારે મણિપુર વિધાનસભામાં એન. બિરેન સિંહ અને તેમની કેબિનેટ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જોકે, બિરેન સિંહે રાજીનામું આપી દીધા પછી હવે કોંગ્રેસ અવિશ્વાસ દરખાસ્ત લાવશે કે કેમ તે સોમવારે વિધાનસભા સત્ર શરૂ થયા પછી ખ્યાલ આવશે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કર્યું કે, અંતે મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું છે. મણિપુરમાં હિંસાની શરૂઆતથી જ કોંગ્રેસ તેમના રાજીનામાની માગ કરી રહી હતી. જોકે, તેમનો પક્ષ ભાજપ સરકાર વિરુદ્ધ સોમવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે તૈયાર છે. બિરેનસિંહનું રાજીનામું ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા સમાન છે. રાજ્યના લોકો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મણિપુર પ્રવાસની રાહ જોઈ રહ્યા છે. તેમને છેલ્લા ૨૦ મહિનામાં મણિપુર જવાનો ન તો સમય મળ્યો છે ના તેમને તેમાં રસ છે.