આખું વર્ષ ઘણું ખરાબ રહ્યું, મને માફ કરી દો... મણિપુર હિંસા મુદ્દે સીએમ બિરેન સિંહની માફી
CM Biren Singh Apologized for Manipur Violence: મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી જાતિય હિંસા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો સ્થળાંતરિત પણ થયા છે. નવેમ્બરમાં મણિપુરના જીરીબામમાં ત્રણ મહિલાઓ અને તેમના ત્રણ બાળકોની હત્યા બાદ હોબાળો થયો હતો. રાજ્યમાં સતત હિંસાને કારણે એન બિરેન સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકાર ભારે દબાણમાં છે અને વિપક્ષ બિરેન સિંહને પદ પરથી હટાવવાની માંગણી કરી રહી છે. NDA સાથી NPP એ પણ મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે અને નેતૃત્વ બદલવાની માંગ કરી છે.
મણિપુર હિંસા અંગે મુખ્યમંત્રીએ માંગી માફી
એવામાં હવે મણિપુર હિંસા અંગે સીએમ એન બિરેન સિંહે જનતાની માફી માંગી છે. આ અંગે તેમણે કહ્યું કે, 'આ આખું વર્ષ ઘણું ખરાબ રહ્યું છે. ગયા વર્ષે 3 મેથી લઈને આજ સુધી જે કંઈ પણ થયું છે તેના માટે હું રાજ્યની જનતાની માફી માંગુ છું. ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા, ઘણા લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું, હું આનાથી દુઃખી છું. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં શાંતિપૂર્ણ સ્થિતિ જોઈને મને આશા છે કે 2025માં રાજ્યની સ્થિતિ સામાન્ય થઈ જશે. આ આખું વર્ષ ખરાબ રહ્યું. નવા વર્ષ 2025માં શાંતિની આશા છે.'
કેવી રીતે શરુ થઈ હિંસા?
મણિપુરમાં ગયા વર્ષે 3 મેના રોજ મૈતેઈ સમુદાય અને કુકી સમુદાય વચ્ચે હિંસા શરુ થઈ હતી. આદિજાતિ વિદ્યાર્થી સંઘ (ATSUM) એ મણિપુર હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મણિપુરી સમુદાયને અનુસૂચિત જનજાતિની સૂચિમાં સામેલ કરવા સૂચના આપવામાં આવી હતી. જેના કારણે જ હિંસા શરુ થઈ હતી. જેના કારણે કેન્દ્ર સરકારે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે અર્ધલશ્કરી દળોને તૈનાત કરવા પડ્યા હતા.