અમે પણ રામ મંદિર બનાવ્યા પરંતુ.....: વોટબેન્ક પોલિટિક્સ અંગે CM બઘેલે BJP પર સાધ્યુ નિશાન
Image Source: Twitter
- ભૂપેશ બઘેલે આજે બીજેપી પર રામ મંદિરને લઈને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો
રાયપુર, તા. 26 નવેમ્બર 2023, રવિવાર
Ram Mandir Temple Politics: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરી 2024ના રોજ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં હાજર રામ ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ આ મુદ્દે જોરદાર રાજનીતિ પણ થઈ રહી છે.
કોંગ્રેસ સતત એ વાત કહી રહી છે કે, ભાજપ રામ મંદિર ઉદ્ધાટનના મુદ્દાનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહી છે. બીજી તરફ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આજે બીજેપી પર રામ મંદિરને લઈને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે.
આજે કાર્તિક પૂર્ણિમાના અવસર પર મુખ્યમંત્રીએ મહાદેવ ઘાટ અને ખારુન નદીમાં ડૂબકી લગાવી હતી. આ દરમિયાન સીએમ બઘેલે કહ્યું કે, આખા કારતક મહિના દરમિયાન સૂર્યોદય પહેલાં સ્નાન કરવું એ સામાન્ય રીતે છત્તીસગઢમાં પ્રચલિત એક અનુષ્ઠાન છે. બાળકો ખાસ કરીને ગામડાઓમાં આ અનુષ્ઠાનનું પાલન કરે છે. આ દિવસે પ્રથા પ્રમાણે અમે પ્રાર્થના પણ કરી. સૂર્યોદય પહેલા સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે સારું છે.
ભાજપ રામ મંદિર ઉદ્ધાટનને રાજકીય મુદ્દો બનાવી રહી: CM બઘેલ
રામ મંદિર ઉદ્ઘાટન અંગે તેમણે કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ રામ મંદિર ઉદ્ધાટનને રાજકીય મુદ્દો બનાવી રહી છે. સીએમ બઘેલે આગળ કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર થઈ રહ્યું છે. છત્તીસગઢમાં અનેક સ્થળો પર અમે ભગવાન રામને સમર્પિત અનેક મંદિર બનાવ્યા પરંતુ અમે તેના નામ પર વોટ નથી માંગી રહ્યા.