'રાજ્યપાલે હિન્દુ અને બૌદ્ધ મંદિરોને તોડવાના આપ્યા આદેશ', મુખ્યમંત્રી આતિશીનો મોટો આરોપ
Delhi CM Atishi Big Statement: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આતિશી દ્વારા દિલ્હી એલજી પર મંદિરો અને બૌદ્ધ મંદિરોને તોડવાની યોજનાને મંજૂરી આપવાનો આરોપ લગાવાયો છે. આતિશીએ દાવો કર્યો હતો કે 22 નવેમ્બરે મળેલી બેઠકમાં પશ્ચિમ પટેલ નગર, દિલશાદ ગાર્ડન, સીમાપુરી, ગોકલપુરી, ન્યુ ઉસ્માનપુર અને સુલતાનપુરીમાં સ્થિત અનેક મંદિરો અને સુંદર નગરીમાં સ્થિત એક બૌદ્ધ મંદિરને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આતિશીનો મોટો આરોપ
આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'ભાજપ સરકાર દિલ્હીના વિવિધ ભાગોમાં મંદિરો અને બૌદ્ધ મંદિરોને તોડી પાડવાની યોજના બનાવી રહી છે. એક ધાર્મિક સમિતિ છે જે મંદિરોના સ્થાનાંતરણ અથવા તોડી પાડવા અંગે નિર્ણય લે છે. તે દિલ્હી સરકારના ગૃહ મંત્રી હેઠળ આવે છે. ગત વર્ષ સુધી આ સમિતિના તમામ નિર્ણયો સૌપ્રથમ ગૃહમંત્રી સમક્ષ મુકવામાં આવતા હતા અને તેમની મંજૂરી બાદ જ કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ ગયા વર્ષે દિલ્હી એલજીએ આદેશ આપ્યો હતો કે કોઈપણ ધાર્મિક સ્થળને તોડી પાડવું એ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે અને તેથી તે દિલ્હી એલજી હેઠળ આવે છે અને તેથી દિલ્હીના મુખ્યમંત્રી અથવા ગૃહમંત્રીને તેની સાથે કોઈ લેવાદેવા નથી.'
આતિશીના જણાવ્યા અનુસાર, 'હવે ધાર્મિક સમિતિ સીધી દિલ્હી એલજી હેઠળ છે. સમિતિના અધ્યક્ષ ગૃહ વિભાગના મુખ્ય સચિવ છે અને તેઓ સમિતિના સૂચનો સીધા દિલ્હી એલજીને મંજૂરી માટે મોકલે છે. 22 નવેમ્બરના રોજ ધાર્મિક સમિતિની બેઠક મળી હતી. ગઈ કાલે એલજી ઑફિસે મીડિયાને કહ્યું હતું કે મંદિરો તોડવાનો કોઈ આદેશ નથી, પરંતુ આ ખોટું છે. 22 નવેમ્બરના રોજ મળેલી બેઠકમાં પશ્ચિમ પટેલ નગર, દિલશાદ ગાર્ડન, સીમાપુરી, ગોકલપુરી, ન્યુ ઉસ્માનપુર અને સુલતાનપુરીમાં આવેલા અનેક મંદિરો અને સુંદર નગરીમાં સ્થિત એક બૌદ્ધ મંદિરને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હી એલજીએ તેને મંજૂરી આપી દીધી છે અને હવે ડીએમ અને એસડીએમ આ મંદિરોને તોડી પાડવાની તૈયારી કરી રહ્યા છે.'
આ મામલે ગઈકાલે આતિશીએ રાજ્યપાલને પત્ર પણ લખ્યો હતો
દિલ્હીમાં મંદિરો અને બૌદ્ધ સંરચના તોડી પાડવા અંગેના ધાર્મિક સમિતિના આદેશ વિરુદ્ધ મંગળવારે મુખ્યમંત્રી આતિશીએ એલજી વીકે સક્સેનાને પત્ર લખ્યો હતો. એલજીને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, 'ધાર્મિક સંરચનાને તોડી પાડવાથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. મારા ધ્યાન પર આવ્યુ છે કે, 22 નવેમ્બર, 2024 ના રોજ એક બેઠકમાં ધાર્મિક સમિતિએ સમગ્ર દિલ્હીમાં ઘણી ધાર્મિક ઇમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. ગયા વર્ષ સુધી ધાર્મિક સમિતિનો નિર્ણય દિલ્હીના સીએમ દ્વારા એલજી પાસે જતો હતો, પરંતુ સંબંધિત આદેશ પ્રક્રિયામાં તેનું પાલન કરવામાં નથી આવ્યું.'
કોઈ પણ મંદિર કે પૂજા સ્થળ તોડશો નહીં : આતિશીની LGને વિનંતી
દિલ્હી સીએમએ એલજીને લખેલા પત્રમાં કહ્યું છે કે, 'ગયા વર્ષે જારી કરાયેલા આદેશમાં તમારા કાર્યાલયે જણાવવામાં આવ્યુ હતું કે, ધાર્મિક સંરચનાઓને તોડી પાડવી એ જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત બાબત છે, અને તે ચૂંટાયેલી સરકારના કાર્યક્ષેત્રમાં આવતી નથી અને આ સીધુ લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યક્ષેત્રમાં આવે છે. ત્યારથી ધાર્મિક સમિતિના કામની સીધી દેખરેખ તમારા દ્વારા કરવામાં આવી રહી છે. આ બાંધકામોને તોડી પાડવાથી આ સમુદાયોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચશે. દિલ્હીના લોકો વતી હું તમને વિનંતી કરવા માંગુ છું, કે કોઈ પણ મંદિર કે પૂજા સ્થળને તોડશો નહીં.'
આતિશીએ LG પર સસ્તી રાજનીતિ રમવાનો કર્યો આક્ષેપ
એલજીને લખેલા પત્રમાં આતિશીએ જે મંદિરો અને ધાર્મિક સંરચનાઓની વાત કરી છે, તેમાં પશ્ચિમ પટેલ નગરના નાલા માર્કેટમાં આવેલા મંદિર, દિલશાદ ગાર્ડનમાં આવેલા મંદિર, સુંદર નગરીમાં આવેલી મૂર્તિ, ગોકલ પૂરીમાં આવેલા મંદિરો, ન્યૂ ઉસ્માનપુર એમસીડી ફ્લેટની બાજુમાં આવેલા મંદિરોનો સમાવેશ થાય છે. આતિશીએ આ પત્રમાં દિલ્હીના એલજી વીકે સક્સેનાને જવાબ આપ્યો છે અને દિલ્હીના મુખ્યમંત્રી પર મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે સસ્તી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
LG સચિવાલયે આતિશીના પત્રનો આપ્યો વળતો જવાબ
LG સચિવાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ન તો કોઈ મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા અન્ય કોઈ પૂજા સ્થળને તોડી પાડવામાં આવી રહ્યું છે કે તોડવામાં આવી રહ્યું છે. તેમજ લેફ્ટનન્ટ ગવર્નર પાસે આવી કોઈ ફાઈલ આવી નથી. વર્તમાન સીએમ તેમના અને તેમના અગાઉના સીએમની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવા માટે સસ્તી રાજનીતિ કરી રહ્યા છે.'
ઉપરાજ્યપાલે ગઈકાલે CM આતિશીના કર્યા હતા વખાણ
ગઈકાલ તારીખ 30 ડિસેમ્બરે ઉપરાજ્યપાલે આતિશીને પત્ર લખીને નવા વર્ષ 2025 માટે શુભકામના આપી હતી, અને હંમેશા સ્વસ્થ રહો અને પ્રગતિના પંથે આગળ વધવાની શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું કે, ‘તમે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તે પ્રસંગે પણ મેં તમને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીના મારા અઢી વર્ષના કાર્યકાળમાં મેં પ્રથમવાર મુખ્યમંત્રી પદ પર બેઠેલા મુખ્યમંત્રીનું કામ જોયું. જ્યારે તમારા પહેલાના મુખ્યમંત્રી પાસે સરકારનો એક પણ વિભાગ નહોતો કે ફાઇલો પર હસ્તાક્ષર પણ કર્યા ન હતા. તમે અનેક વિભાગોની જવાબદારી લઈને વહીવટના વિવિધ મુદ્દાઓ પર કામ કરવાનો પ્રયાસ કર્યો.’