BIG BREAKING: અશોક ગેહલોત આજે સાંજે 5:30 વાગ્યે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું

સરદારપુરા બેઠકથી અશોક ગેહલોતની જીત થઈ

રાજસ્થાનમાં ગેહલોતનો જાદુ ના ચાલ્યો અને કમળ ખીલ્યું

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
BIG BREAKING: અશોક ગેહલોત આજે સાંજે 5:30 વાગ્યે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું 1 - image


Rajasthan Election 2023 Results : રાજસ્થાનમાં ભાજપ બંપર બેઠકો સાથે સરકાર બનાવતી નજરે પડી રહી છે. રાજસ્થાનની 200 બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, તેમાં ભાજપ 115થી વધુ બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 67 બેઠકો પર આગળ છે. બહુમતી માટે 100 જીતવી જરૂરી છે. ત્યારે ભાજપ બહુમતીના આંકડાને પાર કરી ચૂકી છે, તેથી તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે, રાજસ્થાનમાં ગેહલોતનો જાદુ ના ચાલ્યો અને કમળ ખીલ્યું છે. હાલ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને અશોક ગેહલોત મુખ્યમંત્રી છે. રાજસ્થાનની 15મી વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ એક મોટા સમાચાર મળી રહ્યા છે કે, અશોક ગેહલોત આજે સાંજે 5:30 વાગ્યે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. મહત્વનું છે કે, સરદારપુરા બેઠકથી અશોક ગેહલોતની જીત થઈ છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર સ્વીકારી લીધી છે અને તેઓ રાજ્યપાલ કલરાજ મિશ્રાને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટે જાય તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેહલોત સાંજે 5.30 વાગ્યે રાજ્યપાલ કલરાજ મિશ્રાને પોતાનું રાજીનામું સોંપશે. ગેહલોતે કહ્યું કે "અમે જનાદેશનું સન્માન કરીએ છીએ".

જો કે, ગેહલોતના વફાદાર અને મંત્રી પીએસ ખાચરીયાવાસે કહ્યું કે, મુખ્યમંત્રી આજે રાજીનામું આપશે નહીં. મંત્રીએ કહ્યું કે, 'ગેહલોત સાંજે 5.30 વાગ્યે દિલ્હી જશે અને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરશે. તેમની દિલ્હી મુલાકાતનું આયોજન અગાઉથી જ કરવામાં આવ્યું હતું.

રાજસ્થાનમાં કોને મુખ્યમંત્રી બનાવી શકે છે ભાજપ?

હવે સવાલ એ છે કે રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવશે તો મુખ્યમંત્રી કોણ બનશે? શું વસુંધરા રાજે સિંધિયા જ મુખ્યમંત્રી હશે કે પછી ભાજપ કોઈ નવા ચહેરા પર દાવ ખેલશે? આ ચર્ચાનું કારણ એ છે કે ભાજપે છેલ્લી ઘડી સુધી મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કર્યો ન હતો. બીજી તરફ, વસુંધરા રાજેની લોકપ્રિયતા ઘટી છે જ્યારે તિજારા વિધાનસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર (સાંસદ) બાલકનાથની લોકપ્રિયતા વધી છે. તેઓ રાજસ્થાનના લોકપ્રિય કોંગ્રેસી નેતા અશોક ગેહલોત પછી બીજા ક્રમે છે. એક એક્ઝિટ પોલમાં પણ દસ ટકા લોકોએ બાલકનાથને મુખ્યમંત્રી પદ માટે પહેલી પસંદ ગણાવ્યા હતા. આ સ્થિતિમાં ભાજપ તેમને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે. આ સિવાય દીયા કુમારી, ભૂપેન્દ્ર યાદવ, ઓમ બિરલા, ગજેન્દ્ર સિંહ શેખાવત અને અશ્વિની વૈષ્ણવનું નામ ચર્ચામાં છે.

રસપ્રદ વાત એ છે કે બાલકનાથ રાજસ્થાનના ‘યોગી’ ગણાય છે. વળી, તેઓ એ જ નાથ સંપ્રદાયના સંત છે, જેની સાથે ઉત્તર પ્રદેશના મુખ્મંયત્રી યોગી આદિત્યનાથ સંકળાયેલા છે. બાલકનાથ રોહતકના બાબા મસ્તનાથ મઠના મહંત છે. નાથ સંપ્રદાયની પરંપરામાં ગોરખપુર ગાદી પર બિરાજમાન સંતને રાષ્ટ્રીય અધ્યક્ષ અને રોહતકની ગાદી પર બિરાજમાન સંતને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો દરજ્જો મળેલો છે.  એ રીતે નાથ સંપ્રદાયમાં યોગી આદિત્યનાથ પછી બાલકનાથ બીજા ક્રમે છે.

રાજસ્થાનમાં 74.13 ટકા મતદાન થયું હતું

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું 25 નવેમ્બરે મતદાન થયું હતું, રાજ્યના મતદારોએ ગત વર્ષ કરતા આ વર્ષે 74.13 ટકા મતદાન કર્યું હતું. નવી સરકારની પસંદગી કરવા માટે 74.72 ટકા મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 74.53 ટકા પુરુષોએ પણ મતદાન કર્યું હતું. રાજસ્થાનની 15મી વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

રાજ્યમાં 2018માં કોંગ્રેસનો થયો હતો વિજય

રાજસ્થાનમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કોંગ્રેસ વિધાનસભાની 200 બેઠકોમાંથી 195 બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતરી હતી, જેમાં 100 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 73 બેઠકો અને અપક્ષે 13 બેઠકો જીતી હતી. બહુજન સમાજવાદી પાર્ટીને 6 બેઠકો, રાષ્ટ્રીય લોકશાહી પક્ષે 3 બેઠકો, ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી)એ 2 બેઠકો, ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 2 બેઠકો, રાષ્ટ્રીય લોકદળે 1 બેઠક પર વિજય મેળવ્યો હતો.

રાજ્યમાં 2013માં ભાજપને સ્પષ્ટ બહુમતી, કોંગ્રેસની શરમજનક હાર

રાજસ્થાનમાં 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભારતીય જનતા પાર્ટી 200માંથી 163 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. રાષ્ટ્રીય જનતા પાર્ટીએ 4 બેઠકો, બહુજન સમાજ પાર્ટીએ 3 બેઠકો, જ્યારે અપક્ષે 9 બેઠકો મેળવી હતી.


Google NewsGoogle News