‘મને તો નોબેલ પુરસ્કાર મળવો જોઈએ...’, જાણો દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આવું કેમ બોલ્યા...

પાણીના બિલ મુદ્દે લવાયેલી સેટલમેન્ટ યોજના અટકાવાતા કેજરીવાલે વિરોધ નોંધાવ્યો

બિલથી 11 લાખ પરિવાર પરેશાન, ભાજપે ષડયંત્ર રચી અમારી યોજના અટકાવી : કેજરીવાલ

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
‘મને તો નોબેલ પુરસ્કાર મળવો જોઈએ...’, જાણો દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આવું કેમ બોલ્યા... 1 - image

Delhi Water Bill Protest : દિલ્હી જળ બોર્ડે પ્રજાના માથે નાખેલ પાણીના મોટા બિલનો નિવેડો લાવવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ની સરકાર દ્વારા ‘વન ટાઈમ સેટલમેન્ટ’ યોજના લાવવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ યોજનાને અટકાવી દેવાતા કાર્યકર્તાઓ સહિત મુખ્યમંત્રીએ પણ વિરોધ નોંધાવ્યો છે. આજે AAPના હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેજરીવાલ પણ જોડાયા હતા.

ભાજપે ષડયંત્ર રચી અમારી યોજના અટકાવી દીધી : કેજરીવાલ

વિરોધ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કેજરીવાલે કહ્યું કે, ‘દિલ્હીમાં પાણીના ખોટા બિલના કારણે લગભગ 11 લાખ પરિવાર પરેશાન છે. અમારી સરકાર ખોટા બિલને યોગ્ય કરવા યોજના લઈને આવી છે, પરંતુ ભાજપે ષડયંત્ર રચી તેને અટકાવી દીધું છે. જોકે અમે આ યોજના લાગુ કરાવીને જ રહીશું અને સંઘર્ષ પણ કરતા રહીશું.

‘મને તો નોબેલ પુરસ્કાર મળવો જોઈએ...’

તેમણે કહ્યું કે, ‘હું જે રીતે સરકાર ચલાવી રહ્યો છું, તે તમે સમજી નહીં શકો. આ લોકો અમને કામ કરતા અટકાવી રહ્યા છે. હું જે સ્થિતમાં સરકાર ચલાવી રહ્યો છું, તે જોતા મને તો નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. સરકાર હું ચલાવી રહ્યો છું અને અધિકારીઓ એલજીનું સાંભળે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અધિકારીઓની બદલીનો અધિકાર દિલ્હી સરકાર પાસે હોવો જોઈએ, તો તેમણે સંસદમાં કાયદો બનાવી તેને પલટી નાખ્યો. પરંતુ મને કોઈ નહીં રોકી શકે. હું પ્રજાના કામ કરતો રહીશ. મારી જનતા મારો નોબેલ પુરસ્કાર છે. બાકી મને કોઈપણ નોબેલ પુરસ્કાર જોઈતા નથી.

કેજરીવાલે યોજનાના ફાયદા સમજાવ્યા

તેમણે કહ્યું કે, ‘અમારી યોજના ધ્યાનથી સાંભળો... પ્રથમ, જે ગ્રાહકોએ બેથી પાંચ વર્ષ સુધી પાણીનું બિલ ભર્યું નથી અને બેથી પાંચ વર્ષ દરમિયાન તે ગ્રાહકના જે બિલો મળશે, તે તમામ બિલનો કુલ સરેરાશ આંક કાઢી બાકીનું બિલ બનાવાશે. બીજું, આ નેબરહુડ પોલિસી છે. આ ઉપરાંત પાણીનું મીટર ન ધરાવતા ગ્રાહકોના ઘરની સાઈઝ મુજબ સરેરાશ બિલ કઢાશે અને તે આધારે જ બિલ બનાવાશે. જો કોઈનું સરેરાશ બિલ 20 હજાર લીટરથી ઓછું છે, તો તેનું બિલ ઝીરો થઈ જશે અને વધુ હશે તો દંડ અને વ્યાજ સિવાય બાકીની રકમ વસૂલાશે.’

ભાજપવાળાઓએ LGને કહી યોજના અટકાવી દીધી : કેજરીવાલ

તેમણે કહ્યું કે, ‘હું જાણવા ઈચ્છું છું કે, આ યોજનાથી ભાજપવાળાઓને શું પરેશાની છે? ભાજપવાળાઓએ એલજીને કહી આ યોજના અટકાવી દીધી છે. અધિકારી કહી રહ્યા છે કે, અમે કેબિનેટમાં આ યોજના ન લાવી શકીએ. અધિકારી કહી રહ્યા છે કે, અમે યોજનાને કેબિનેટમાં લાવીશું તો અમને સસ્પેન્ડ કરી દેવાશે, તેથી તેને કેબિનેટમાં લાવી શકતા નથી. હું કહું છું કે, તેમણે મોહલ્લા ક્લિનિક યોજના અટકાવી, છતાં અમે તેને ફરી શરૂ કરી, ત્યારબાદ તેમણે એલજીને કહી સીસીટીવી યોજના અટકાવી દીધી.


Google NewsGoogle News