'ભાજપ પાકિસ્તાનના યુવાનોને રોજગારી આપશે', કેજરીવાલના CAA મામલે કેન્દ્ર સરકાર પર પ્રહાર
CM Arvind Kejriwal on CAA : કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે CAA લાગુ કરી દીધો છે. આ કાયદાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ સરકાર આ કાયદાને ઐતિહાસિક ગણાવી રહી છે તો બીજી તરફ વિપક્ષ સતત આને લઈને સવાલ ઉઠાવી રહી છે. મમતા બેનર્જી, સ્ટાલિન સહિતના કેટલાક મુખ્યમંત્રીઓએ આ કાયદાને રાજ્યમાં લાગુ ન કરવાની વાત કરી છે. આ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યું છે કે, 'આ કાયદો લાગુ થયા બાદ 1947થી પણ મોટું માઈગ્રેશન થશે.'
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું કે, 'આ કાયદાને લાગુ કરવાથી પાકિસ્તાનના લોકો ભારત આવશે, આ કેટલું સુરક્ષિત હશે. ચોરી, બળાત્કાર, લૂંટ અને રમખાણ વધશે. જો તમારા ઘરની પાસે પાકિસ્તાન, બાંગ્લાદેશથી લોકો આવીને ઝૂંપડી બનાવીને રહેવા લાગે તો શું તમે પસંદ કરશો?'
કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લગભગ 2.5થી ત્રણ કરોડ અલ્પસંખ્યક રહે છે. એકવાર ભારત પોતાના દરવાજા ખોલી નાખશે તો આ દેશોથી મોટા પ્રમાણમાં લોકો ભારત આવશે. શું આપણે આ શરણાર્થીઓને રોજગારી આપીશું? એવું શા માટે કરાઈ રહ્યું છે? કેટલાક લોકોનું કહેવું છે કે આ વોટબેંકની રાજનીતિનો ભાગ છે.'
પાકિસ્તાનના યુવાનોને રોજગારી આપશે ભાજપઃ કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે, 'અજીબ વાત છે ને કે ભાજપની સરકાર આપણા યુવાનોને રોજગારી નથી આપી રહી. પાકિસ્તાનથી લાવીને તેમના યુવાનોને રોજગારી આપશે. આપણા દેશમાં ઘણા બાધા લોકો પાસે ઘર નથી, પરંતુ ભાજપ પાકિસ્તાનથી લોકોને લાવીને તેમને અહીં ઘર આપશે. સરકાર આપણી રોજગારી તેમના બાળકોને આપવા માંગે છે. દેશના જે પૈસા આપણા લોકો અને આપણા વિકાસ પર ખર્ચ થવા જોઈએ. તે પૈસા ભારતમાં પાકિસ્તાનીઓને વસાવવા પર ખર્ચ કરાશે.'
આમ આદમી પાર્ટી CAAને બનાવશે ચૂંટણી મુદ્દો
કેજરીવાલે કહ્યું કે, 'આગામી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી CAAને મોટો ચૂંટણી મુદ્દો બનાવશે. તેમણે ભાજપને ચેતવણી આપતા CAAને પરત લેવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, આખા દેશની માંગ છે કે CAAને પરત લેવામાં આવે. આપણે આપણા ભાગની નોકરીઓ બીજા દેશના લોકોને નહીં આપીએ. જો ભાજપ આને પરત નહીં લે તો આ ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ મત આપીને ગુસ્સો વ્યક્ત કરો.'