CM કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ વિપક્ષ એકજૂટ, ભાજપને 'અભિમાની' ગણાવતાં લગાવ્યો મોટો આરોપ

કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ), શરદ પવારની એનસીપી, ટીએમસી સહિતના તમામ પક્ષોએ આકરા શબ્દોમાં ઈડીના પગલાની ઝાટકણી કાઢી

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
CM કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ વિપક્ષ એકજૂટ, ભાજપને 'અભિમાની' ગણાવતાં લગાવ્યો મોટો આરોપ 1 - image


Arvind kejriwal Arrest | દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થતાં જ કોંગ્રેસ, સપા, તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાએ સજ્જડ વિરોધ  નોંધાવ્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન AAP નેતાની ધરપકડ સંપૂર્ણપણે ખોટી અને ગેરબંધારણીય છે. રાજનીતિનું સ્તર એટલું નીચું લઇ જવાયું છે કે આ વાત ન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ન તો ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારને શોભે છે.

કોંગ્રેસે મૂક્યો મોટો આરોપ... 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે 'અહંકારી' ભાજપ દરરોજ ચૂંટણી જીતવાના ખોટા દાવા કરી રહ્યો છે અને ચૂંટણી પહેલા 'ગેરકાયદે પદ્ધતિઓ' અપનાવીને વિપક્ષને નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે 'ડરી ગયેલા સરમુખત્યાર' મૃત લોકશાહી બનાવવા માંગે છે. I.N.D.I.A. ગઠબંધન આવા ઇરાદાઓને જરૂર નિષ્ફળ બનાવશે. 

પ્રિયંકા ગાંધીએ પણ કરી ટ્વિટ... 

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર કહ્યું કે ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને નિશાન બનાવવું ખોટું છે.

ભગવંત માને કેજરીવાલને વિચારક ગણાવ્યા

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે અરવિંદ કેજરીવાલ એક વિચારક છે, ED તેમને કેદ ન કરી શકે. ભાજપ જાણે છે કે AAP અને કેજરીવાલ જ તેમને રોકી શકે છે. એટલા માટે તેઓ ડરાવવા માટે આ યુક્તિઓ અપનાવી રહ્યા છે.

અખિલેશ યાદવે શું કહ્યું?

સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટર પર પોસ્ટ કરતાં કહ્યું કે 'જેઓ પોતે હારના ડરમાં કેદ છે તેઓ બીજાને કેવી રીતે કેદ કરશે?' ભાજપ જાણે છે કે તે ફરી સત્તામાં આવવાનો નથી, આ ડરને કારણે તે વિપક્ષના નેતાઓને કોઈપણ રીતે જનતાથી દૂર કરવા માંગે છે, ધરપકડ માત્ર એક બહાનું છે.

તૃણમૂલ કોંગ્રેસએ સખત નિંદા કરી

બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસે લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડની આકરી ટીકા કરી હતી. તૃણમૂલના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભામાં પાર્ટીના નેતા ડેરેક ઓ'બ્રાયને ED દ્વારા ધરપકડની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે અમે ચૂંટાયેલા મુખ્યમંત્રીની ધરપકડની સખત નિંદા કરીએ છીએ. એ જ રીતે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને કેરળના સીએમ પી વિજયને પણ કેજરીવાલની ધરપકડની આકરી ટીકા કરી હતી. 

શરદ પવારે તપાસ એજન્સીઓના દુરુપયોગને વખોડ્યો 

મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારે કહ્યું કે વિપક્ષ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો કેન્દ્ર સરકાર દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જે તદ્દન ખોટું છે. ખાસ કરીને લોકસભા ચૂંટણીના સમયે. આ ધરપકડ બતાવે છે કે ભાજપને સત્તા ગુમાવવાનો ડર છે. I.N.D.I.A. એકજૂટ છે અને આ ગેરબંધારણીય પગલાં સામે અમે મજબૂત રીતે લડીશું. 

CM કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ વિપક્ષ એકજૂટ, ભાજપને 'અભિમાની' ગણાવતાં લગાવ્યો મોટો આરોપ 2 - image



Google NewsGoogle News