ભારતમાં ઘઉં-ચોખા સહિત બીજા કયા પાક પર ક્લાઈમેટ ચેન્જની અસર, જાણો સરકારે સંસદમાં શું કહ્યું?
કલાઇમેટ ચેન્જની અસર હવે પાકમાં પણ દેખાય છે, જે ભવિષ્યમાં ખતરનાક સાબિત થઇ શકે છે
જેના કારણે 2080 સુધીમાં ઘઉં, ચોખા અનર ખરીફ પાકમાં ઘટાડો જોવા મળી શકે છે
Climate Change affects Monsoon Crops: વિશ્વ માટે ક્લાઈમેટ ચેન્જએ એક ગંભીર સમસ્યા છે. જેની કૃષિ ક્ષેત્રે પણ હવે અસર જોવા મળી રહી છે. તાજેતરમાં સંસદના શિયાળુ સત્રમાં ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પર્યાવરણ, વન અને ક્લાઈમેટ ચેન્જના રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ લોકસભામાં જણાવ્યું હતું કે ચોખા, ઘઉં અને મકાઈ એવા કેટલાક પાક છે જે આબોહવા પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત છે.
ક્લાઈમેટ ચેન્જના કારણે 2080 સ્થિતિ થઇ શકે છે ગંભીર
નેશનલ ઈનોવેશન ઈન ક્લાઈમેટ રેઝિલિયન્ટ એગ્રીકલ્ચર (NICRA) પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલા રિસર્ચ મુજબ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR), કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને ભારત સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જની અસર પર સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. અશ્વિની ચૌબેએ જણાવ્યું હતું કે સંશોધનમાં ચોમાસાની પેટર્નમાં ફેરફાર અને કૃષિ ક્ષેત્ર પર તેની અસર જોવામાં આવી છે. આ રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે જો ક્લાઈમેટ ચેન્જ બાબતે યોગ્ય પગલા લેવામાં ન આવ્યા તો 2050 સુધીમાં ચોમાસા પર આધારિત ચોખાની ઉપજમાં 2 થી 20 ટકાનો ઘટાડો જોવા મળશે. તેમજ 2080 સુધીમાં સ્થિતિ વધુ ગંભીર બની જશે. હાલ વરસાદ પર આધારિત ચોખાના ઉત્પાદનમાં 10-47 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. ક્લાઈમેટ ચેન્જના કારણે, ઘઉંનું ઉત્પાદન 2050 માં 8.4 થી 19.3 ટકા અને 2080 સુધીમાં 18.9-41 ટકા ઘટશે. આ સિવાય ખરીફ મકાઈની ઉપજ 2050માં 10-19 ટકા અને 2080 સુધીમાં 20 ટકાથી વધુ ઘટી શકે છે.
ક્લાઈમેટ ચેન્જની કેવી અસર થઇ શકે
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રિપોર્ટ મુજબ, ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. જેના કારણે કેટલીક જગ્યાએ ભારે વરસાદ તો ક્યાંક દુષ્કાળ તેમજ કોઈ જગ્યાએ ઉષ્ણકટિબંધીય ચક્રવાત જેવી કુદરતી બાબતોમાં વધારો થતો જોવા મળે છે. એક સંશોધન મુજબ ક્લાઈમેટ ચેન્જના કારણે સમગ્ર દેશમાં વધુ પડતો વરસાદ પડવો, ચોમાસાની પેટર્નમાં ફેરફાર થવો, હવામાન સંબંધિત સમસ્યાઓનું જોખમ વધવા જેવી સમસ્યાઓ સર્જાય છે. તેમજ જ્યાં ભારે વરસાદ થાય છે તેવા ઉત્તર, ઉત્તર-પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં મધ્યમ દુષ્કાળ અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં તેમજ દરિયાકાંઠાના રાજ્યોમાં ચક્રવાત અને લૂની ઘટનાઓ જોવા મળે છે.
ભારત પર ગ્લોબલ વોર્મિંગની કેટલી અસર?
ગ્લોબલ કલાઈમેટ રિસ્ક ઇન્ડેક્સ 2021 અનુસાર ભારતનો સમાવેશ ક્લાઈમેટ ચેન્જથી સૌથી વધુ પ્રભાવિત દસ દેશોમાં થાય છે. ઉનાળો, વરસાદ અને શિયાળાના આધારે કૃષિ થઇ હોવાથી તેમાં પણ બદલાતી આબોહવાની સૌથી વધુ અસર કૃષિ પર થાય છે. છેલ્લા ઘણા સમયથી શિયાળામાં વરસાદ પડવાથી અથવા તો ચોમાસામાં ઓછો વરસાદ પડવાના કારણે પાકને નુકશાન પહોંચે છે. ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ (આઈપીસીસી) અનુસાર, હવામાન પરિવર્તનની અમુક પાક પર સકારાત્મક અસર પડશે, પરંતુ મોટાભાગના પાકોને નુકસાન થશે. એક સંશોધન મુજબ, જો સરેરાશ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધે તો ઘઉંના ઉત્પાદનમાં 17 ટકાનો ઘટાડો થઈ શકે છે. તેવી જ રીતે તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસના વધારાને કારણે ડાંગરના ઉત્પાદનમાં પણ પ્રતિ હેક્ટર 0.75 ટનનો ઘટાડો થવાની સંભાવના છે.
શહેરો માટેની યોજનાઓ
AMRUT 2.0 હેઠળ, 50,000 થી 99,999 ની વસ્તી ધરાવતા વર્ગ-2 શહેરો માટે GIS આધારિત માસ્ટર પ્લાન તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે. જેના પર અંદાજે રૂ. 631.13 કરોડનો ખર્ચ થશે. આ યોજના પર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
જો કે, આ બધા સિવાય એક પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે જો આબોહવા પરિવર્તનને લઈને વહેલી તકે કેટલાક નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાક પર તેની માઠી અસર પડશે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. ખાવા-પીવાની મોટી સમસ્યાઓ. પડી શકે છે.