Get The App

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા મામલે કેન્દ્રના મૌનથી RSS અકળાયું, ભાજપ-સંઘના નેતા સામ-સામે થયા

ભાજપના નવા પ્રમુખની પસંદગી પોતાના સલાહ-સૂચનથી જ થવી જોઈએ તેવા સંઘના આગ્રહથી બેઠકમાં તંગદિલી

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા મામલે કેન્દ્રના મૌનથી RSS અકળાયું, ભાજપ-સંઘના નેતા સામ-સામે થયા 1 - image


BJP RSS News | ભાજપ અને સંઘના નેતાઓ વચ્ચે રવિવારે રાજનાથસિંહના ઘરે મળેલી બેઠકમાં અમિત શાહ અને સંઘના નેતાઓ વચ્ચે તડાફડી થઈ હોવાના અહેવાલ છે.  બાંગ્લાદેશમાં હિંદુઓની કત્લેઆમના મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ચૂપકીદીથી અકળાયેલા સંઘના નેતાઓએ શાહ પાસે જવાબ માગ્યો હતો પણ શાહ સંતોષકારક જવાબ ના આપી શકતાં ઉગ્રતા વ્યાપી ગઈ હતી. ભાજપના આગ્રહથી બોલાવાયેલી બેઠકમાં ભાજપના નવા પ્રમુખની વરણીનો મુદ્દો પણ ચર્ચાયો હોવાનું કહેવાય છે. સંઘે નડ્ડાને દૂર કરીને તાત્કાલિક રીતે નવા કાર્યકારી પ્રમુખની વરણ કરવા માટે ભાજપને કહ્યું હોવાનું મનાય છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઝારખંડ એ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નડ્ડાના નેતૃત્વમાં ઉતરશે તો સંઘ મદદ નહી કરે એવો સ્પષ્ટ સંકેત પણ આ બેઠકમાં આપી દેવાયો છે. 

ભાજપના ટોચના નેતાઓની અત્યંત મહત્વની બેઠક ૧૭ ઓગસ્ટે મળવાની છે. એ પહેલાં ભાજપના નેતા સંઘના શરણે પહોંચ્યા એ સૂચક છે. ભાજપ અને સંઘ બંનેએ આ બેઠકને રૂટિન ગણાવી છે પણ સૂત્રોનો દાવો છે કે, ભાજપ સંઘ સાથે સમાધાન ઈચ્છે છે તેથી સામેથી મળવા ગયો હતો.  ભાજપ વતી આ બેઠકમાં અમિત શાહ અને જે.પી. નડ્ડા હાજર હતા જ્યારે સંઘ વતી આ બેઠકમાં દત્તાત્રેય હોસબોલે અને અરૂણ કુમાર હાજર હતા. હોસબોલે અને અરૂણ કુમાર બંને સંઘમાં સહ સરકાર્યવાહ છે અને મોહન ભાગવત પછી નંબર ટુ ગણાય છે. નડ્ડા ભાજપના પ્રમુખ હોવાથી સામાન્ય રીતે આ બેઠક નડ્ડાના ઘરે યોજાય છે પણ સંઘ નડ્ડાથી અત્યંત નારાજ હોવાથી તેમણે નડ્ડાના ઙરે બેઠક માટે ઈન્કાર કરીને રાજનાથસિંહના ઘરે બેઠકનો આગ્રહ રાખ્યો હતો. ભાજપને સંઘની જરૂર હોવાથી ભાજપે આ માગણી સ્વીકારવી પડી હતી.

બાંગ્લાદેશમાં શેખ હસીનાને ઉથલાવી દેવાયાં પછી ફાટી નિકળેલી હિંસામાં ૧૦૦થી વધારે હિંદુઓની હત્યા કરી દેવાઈ છે. હજારો હિંદુઓનાં ઘરો અને દુકાનો સળગાવી દેવાઈ છે પણ મોદી સરકારે હિંદુઓની સુરક્ષા અંગે હરફ પણ ઉચ્ચાર્યો નથી. આ કારણે સંઘ સહિતનાં હિંદુવાદી સંગઠનોના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. સંઘના કાર્યકરોએ પોતાના નેતાઓ સામે આક્રોશ ઠાલવતા તેમણે સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.


Google NewsGoogle News