અયોધ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો વચ્ચે ધ્વજ અંગે ઝપાઝપી : કેટલાકે કોંગ્રેસનો ધ્વજ તોડી નાખ્યો
- ઉ.પ્ર. કોંગ્રેસ પ્રમુખ અજય રાય સહિત કોંગ્રેસના કાર્યકરો રામ મંદિર ગયા સાથે પાર્ટીનો ધ્વજ લઈ ગયા : તો કેટલાક તોફાની તત્વોએ તે આંચકી લીધો
અયોધ્યા : અયોધ્યામાં ઉ.પ્ર. કોંગ્રેસ સમિતિના પ્રમુખ અક્ષય રાય સહિત કેટલાએ કોંગ્રેસી નેતાઓ મકર સંક્રાંતિના દિને દર્શન કરવા પહોંચ્યા ત્યારે કેટલાક લોકોએ મંદિરની બહાર પાર્ટીનો ધ્વજ આંચકી લીધો અને તેને તોડી પણ નાખ્યો.
તે સર્વવિદિત છે કે, અયોધ્યામાં મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ બની રહ્યો છે. પરંતુ કોંગ્રેસ સહિત કેટલાએ વિપક્ષોએ પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટેના આમંત્રણને ઠુકરાવી દીધું છે. તેથી રાજકારણમાં ગરમી આવી ગઈ છે. તેવામાં ગઈકાલે ઉ. પ્ર. કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજય રાય તેમજ દીપેન્દ્ર હુડ્ડાનાં નેતૃત્વ નીચે કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ અયોધ્યા પહોંચ્યું ત્યારે કોંગ્રેસ કાર્યકરો અને ઉપસ્થિત મેદની વચ્ચે ઝપાઝપી થઈ હતી. લોકોએ કોંગ્રેસનો ધ્વજ તેમની પાસેથી આંચકી તે તોડી નાખ્યો.
આ અંગે અયોધ્યા કોંગ્રેસ મહિલા પ્રમુખ રેણુ રાયે કહ્યું કે, આ એક ઘણી શરમજનક ઘટના છે. નિંદનીય કૃત્ય છે. રામ મંદિર તો સૌ કોઈનું છે.
આ પૂર્વે અજય રાયે કહ્યું હતું કે, ૨૨ જાન્યુઆરીે જે કાર્યક્રમ છે તેમાં ઉપસ્થિત રહેવા માટે શંકરાચાર્યોને આમંત્રણ નથી. તેઓએ જવા માટે મનાઈ પણ કરી દીધી છે. મોદી તે કાર્યક્રમને પોતાનો અંગત કાર્યક્રમ બનાવી રહ્યા છે.
આ વિવાદાસ્પદ ઘટના તેવી છે કે જયારે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ જન્મભૂમિ દર્શન માટે મંદિર પરિસરમાં જવા ગયું. ત્યારે જ બહાર ઉભેલા કેટલાક લોકોએ ત્યાં કોંગ્રેસનો ધ્વજ ફરકાવવાનો વિરોધ કર્યો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓના હાથમાં રહેલા પક્ષના ધ્વજ આંચકી લીધા અને ધ્વજની કાઠીઓ તોડી નાખી.
ઘટના અંગે ઉ.પ્ર.ની પોલીસ તપાસ કરી રહી છે. જો કે હજી સુધી તે તોફાન અંગે કોઈની અટકાયત પણ થઈ નથી.