કોંગ્રેસની ન્યાય યાત્રાને આસામમાં પોલીસે અટકાવતા ભારે ઘર્ષણ
- કોંગ્રેસ કાર્યકર્તાઓએ બેરિકેડ્સ હટાવ્યા
- રાહુલ નક્સલ રણનીતિ અપનાવી લોકોને પોલીસ વિરુદ્ધ ભડકાવે છે, ડીજીપીને ફરિયાદ દાખલ કરવા કહ્યું છે : મુખ્યમંત્રી
- યાત્રાને કારણે ગુવાહાટીમાં ભારે ટ્રાફિક જામ થયાનો સરકારનો આરોપ
ગુવાહાટી : રાહુલ ગાંધીની આગેવાનીમાં નીકળેલી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાને આસામમાં અટકાવવામાં આવી હતી. આસામ પોલીસે રાહુલ ગાંધીની યાત્રા પહોંચે તે પહેલા મોટી સંખ્યામાં બેરિકેડ્સ લગાવી દીધા હતા. અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરી દીધા હતા. જોકે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ બેરિકેડ્સ હટાવવાનો પ્રયાસ કરતા પોલીસ અને સમર્થકો બન્ને વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જોકે તેમ છતા કાર્યકર્તાઓએ બેરિકેડ્સ હટાવી લીધા હતા. પરીણામે હાલ આસામમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વિવાદ વધી ગયો છે.
દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્માએ આસામના ડીજીપીને કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીની સામે લોકોને પોલીસ વિરુદ્ધ ભડકાવવા બદલ ફરિયાદ દાખલ કરે. સાથે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી નક્સલ ટેકટિક્સ અપનાવી રહ્યા છે. રાહુલ ગાંધીની યાત્રાને કારણે ગુવાહાટીમાં ભારે ટ્રાફિક જામ થયો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. દરમિયાન આસામમાં ભારત જોડો યાત્રા પર હુમલાની કેટલીક અગાઉ ઘટનાઓ સામે આવી હતી. જ્યારે મંગળવારે પોલીસ સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ ઘર્ષણમાં ઉતર્યા હતા.
આ સમગ્ર મામલાના વિરોધમાં કર્ણાટકમાં બેંગ્લુરુમાં યુથ કોંગ્રેસ દ્વારા મોટી મશાલ રેલી કાઢવામાં આવી હતી.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે આસામ સરકારે ભારત જોડો ન્યાય યાત્રામાં ઇરાદા પૂર્વક અવરોધ ઉભા કર્યા. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભુપેન કુમાર બોહરા ઘાયલ થઇ ગયા છે અને તેમના નાક પર હુમલો કરાતા લોહી નિકળ્યંુ હતું. યાત્રા જ્યારે સોનિતપુર પહોંચી ત્યારે આ હુમલો થયો હતો. જ્યારે મંગળવારે ગુવાહાટીમાં વિવાદ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાઓના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.
કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી અને અન્યોને મોદી મોદી સુત્રોચ્ચાર સાથે ભાજપના કાર્યકર્તાઓએ અટકાવ્યા હતા. મંગળવારે પોલીસ સાથે ભારે ઘર્ષણ થતા ભારત જોડો ન્યાય યાત્રાને લઇને વિવાદ વધ્યો છે. ૧૪મી તારીખે શરૂ થયેલી રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત થઇને અંતે મહારાષ્ટ્રમાં પહોંચશે.