'આ તો જનાદેશનું અપમાન કહેવાય...' મહારાષ્ટ્રમાં સરકાર બનવામાં વિલંબ પર બગડ્યા શરદ પવાર
Sharad Pawar Slams On Mahayuti For CM Post: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયે આઠ દિવસ પસાર થઈ ગયા છે, પરંતુ હજી સુધી મુખ્યમંત્રી કોણ બનશે, તેના વિશે સ્પષ્ટતા થઈ નથી. પ્રચંડ જીત મેળવનારા મહાયુતિ ગઠબંધન રોજ-રોજ નવી બેઠકો કરી આ મુદ્દે ચર્ચા કરી રહ્યું છે, પણ અંતિમ નિર્ણય લઈ શકી નથી. જેથી આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતાં વિપક્ષ ગઠબંધને આકરા પ્રહારો કર્યા છે.
મહાવિકાસ અઘાડીમાં સામેલ એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવારે મહાયુતિની ટીકા કરતાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં જનાદેશનું સન્માન થઈ રહ્યું નથી. જે સારી વાત નથી આટલી સ્પષ્ટ બહુમત મળી હોવા છતાં તે અત્યારસુધી સરકાર બનાવી શકી નથી. જે સ્પષ્ટ સંકેત આપે છે કે, જનતા દ્વારા આપવામાં આવેલા બહુમત તેમના (મહાયુતિ) માટે મહત્ત્વનું નથી. રાજ્યમાં જે કંઈપણ ચાલી રહ્યું છે, તે ઠીક નથી.
ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ અને નાણાંની લેતી-દેતી
શરદ પવારે આ વખતે મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ અને નાણાંની લેતી-દેતી થઈ હોવાનો આરોપ મૂક્યો છે. જેથી લોકો નિરાશ થયા છે.આ મુદ્દે જનતાને એક જન આંદોલન કરવા પણ આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં સંસદીય લોકતંત્ર પ્રણાલી નષ્ટ થશે. વિપક્ષ નેતા સંસદમાં આ મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ તેમને બોલતાં અટકાવાયા છે. દરરોજ સંસદની કાર્યવાહી આ મુદ્દાઓ પર સ્થગિત થઈ રહી છે. જેથી હવે એક જન આંદોલન શરુ કરવું જોઈએ.
ઈવીએમ વિરુદ્ધ આંદોલન
સામાજિક કાર્યકર બાબા આઢવે પૂણેમાં ઈવીએમ વિરુદ્ધ એક આંદોલન શરુ કર્યું છે. અને ચૂંટણીમાં તેનો ઉપયોગ છેતરપિંડી માટે થઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસે પણ ઈવીએમ વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન શરુ કર્યું છે.