Get The App

ગુરુદ્વારાના કબજા માટે નિહંગ શિખોનાં બે જૂથ વચ્ચે અથડામણ : એક કોન્સ્ટેબલનું મૃત્યુ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
ગુરુદ્વારાના કબજા માટે નિહંગ શિખોનાં બે જૂથ વચ્ચે અથડામણ : એક કોન્સ્ટેબલનું મૃત્યુ 1 - image


- ઝાડ પર બેઠેલા એક નિહંગે ગોળીબારો કરતાં કોન્સ્ટેબલનું તો મૃત્યુ થયું ઉપરાંત અન્ય છ પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત

સુલ્તાનપુર લોધી : અહીં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા બેર સાહીબની સામેની બાજુએ આવેલા ગુરુદ્વારા અકાલ બંગાના કબજા માટે નિહંગ શિખોનાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં તે રોકવા ગયેલા ૭ પોલીસ કોન્સ્ટેબલો ઉપર ઝાડ પર બેઠેલા એક નિહંગે ગોળીબારો કરતાં એક કોન્સ્ટેબલ માર્યો ગયો હતો, જયારે તેની સાથે રહેલા અન્ય છ પોલીસ કર્મચારીઓને ઇજાઓ થઈ હતી. માર્યા ગયેલા પોલીસનું નામ હવાલદાર જસપાલ સિંહ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના પછી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પોલીસ કર્મીઓની રાજ્યસભાના સાંસદ બલબીર સીચેવાલે મુલાકાત લીધી હતી.

ગુરુપર્વ નજીક આવતાં તે ગુરુદ્વારાનો કબજો મેળવવા નિહંગોના બે જૂથો સામસામે આવી ગયા હતાં અને વહેલી સવારે ૪ થી ૫ વચ્ચે બંને જૂથો વચ્ચે તકરાર શરૂ થઈ ગઈ હતી.

આ સંબંધે પ્રાપ્ય વિગતો તેવી છે કે ઉક્ત ગુરુદ્વારા છેલ્લાં કેટલાક વર્ષોથી નિહંગ શિખ બાબા બુદ્ધદેવના હાથમાં હતું. તેના બે સેવાદારો નિર્વેર સિંહ અને જગજીત સિંહને બાબાએ તેની દેખરેખ રાખવા નિયુક્ત કર્યા હતા. નવેમ્બર ૨૧ના દિવસે સવારે નિહંગ જૂથમાંથી છૂટા પડી બીજું નિહંગ જુથ રચનાર નિહંગ માનસિંહ ગુરુદ્વારા પરિસરમાં ૧૫-૨૦ સાથીઓ સાથે પ્રવેશ્યો. તેણે પેલા બંને સેવાદારોને બંદી બનાવી દીધા અને ગુરુદ્વારાનો કબજો લેવા પ્રયત્નો શરૂ કર્યા. આ સામે જગજિત સિંહે ફરિયાદ દાખલ કરી જેમાં નિહંગ માનસિંહ અને તેના અન્ય ૧૫ થી ૨૦ સાથીઓનાં નામ આપ્યા હતાં.

આ રીતે બંને જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ. જેમાં ગોળીબારો પણ થયા. તેમાં ગંભીર ઇજા પામેલા કોન્સ્ટેબલને હોસ્પિટલમાં લઈ જતાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય છને સારવાર અપાઈ રહી છે.

આ ઘટના પછી સ્થાનિક વહિવટી તંત્રે ગુરુદ્વારાનો વહીવટ સંભાળી લીધો છે.


Google NewsGoogle News