તાજ મહેલના બંધ પડેલા 22 રૂમોમાં હિંદુ દેવી-દેવતાની મૂર્તિ હોવાનો દાવો, ASI તપાસની માગ
- અયોધ્યાના ભારતીય જનતા પાર્ટીના મીડિયા પ્રભારીએ આ અંગે હાઈકોર્ટની લખનૌ બેંચમાં અરજી દાખલ કરી
લખનૌ, તા. 08 મે 2022, રવિવાર
વારાણસીના કાશી વિશ્વનાથ પરિસર અને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ASI સર્વેનો મુદ્દો હજુ શાંત નથી પડ્યો ત્યાં નવી એક માગણી સામે આવી છે. આગ્રા સ્થિત તાજ મહેલના બંધ રૂમની આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (Archaeological Survey of India) દ્વારા તપાસ કરવાની માગણી ઉઠવાનું શરૂ થયું છે.
અયોધ્યાના ભારતીય જનતા પાર્ટીના મીડિયા પ્રભારીએ આ અંગે હાઈકોર્ટની લખનૌ બેંચમાં અરજી દાખલ કરી છે. અરજીમાં કોર્ટ સમક્ષ એવી માગણી કરવામાં આવી છે કે, તાજ મહેલના બંધ પડેલા 22 રૂમ ખોલાવવામાં આવે. આ સાથે જ તે રૂમોની ASI દ્વારા તપાસ કરાવવાની પણ માગણી કરવામાં આવી છે.
અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે, ASI એક ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી બનાવીને પોતાનો રિપોર્ટ દાખલ કરે. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજ મહેલના બંધ રૂમોમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. આ કારણે ASI તે રૂમો ખોલાવીને પોતાનો તપાસ રિપોર્ટ સોંપે.