Get The App

Fact Check | અજમેરની દરગાહમાં સ્વસ્તિકના નિશાનનો દાવો, જાણો એ તસવીરનું સત્ય

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
Fact Check | અજમેરની દરગાહમાં સ્વસ્તિકના નિશાનનો દાવો, જાણો એ તસવીરનું સત્ય 1 - image


Fact Check Ajmer Sharif Dargah Swastik Symbol: અજમેર શરીફ દરગાહ હાલમાં ખૂબ ચર્ચામાં છે. અજમેરની એક સ્થાનિક અદાલતમાં એવો દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી છે કે, દરગાહની નીચે શિવ મંદિર છે. કોર્ટમાં અરજીનો સ્વીકાર કરાયા બાદ વિવાદ વકર્યો છે. 1911માં લખાયેલા પુસ્તકમાં કરવામાં આવેલા કેટલાક દાવાઓના આધારે આ અરજી દાખલ કરવામાં આવી છે. હરબિલાસ શારદા નામના લેખકે પુસ્તકમાં લખ્યું છે કે, આ દરગાહની નીચે હિંદુ મંદિર છે. સોશિયલ મીડિયા પર એક તસવીર હાલમાં ખૂબ જ શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, દરગાહમાં સ્વસ્તિકના નિશાન પણ મળ્યા છે. તો આજે આપણે આ તસવીરનું સત્ય જાણીશું.

અજમેરની દરગાહમાં સ્વસ્તિકના નિશાનનો દાવો

સોશિયલ મીડિયા પર ફરી એક વખત સ્વસ્તિકના નિશાનવાળી બારીની તસવીરો શેર કરવામાં આવી રહી છે. આ સાથે જ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અજમેર શરીફ દરગાહની છે. તાજેતરના વિવાદ બાદ ફરી એક વખત ઘણા લોકો આ તસવીરને શેર કરી રહ્યા છે. આ દાવો નવો નથી, પરંતુ છેલ્લા બે વર્ષથી સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં આ દાવો મહારાણા પ્રતાપ સેનાએ 2022માં કર્યો હતો. ત્યારબાદ તેમણે એક તસવીર બતાવતા દાવો કર્યો હતો કે સ્વસ્તિકના નિશાન વાળી આ બારી અજમેર શરીફ દરગાહની છે.

આ પણ વાંચો: અજમેર દરગાહ શિવ મંદિર હોવાનો કોર્ટમાં દાવો, નોટિસ પાઠવાઇ

તસવીરનું સત્ય

હવે આ વાયરલ દાવાની તપાસ કરી તો સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું. જ્યારે 'અજમેર દરગાહ સ્વસ્તિક' જેવા કી વર્ડ્સ સાથે ગૂગલ પર સર્ચ કર્યું, ત્યારે 2022માં પ્રકાશિત થયેલા કેટલાક સમાચારો સામે આવ્યા. જેમાં આ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે 'ગુગલ ઇમેજ સર્ચ'માં આ તસવીર મૂકી ત્યારે 'ઢાઈ દિન કા ઝોપડા'ના સમાચાર સામે આવ્યા, જેમાં આ જ તસવીર દેખાઈ આવી. તે સમયે ઘણી મીડિયા ચેનલોએ પણ અજમેર દરગાહ પર જઈને આ બારીની તલાશી કરી હતી, પરંતુ તેમને આ તસવીર વાળી બારી દરગાહમાં નહીં પરંતુ 'ઢાઈ દિન કા ઝોપડા'માંથી મળી હતી.

શું છે ઢાઈ દિન કા ઝોપડા

'ઢાઈ દિન કા ઝોપડા' અજમેર શરીફ દરગાહથી લગભગ 500 મીટરના અંતર પર સ્થિત છે. લગભગ 800 વર્ષ જૂની આ ઇમારત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સુરક્ષિત છે. ઢાંચાની અંદર મસ્જિદમાં નમાઝ પઢવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારોનો દાવો છે કે મહારાજ વિગ્રહરાજ ચૌહાણ દ્વારા અહીં એક દેવાલય અને સંસ્કૃત શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. મોહમ્મદ ઘોરીના કહેવા પર કુતુબુદ્દીન ઐબકે તેને ધ્વસ્ત કરી દીધું હતું અને માત્ર અઢી દિવસમાં તેની જગ્યાએ વર્તમાન ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઇમારત મંદિરના કાટમાળમાંથી જ બનાવવામાં આવી હતી, જેના કારણે આજે પણ તેમાં સ્વસ્તિક સહિત ઘણા હિંદુ પ્રતીકો મોજૂદ છે. હાલમાં જ બીજેપીના એક સાંસદે ફરી કેન્દ્ર સરકાર પાસે અહીં દેવાલય અને શૈક્ષણિક સંસ્થા શરુ કરવાની માંગ કરી હતી.


Google NewsGoogle News