14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 31 સપ્તાહનો ભ્રૂણ હટાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ CJIએ પાછો ખેંચ્યો
Image: Facebook
Supreme Court: સુપ્રીમ કોર્ટે સોમવારે 14 વર્ષની દુષ્કર્મ પીડિતાનો 31 સપ્તાહનો ભ્રૂણ હટાવવાનો પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે. સુપ્રીમ કોર્ટે સગીરાના માતા-પિતા સાથે વાતચીત કર્યાં બાદ પોતાનો આદેશ પાછો લીધો છે. બાળકીના માતા-પિતાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા CJI ડી.વાઈ.ચંદ્રચૂડ સાથે વાતચીત કરી અને તેમણે પોતાની પુત્રીના આરોગ્યને લઈને ચિંતા વ્યક્ત કરતા બાળકને જન્મ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
CJI ડી.વાઈ.ચંદ્રચૂડ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચે 22 એપ્રિલે મેડીકલ બોર્ડનો રિપોર્ટ જોયા બાદ 14 વર્ષની સગીરાને ગર્ભપાત કરાવવાની પરવાનગી આપી દીધી હતી. બેન્ચે બંધારણની કલમ-142 હેઠળ પૂર્ણ ન્યાય કરનારી પોતાની શક્તિઓનો ઉપયોગ કરતા આ આદેશ આપ્યો હતો. આ સાથે જ બેન્ચે પોતાના આદેશમાં કહ્યું હતું કે મેડીકલ બોર્ડે દુષ્કર્મ પીડિતાના આરોગ્યની તપાસ કરી છે અને રિપોર્ટથી સ્પષ્ટ છે કે ગર્ભાવસ્થા જારી રહેવાથી પીડિતાના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર પડશે.
બેન્ચે કહ્યું હતું કે મેડીકલ રિપોર્ટને ધ્યાનમાં રાખતા પીડિત સગીરાને ગર્ભપાતની પરવાનગી આપવામાં આવી રહી છે. આ સાથે જ મુંબઈના સાયન હોસ્પિટલના ડીનને સગીરાનો ગર્ભપાત કરાવવા માટે ડોક્ટરોના ટીમની તાત્કાલિક રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
બાળકીના માતા-પિતા સાથે વાતચીત કર્યાં બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકીનું હિત સર્વોપરી છે. બેન્ચે કહ્યું કે સગીરાના માતા-પિતાએ પુત્રીને ઘરે લઈ જવા અને બાળકને જન્મ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેને ધ્યાનમાં રાખતા 22 એપ્રિલે પસાર આદેશને પાછો લેવામાં આવે છે. જે હેઠળ ગર્ભપાત કરાવવાની પરવાનગી આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશને રદ કરતા સગીરાને ગર્ભપાતની પરવાનગી આપી હતી. હાઈકોર્ટે સગીરાને ગર્ભપાત કરાવવાની પરવાનગી આપવાની ના પાડી દીધી હતી. આ મામલે બેન્ચે 19 એપ્રિલે પીડિતાના આરોગ્યની તપાસ માટે મેડીકલ બોર્ડની રચના કરવાનો આદેશ આપ્યો હતો. મેડીકલ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં રજૂ પોતાના રિપોર્ટમાં કહ્યું કે પીડિતાની ગર્ભાવસ્થાને જારી રાખવાથી તેની શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર પડશે. કાયદા અનુસાર 24 સપ્તાહથી વધુના ગર્ભને કોર્ટની પરવાનગી વિના હટાવી શકાય નહીં.