ટેક્નોલોજી, સોશિયલ મીડિયા, એઆઈના દુરુપયોગ સામે સીજેઆઈની ચેતવણી
- આઈઆઈટી મદ્રાસના દિક્ષાંત સમારંભમાં સીજેઆઈએનું નિવેદન
- સુપ્રીમમાં જીવંત કાર્યવાહીની ટ્રાન્સક્રિપ્શન માટે એઆઈ સિસ્ટમ લોન્ચ કરાશે, ટેક્નોલોજીથી મહિલા-બાળકોને લાભ થયો : ચંદ્રચૂડ
ચેન્નઈ : ટેક્નોલોજીના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) જેવી ટેક્નોલોજી દરેક ક્ષેત્રોમાં ફેલાયેલા છે અને ઝડપી કમ્યુનિકેશનને પ્રોત્સાહન આપે છે. પરંતુ આ ટેક્નોલોજીના દુરુપયોગ સામે સાવચેતી રાખવી જોઈએ, કારણ કે માનવ મૂલ્યો અને વ્યક્તિગત પ્રાઈવસી સૌથી વધુ મહત્વના છે તેમ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે શનિવારે જણાવ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, શૂન્યાવકાશમાં નવી ટેક્નોલોજી પ્રવર્તી શકે નહીં. તેથી તેને ઉપયોગ માટે સલામત બનાવવી જોઈએ અને લોકોની વ્યક્તિગત સ્વતંત્રતાનો સંભવિત ભંગ કર્યા વિના તેનો વિશ્વસનીય ઉપયોગ થવો જોઈએ.
સોશિયલ મીડિયા આપણને લોકો સાથે જોડાવા સક્ષમ બનાવે છે અને તે વય તથા રાષ્ટ્રીયતાના અવરોધો દૂર કરે છે.
આઈઆઈટી મદ્રાસના ૬૦મા કોન્વોકેશન સમારંભમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને સંબોધન કરતાં મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે નવી ટેક્નોલોજી ઉપયોગની સાથે દુરુપયોગ પણ લઈને આવી છે. લોકો સાથે કમ્યુનિકેશનના આ નવા ટૂલે લોકોની ઓનલાઈન અપશબ્દો અને ટ્રોલિંગ જેવી નવી વર્તણૂકને જન્મ આપ્યો છે. એ જ રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ દુરુપયોગ થઈ શકે છે.
આ દુરુપયોગને નાથવો એ તમારા માટે પડકારજનક કામ છે. તેમણે ઉમેર્યું કે, ટેક્નોલોજીનો ઉપયોગ કરતી વખતે વપરાશકારના મનમાં ઓનલાઈન દુર્વ્યવહાર અથવા પજવણીનો ભય ઊભો ના થવો જોઈએ.
જોકે, તેમણે ટેક્નોલોજીના ઉપયોગના સંદર્ભમાં માનવીય મૂલ્યો અને વ્યક્તિગત પ્રાઈવસીને વધુ મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ટેલિ લો સુવિધાથી વિશેષરૂપે મહિલાઓ અને બાળકોને કાયદાકીય સેવાઓ પૂરી પાડવામાં લાભ મળ્યો છે. એક પગલું આગળ વધતાં સુપ્રીમ કોર્ટ હવે પ્રયોગાત્મક ધોરણે જીવંત પ્રક્રિયાની ટ્રાન્સક્રિપ્શન માટે એઆઈ સિસ્ટમ લોન્ચ કરી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે કોઈપણ ટેક્નોલોજી વાસ્તવિક દુનિયાના પરીપ્રેક્ષ્યમાં તટસ્થ રહી શકે નહીં. ટેક્નોલોજીનો ઉપયોગ માનવીય મૂલ્યો પૂરા કરતો અને તેનું પ્રતિનિધિત્વ કરતો હોવો જોઈએ. તેથી જ મૂલ્યો અને ન્યાય મહત્વના છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી આપણી સ્વાયત્તતા, સમાનતા અને સામાજિક ન્યાયને સલામત બનાવીને આપણને સક્ષમ બનાવી શકે છે.