સમય નથી આપતા પપ્પા : ફરિયાદ કરી તો દીકરીઓને કામ બતાવવા સુપ્રીમ કોર્ટ લઈ આવ્યા CJI
દીકરીઓ રોજ કરતી હતી ફરિયાદ તેથી ચીફ જસ્ટીસ દીકરીને લઈને પહોચ્યા સુપ્રિમ કોર્ટ
જસ્ટિસ ચંદ્રચુડ અને તેમની પત્ની કલ્પનાએ બે દિવ્યાંગ દીકરીઓને દત્તક લીધી છે
નવી દિલ્હી, તા. 7 જાન્યુઆરી 2023, શનિવાર
'જ્યારથી તમે દેશના મુખ્ય જજ બન્યા છો, ત્યારથી અમને સમય જ નથી આપતા' આ શબ્દો છે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ CJI ચંદ્રચૂડની બે દીકરીઓનાં, કે જે રોજ તેમના પિતા તેમને સમય નથી આપતા હોવાથી સતત ફરિયાદ કરતી હતી. દેશભરમાં ગંભીર કેસોના નિકાલ કરતાં જસ્ટીસ ડીવાઈ ચંદ્રચૂડ દીકરીઓની આ ફરિયાદનું સમાધાન કરી શકતાં નહોતા. તેઓ દીકરીઓને સમજાવતાં કે બેટા હવે કામ વધી ગયુ છે એટલા માટે ટાઈમ ઓછો મળે છે. પરંતુ દીકરીઓની આ ફરિયાદ ઓછી થતી નહોતી એટલે પિતાને લાગ્યુ કે તેઓને જોવા લઈ જવી પડશે કે હોદ્દો વધતા જવાબદારી પણ કેટલી વધે છે. એટલે તેઓ બન્ને દીકરીઓને લઈ સુપ્રિમ કોર્ટ પહોચ્યા હતા. જેથી બન્ને દીકરીઓ માહી અને પ્રિયંકા ગઈકાલ શુક્રવારના રોજ પિતા સાથે સુપ્રિમ કોર્ટમાં પહોચ્યા હતા.
દીકરીઓએ પિતાનો દરજ્જો જોયો અને કામના બોજનો અહેસાસ પણ કર્યો
જસ્ટિસ ચંદ્રચુડ સવારે 10 વાગ્યાની આસપાસ કોર્ટ પરિસરમાં પહોંચ્યા અને દીકરીઓને મુલાકાતીઓની ગેલેરીમાંથી તેમના કોર્ટરૂમમાં લઈ ગયા અને તેમને કહ્યું, 'જુઓ, હું અહીયા જ બેસુ છું.' સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય ન્યાયાધીશ પુત્રીઓને તેમના કાર્યસ્થળ વિશે જણાવ્યું અને પછી તેમની ચેમ્બરમાં લઈ ગયા અને તેઓએ ન્યાયાધીશો જે જગ્યા પર બેસતા હતા તે બતાવ્યું હતું. અને જ્યાંથી વકીલો તેમના કેસોની દલીલ કરે છે. માહી અને પ્રિયંકા તેમના પિતાની ચેમ્બરમાં પહોંચતા જ ત્યાંનું દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિવિધ વહીવટી બાબતો પર CJI પાસેથી સૂચનાઓ લેવા માટે રજિસ્ટ્રારોની ટીમ લાઈનમાં ઉભી હતી. બંને દીકરીઓએ પિતાની ચેમ્બર જોઈ, જેમાં બે નાના રૂમને અડીને મોટી ઓફિસ હતી. આ ચેમ્બર CJIના કોર્ટરૂમની પાછળના ભાગમાં છે.
જસ્ટિસ ચંદ્રચુડ અને તેમની પત્ની કલ્પનાએ બે દિવ્યાંગ દીકરીઓને દત્તક લીધી છે
CJI ચંદ્રચુડ સવારે 10.30 વાગ્યે તેમનું કામ શરૂ કરતા પહેલા કોર્ટરૂમમાં વકીલોના પ્રવેશદ્વારથી વ્હીલ ચેરમાં દીકરીઓને લઈ ગયા ત્યારે બધા જ સ્તબ્ધ થઈ ગયા. આ સમયે જસ્ટિસ ચંદ્રચુડ સાદા ડ્રેસમાં હતા. તેમણે બંને દીકરીઓને એ જગ્યા બતાવી કે જ્યાંથી તે કેસ સુનવણી કરે છે. ન્યાયાધીશોની બેઠકની સામે ફાઈલો અને ઈલેક્ટ્રોનિક ટેબ લઈને વકીલોના ટોળાને જોઈને માહી અને પ્રિયંકા ફરીથી ચોકી ઉઠી હતી. તેઓને ખબર પડી કે 9મી નવેમ્બરથી પિતાના કામનું ભારણ ખરેખર વધી ગયું છે. તે જ દિવસે જસ્ટિસ ચંદ્રચુડે દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ બે વર્ષ સુધી આ પદ સંભાળશે અને 10 નવેમ્બર, 2024ના રોજ નિવૃત્ત થશે. તેમના પિતા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચુડ 16મા CJI હતા. તેઓ 7 વર્ષ અને પાંચ મહિના સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળવાનો રેકોર્ડ ધરાવે છે. જસ્ટિસ ચંદ્રચુડ અને તેમની પત્ની કલ્પના તેમની બે દત્તક પુત્રીઓ માહી અને પ્રિયંકાને ખુબ જ પ્રેમ કરે છે.