જજ કોઈ રાજકુમાર નથી, એમનું કામ તો સેવા કરવાનું...', સુપ્રીમકોર્ટના CJI ચંદ્રચૂડ આવું કેમ બોલ્યાં?
CJI DY Chandrachud : બ્રાઝિલના રિયો ડી જનેરિયોમાં યોજાયેલા શિખર સંમેલનમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ધનંજન વાય. ચંદ્રચુડે ભાગ લીધો હતો, જેમાં તેમણે સંબોધન દરમિયાન ન્યાયાધીશોના નિર્ણય મુદ્દે મહત્વનો સંદેશો આપ્યો છે.
‘જજ કોઈ રાજકુમાર કે સર્વોપરી નથી’
ડી.વાય.ચંદ્રચુડે શિખર સંમેલનમાં સંબોધન દરમિયાન કહ્યું કે, ‘જજ કોઈ રાજકુમાર કે સર્વોપરી નથી, જજ જાહેર પદ પર બેઠેલા અધિકારી છે. જજ તિરસ્કાર કરનારા દોષિતોને દંડ ફટકારે છે તેમજ બીજાના જીવન પર મહત્વપૂર્ણ નિર્ણય લેતા હોય છે, તેથી તેમના નિર્ણય લેવાના રસ્તાઓ પારદર્શક હોવા જોઈએ. એક ન્યાયાધીશનો નિર્ણય અને તે નિર્ણય સુધી પહોંચવાની પ્રક્રિયામાં પારદર્શક હોવી જોઈએ. તેઓ તમામને એક દ્રષ્ટિએ ચાલનારા હોવા જોઈએ.’
‘AIથી કોઈપણ નિર્ણયો કરી શકાતા નથી’
તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘કોઈપણ કેસમાં સ્પષ્ટીકરણ ખૂબ મહત્વનું છે અને તે કેસ પર નિર્ણય કેમ લેવાયો અને કયા આધારે લેવામાં આવ્યો, તે જાણવું ખૂબ જ જરૂરી છે, તેથી એઆઈની મદદથી એવા કોઈપણ નિર્ણયો કરી શકાતા નથી. જજ તરીકે અમે ન તો ક્યાંયના રાજકુમાર છીએ અને ન તો સંપ્રભુ, જે કોઈપણ નિર્ણયના સ્પષ્ટીકરણની અવગણના કરી દઈએ. અમે સેવા કરનારા લોકો છીએ અને લોકોના અધિકારનું રક્ષણ કરનાર સમાજના સંચાલક છીએ.’
નિર્ણયો પારદર્શન હોવા જોઈએ : CJI
સીજેઆઈએ વધુમાં કહ્યું કે, ‘એક ન્યાયાધીશનો નિર્ણય અને તે નિર્ણય સુધી પહોંચવાનો રસ્તો પારદર્શક હોવો જોઈએ. જજનો નિર્ણય કાયદાકીય અભ્યા કરનારા લોકો અને સામાન્ય લોકોની સમજમાં આવે તેવો હોવો જોઈએ. ન્યાયાધીશોએ દરેક લોકો સાથે એક જેવો વ્યવહાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.’
‘ટેકનોલોજીના કારણે વર્તમાન નિર્ણયોમાં અગાઉના નિર્ણયો સામે રાખી શકાયા’
વિશ્વભરની ન્યાયિક પ્રણાલીમાં ટેકનોલોજીની ભૂમિકા અંગે તેમણે કહ્યું કે, ‘ન્યાયિક પ્રણાલી નવીનતા અને પારદર્શક હોવી જોઈએ. ટેકનોલોજીના કારણે કાયદો અને સમાજ વચ્ચેનો સંબંધ મૌલિક રૂપે બદલાઈ ગયો છે. જેમ કે ટેકનોલોજી ન્યાયની પહોંચ વધારવા ઉપરાંત નિર્ણયમાં સુધારો કરવા માટે અગાઉના કેસમાં લેવાયેલા નિર્ણયોને પણ સામે રાખી શકે છે.’ તેમણે ટેકનોલોજીનું ઉદાહરણ આપી કહ્યું કે, ‘વીડિયો કોન્ફરન્સથી 7.50 લાખથી વધુ કેસોની સુનાવણી કરાઈ અને YouTube પર મહત્વપૂર્ણ બંધારણીય કેસોનું લાઈવ-સ્ટ્રીમ કરાયું.’