Get The App

ભારત મહત્ત્વપૂર્ણ ફેરફાર માટે તૈયાર...', CJI ચંદ્રચૂડે સરકાર દ્વારા લવાયેલા ત્રણ નવા કાયદાના કર્યા વખાણ

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
ભારત મહત્ત્વપૂર્ણ ફેરફાર માટે તૈયાર...', CJI ચંદ્રચૂડે સરકાર દ્વારા લવાયેલા ત્રણ નવા કાયદાના કર્યા વખાણ 1 - image

દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે (CJI DY Chandrachud) કેન્દ્રની મોદી સરકાર દ્વારા ભારતીય ન્યાય સંહિતા (IPC), દંડ પ્રક્રિયા સંહિતા (CRPC) અને સાક્ષ્ય અધિનિયમ (Evidence Act)માં ફેરફાર કરી લવાયેલા ત્રણ નવા કાયદાના વખાણ કર્યા છે. તેમણે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, ત્રણેય નવા કાયદાઓ સમાજ માટે ખૂબ જ જરૂરી છે અને ભારત પોતાની ફોજદારી ન્યાય પ્રણાલીમાં બદલાવ કરવા માટે તૈયાર છે.

નવા કાયદાઓથી ભારતમાં નવા યુગની શરૂઆત : CJI

સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, ‘નવા કાયદાઓથી ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીના માળખામાં નવા યુગની શરૂઆત થઈ છે. જો આપણે નવા કાયદાઓને નાગરિક તરીકે સ્વિકારીશું તો તે જરૂર સફળ થશે. પીડિતોને સુરક્ષા આપવા, ગુનાઓની તપાસ અને કાર્યવાહીને સરળતાથી ચલાવા આ ત્રણ કાયદાઓમાં ખુબ જ જરૂરી સુધારા રજુ કરવામાં આવ્યા છે. આ કાયદાઓ સંસદમાં પસાર થયા બાદ સ્પષ્ટ સંકેત છે કે, ભારત બદલાઈ રહ્યું છે અને આગળ વધી રહ્યું છે અને વર્તમાન પડકારોને પહોંચી વળવા માટે નવા કાયદાઓની જરૂરીયાતોને અપનાવી રહ્યું છે.’

‘આપણે વર્તમાન પડકારોને નાથવા નવી રીતોની જરૂર’

સીજેઆઈએ વધુમાં કહ્યું કે, ‘અગાઉના કાયદાઓ (બ્રિટિશ યુગના ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી), ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆપીસી) 1973 અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ, 1872) ખૂબ જ જૂના હતા તે જ તેની સૌથી મોટી ખામી હતી. સંસદમાં નવા કાયદાઓ પસાર થયા બાદ સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યો છે કે, ભારત બદલાઈ રહ્યું છે અને આપણે વર્તમાન પડકારોને નાથવા નવી રીતોની જરૂર છે. નવા કાયદા મુજબ દરોડા દરમિયાન પુરાવાઓનું ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગ થશે અને આમ કરવાથી ફરિયાદી તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે.

ત્રણેય નવા કાયદા પહેલી જુલાઈથી લાગુ થશે

ન્યાય મંત્રાલય દ્વારા આયોજીત કાર્યક્રમમાં સીજેઆઈ ઉપરાંત કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ (Arjun Ram Meghwal), એટોર્ની જનરલ આર.વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મેહતા પણ ઉપસ્થિત હતા. ત્રણેય નવા ફોજદારી કાયદા - ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદો પહેલી જુલાઈથી લાગુ થશે. આ કાયદા લાગુ થયા બાદ દેશની ફોજદારી ન્યાય પ્રણાલી ધરમૂળથી બદલાઈ જશે. જોકે હિટ-એન્ડ-રન કેસ સંબંધિત જોગવાઈ હાલ લાગુ કરાઈ નથી. આ ત્રણેય કાયદાઓ ગત વર્ષે 21 ડિસેમ્બરે સંસદમાં પસાર કરાયા હતા, ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 25 ડિસેમ્બરે મંજૂરી આપી દીધી હતી.


Google NewsGoogle News