બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે યાદ અપાવે છે કે સ્વતંત્રતાની કિંમત શું છે: CJI ચંદ્રચૂડ
Chief Justice of India DY Chandrachud: દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં નિવેદન આપતા ભારતના મુખ્ય ન્યાયાધીશ(CJI) ડીવાય ચંદ્રચુડે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'આજે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે આઝાદીની કિંમત શું છે તેની આપણને સ્પષ્ટ યાદ કરાવે છે. આજ તે દિવસ છે જે આપણને બંધારણના તમામ મૂલ્યોને સાકાર કરવા માટે એકબીજા અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો નિભાવવાની યાદ અપાવે છે. સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂકતા ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, ભારતે સન 1950માં સ્વતંત્રતાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને લઈને સીજીઆઈએ ત્યાંનું ઉદાહરણ આપ્યું હતું. બાંગ્લાદેશ હાલમાં રાજનીતિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તેના કારણે ભારતના આ પાડોશી દેશમાં અશાંતિ પ્રવર્તી રહી છે. દેશમાં અનામત સામે વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણી હિંસા થઈ હતી. આ પ્રદર્શનની શરૂઆત જૂન મહિનાથી થઇ હતી અને તે ઓગસ્ટમાં ટોચ પર પહોંચ્યું હતું. વડાપ્રધાન શેખ હસીનાને લોકોના ગુસ્સા સામે ઝુકવું પડ્યું. અને તેમણે આખરે દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. અને તેઓ હાલ ભારતમાં રહે છે. શેખ હસીનાને હટાવ્યા બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાઈ છે. જેના કાર્યકારી વડાપ્રધાન મોહમ્મદ યુનુસ છે.
આપણે હજુ સંસ્થાનવાદી યુગની પૃષ્ઠભૂમિમાંથી બંધારણ વિશે વાત કરીએ છીએ
તેમના સંબોધનમાં સીજીઆઈ ચંદ્રચુડે કહ્યું હતું કે, 'આ દિવસે આપણે એ પ્રતિબદ્ધતાનું સન્માન કરીએ છીએ કે જેમણે આ જીવનને મહાન બનાવવા માટે કામ કરી રહ્યા છે. આપણે બધા હજુ સંસ્થાનવાદી(colonialism) યુગની પૃષ્ઠભૂમિમાંથી બંધારણ વિશે વાત કરીએ છીએ. આપણા દેશે ઘણું સહન કર્યું છે? આજે સવારે હું પ્રખ્યાત કર્ણાટકની ગાયિકા ચિત્રા શ્રી કૃષ્ણ દ્વારા લખાયેલ એક સુંદર રચના વાંચી રહ્યો હતો અને આ રચનાનું શીર્ષક હતું 'સ્વતંત્રતાના ગીત', આઝાદીનો વિચાર ભારતીય કવિતાના ઘડતરમાં વણાયેલો છે.'
આ પણ વાંચો: 75000 મેડિકલ સીટ, વન નેશન વન ઈલેક્શન, ગ્રીન જોબ્સ... PM મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા
આઝાદી માટે ઘણાં વકીલોએ તેમની કાનૂની પ્રેક્ટિસ છોડી
સીજીઆઈ ચંદ્રચુડે એ સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ યાદ કર્યા કે જેમણે પોતાની કાયદાકીય પ્રેક્ટિસ છોડી દેશને આઝાદ કરવા માટેની લડાઈ લડી હતી. તેમણે કહ્યું કે, 'ઘણાં વકીલોએ તેમની કાનૂની પ્રેક્ટિસ છોડી દીધી અને પોતાને રાષ્ટ્રને સમર્પિત કરી દીધા હતા. બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરુ, કૃષ્ણસ્વામી ઐયર, ગોવિંદ વલ્લભ પંત, દેવી પ્રસાદ ખેતાન, સર સૈયદ મોહમ્મદ સાદુલ્લાહ... યાદી લાંબી છે. તેમણે માત્ર ભારતની આઝાદીમાં જ નહીં પરંતુ એક સ્વતંત્ર ન્યાયતંત્રની સ્થાપના કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.'
કોર્ટનું કામ સામાન્ય ભારતીયોના ઉતાર-ચઢાવ અને સંઘર્ષને દર્શાવે છે
તેમણે આગળ જણાવ્યું હતું કે, 'છેલ્લા 24 વર્ષથી ન્યાયાધીશ તરીકે હું મારા હૃદય પર હાથ રાખીને કહી શકું છું કે કોર્ટનું કામ સામાન્ય ભારતીયોના રોજના જીવનના ઉતાર-ચઢાવ અને સંઘર્ષને દર્શાવે છે. ભારતની સુપ્રીમ કોર્ટમાં દેશના તમામ પ્રદેશો, જાતિઓ,લિંગો અને ધર્મોના ગામડાઓ અને મહાનગરોમાંથી ન્યાયની માંગણી કરનારા અરજદારોની ભીડ થાય છે. કાનૂની સમુદાય કોર્ટને નાગરિકો સાથે ન્યાય કરવાની મંજૂરી આપે છે.'