ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ નિવૃત્ત થતા પહેલા મદરેસાને લઈને આપશે મોટો ચુકાદો, યાદીમાં આ પણ છે મહત્ત્વના કેસ
Image Source: Twitter
Supreme Court CJI Retirement: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ 10 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ જશે. રિટાયરમેન્ટ પહેલા તેમની પાસે CJI તરીકે પાંચ દિવસનો સમય બચ્યો છે. આ પાંચ દિવસમાં CJIની બેન્ચ 5 મહત્ત્વના કેસમાં ચુકાદો આપશે.
આવી સ્થિતિમાં દરેકની નજર આ કેસના ચુકાદા પર રહેશે. હકીકતમાં દિવાળીની રજાઓના કારણે સુપ્રીમ કોર્ટ હાલમાં બંધ છે. હવે કોર્ટ 4 નવેમ્બરે ખુલશે. CJI ચંદ્રચૂડની ખંડપીઠે 4 થી 8 નવેમ્બર દરમિયાન ઘણા મોટા કેસમાં પોતાનો ચુકાદો આપવાનો છે. કારણ કે, શનિવાર અને રવિવારના કારણે 9 અને 10 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ બંધ રહેશે, તેથી ડી. વાય. ચંદ્રચૂડ માટે 8 નવેમ્બર CJI તરીકે છેલ્લો દિવસ હશે. અહીં અમે તે પાંચ કેસ વિશે જણાવી રહ્યા છીએ જેના પર CJI ચુકાદો આપશે.
1. મદરેસા એક્ટ કેસ
CJIએ જે પાંચ કેસમાં ચુકાદો આપવાનો છે તેમાં મદરેસા એક્ટ કેસ સૌથી મહત્ત્વનો છે. મદરેસા એક્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે 22 ઓક્ટોબરના રોજ સુનાવણી કરીને પોતાનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. 22 ઓક્ટોબરેના રોજ સુપ્રીમ કોર્ટમાં અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી થઈ હતી તેમાં ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડ એક્ટ 2004ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો હતો.
2. AMUનું માઈનોરિટી સ્ટેટસ
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના માઈનોરિટી સ્ટેટસને લઈને પણ લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં CJI ડી. વાય. ચંદ્રચુડની 7 જજની બેન્ચે છેલ્લી સુનાવણી દરમિયાન નિર્ણય રિઝર્વ રાખ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે CJI AMUને લઘુમતી સંસ્થાનો દરજ્જો આપવાના પક્ષમાં છે કે તેની વિરુદ્ધ છે.
આ પણ વાંચો: અમેરિકાએ ભારતને આપેલું વચન પૂરું કર્યું: 248 ચોરાયેલી પ્રાચીન ચીજવસ્તુ પરત કરી
3. LMV લાયસન્સ કેસ
LMV લાઈસન્સ કેસમાં છેલ્લી સુનાવણી 21 ઓગષ્ટના રોજ થઈ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે નિર્ણય રિઝર્વ રાખ્યો હતો. આ કેસમાં વિવાદ એ છે કે લાઈટર મોટર વ્હીકલ લાયસન્સ ધારકોને 7,500 કિગ્રાથી વધુ વજનના લાઈટ મોટર વ્હીકલ ક્લાસનું પરિવહન વાહનને ચલાવવાની મંજૂરી છે કે નહીં. કોર્ટે એ નક્કી કરવાનું છે કે લાઈટ મોટર વ્હીકલ લાયસન્સ ધારકને તે જ શ્રેણીનું પરિવહન વાહન ચલાવવાની મંજૂરી છે કે નહીં. આ મુદ્દાને કારણે આવા વાહનોને સંડોવતા અકસ્માતો સંબંધિત વીમાના દાવાઓ પર વિવાદ થયો છે.
4. દિલ્હીના રિજ એરિયામાં વૃક્ષોનું કટિંગ
દિલ્હીના રિજ એરિયામાં વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગને લઈને એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરીને વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું છે. CJI ચંદ્રચૂડની બેન્ચને આ કેસમાં પણ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવાનો છે.
5. સંપત્તિનું પુનઃવિતરણ
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની નવ જજોની બેન્ચ બંધારણની કલમ 39(બી) પર પણ સુનાવણી કરી રહી છે, જે સામાન્ય ભલાઈ માટે સંપત્તિના પુનઃવિતરણ સાથે સંબંધિત છે. કોંગ્રેસે સંપત્તિની વહેંચણીને લઈને આ રાજકીય ચર્ચા શરૂ કરી હતી અને ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.