'આ બજાર છે? આનો ફોન લઈ લો...' વકીલને મોબાઈલ પર વાત કરતા જોઈને ભડક્યા CJI ચંદ્રચૂડ
Image Source: Twitter
- જજ માત્ર ફાઈલો જ નથી જોતા પરંતુ તેઓ કોર્ટમાં શું ચાલી રહ્યું છે તેનું પણ ધ્યાન રાખે છે: CJI ચંદ્રચૂડ
નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર 2023, સોમવાર
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ (CJI DY Chandrachud) આજે એક વકીલ પર ભડકી ગયા હતા અને તેમને ફટકાર લગાવી હતી. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ જ્યારે કોર્ટ (Supreme Court)માં સુનાવણી માટે બેઠા તો તેમની નજર એક વકીલ પર પડી. તે વકીલ ફોન પર વાત કરી રહ્યા હતા. આ જોઈને CJI ચંદ્રચૂડ ખૂબ જ ગુસ્સે થઈ ગયા.
આનો ફોન લઈ લો.........
CJIએ વકીલને ટોકતા કહ્યું, અહીં આવો.. આ કોઈ બજાર છે? CJIએ પોતાના સ્ટાફને વકીલનો ફોન લઈ લેવા પણ કહી દીધુ. બાદમાં વકીલે માફી માંગી. ચીફ જસ્ટિસે વકીલને ચેતવણી આપતા કહ્યું હવે આગળ ધ્યાન રાખજો. બીજી વખત આવી ભૂલ ન થવી જોઈએ.
ચીફ જસ્ટિસે આગળ કહ્યું કે, જજ માત્ર ફાઈલો જ નથી જોતા. પરંતુ તેઓ કોર્ટમાં શું ચાલી રહ્યું છે તેનું પણ ધ્યાન રાખે છે. તેમની નજર ચારેય બાજુ હોય છે.
CJI પાસે કેસની સુનાવણીની જીદ કરવા લાગ્યો વ્યક્તિ
CJI ચંદ્રચુડની કોર્ટમાં આજે બીજી ઘટના બની હતી. કેસોની લિસ્ટિંગ દરમિયાન એક અરજદારે CJIને કહ્યું કે તે ભૂતપૂર્વ ન્યાયિક ઓફિસર છે. અરજદારે કહ્યું કે હું ન્યાયની આશામાં સુપ્રીમ કોર્ટમાં ભટકી રહ્યો છું. હું 1970માં હિમાચલ પ્રદેશ જ્યૂડિશિયરી જોઈન કરી હતી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે અમે તમારો કેસ જસ્ટિસ ઋષિકેશ રોય સામે લિસ્ટ કરીશું.
CJIની વાત પર અરજદારે અપીલ કરતા તેમને જ કેસની સુનાવણી કરવા માટે વિનંતી કરી હતી. તેના પર જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે હું બંધારણીય બેંચમાં છું. આવી સ્થિતિમાં તમારો કેસ પાછળ રહી જશે. અરજદારે ફરી પોતાની વાત દોહરાવી અને કહ્યું કે તમે જ મારા કેસની સુનાવણી કરો. તેના પર CJIએ કહ્યું- ઠીક છે. તારીખ ઉપલબ્ધ થશે તો તમને મળી જશે.