Get The App

મી લૉર્ડ... મારી અરજીમાં દમ કેવી રીતે નથી...' બસ આટલું કહેતા જ CJI થયા ગુસ્સે અને પછી...

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
મી લૉર્ડ... મારી અરજીમાં દમ કેવી રીતે નથી...' બસ આટલું કહેતા જ CJI થયા ગુસ્સે અને પછી... 1 - image


Image Source: Twitter

CJI DY Chandrachud Gets Angry On Petitioner: ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા  રંજન ગોગોઈ વિરુદ્ધ તપાસની માગ કરતી અરજી પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે અરજદારને ફટકાર લગાવી છે. મંગળવારે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચ ફરીથી કેસની સુનાવણી કરવા બેઠી ત્યારે તે પૂર્વ CJI વિરુદ્ધ અરજીકર્તાના આરોપો સાંભળીને ગુસ્સે થઈ ગઈ. અરજી ફગાવી દેતા કોર્ટે અરજદારને કહ્યું કે તમારી અરજીમાં કોઈ દમ નથી. તેના પર અરજદારે દલીલ શરૂ કરી દીધી. ત્યારબાદ કોર્ટે સુરક્ષા કર્મચારીઓને તેને કોર્ટરૂમમાંથી બહાર લઈ જવાનો આદેશ આપ્યો હતો.

અરજદારે પૂર્વ CJI રંજન ગોગોઈ સામે તપાસની માગ કરી

અરુણ રામચંદ્ર હુબલીકરે સુપ્રીમ કોર્ટમાં સેવામાંથી પોતાની ગેરકાયદેસર બરતરફી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમાં તેમણે કોર્ટને જણાવ્યું કે મેં અગાઉ પણ સેવા વિવાદ પર અરજી દાખલ કરી હતી, તે સમયે પૂર્વ CJI રંજન ગોગોઈએ મારી અરજી ફગાવી દીધી હતી. અરુણ રામચંદ્ર હુબલીકરે પૂર્વ CJI સામે તપાસની માગ કરી છે. CJI ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની બેન્ચે 30 સપ્ટેમ્બરના રોજ પૂર્વ CJI રંજન ગોગોઈ વિરુદ્ધ તપાસની માગ કરતી અરજી પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને અરજદારને પક્ષકારોની સૂચિમાંથી તેમનું નામ હટાવવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો: ભારત-કેનેડા વિવાદમાં હવે અમેરિકા કૂદ્યું, કહ્યું- ટ્રુડો સરકારે લગાવેલા આરોપો અત્યંત ગંભીર

તમારી અરજીમાં કોઈ દમ નથી

CJI ચંદ્રચૂડની સાથે જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા પણ સુનાવણીમાં સામેલ હતા. તેમણે સુરક્ષા કર્મચારીઓને હુબલીકરને કોર્ટ રૂમમાંથી બહાર લઈ જવાનો આદેશ આપ્યો. મંગળવારે સુનાવણી દરમિયાન જ્યારે અરજદારે પૂર્વ CJIનું નામ લીધું તો બેન્ચ ગુસ્સે થઈ ગઈ. બેન્ચે કહ્યું કે, અમે તમારા પર દંડ લગાવવા જઈ રહ્યા છીએ. કોઈ જજનું નામ ન લેશો. તમારી અરજીમાં કોઈ દમ નથી.

મારી અરજીમાં દમ કેવી રીતે નથી.

આ મુદ્દે અરજદારે CJI ચંદ્રચૂડ અને બંને જજો સાથે દલીલો શરૂ કરી દીધી. તેમણે બેન્ચની ટિપ્પણીનો વિરોધ કરતા કહ્યું કે, તમે કેવી રીતે કહી શકો કે મારા કેસમાં કોઈ દમ નથી. આવું કેવી રીતે કહી શકાય, આ મારી સામે અન્યાય છે. કમ સે કમ મને મૃત્યુ પહેલા ન્યાય મળવો જોઈએ. તેના પર બેન્ચે કહ્યું કે અમે અરજી ફગાવી દીધી છે, ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓને અરજદારને કોર્ટ રૂમમાંથી બહાર લઈ જવાનો આદેશ આપ્યો.

થોડી તો ગરિમા જાળવી

છેલ્લી સુનાવણીમાં CJI ચંદ્રચૂડે અરજદાર સમક્ષ પૂર્વ CJIનું નામ પક્ષકારોની યાદીમાંથી હટાવવાની શરત મૂકી હતી. બેન્ચે કહ્યું હતું કે, તમે એક ન્યાયાધીશને પ્રતિવાદી બનાવીને અરજી કેવી રીતે દાખલ કરી શકો છો? થોડી તો ગરિમા જાળવી રાખવી જોઈએ. તમે એવું ન કહી શકો કે હું ન્યાયાધીશ સામે આંતરિક તપાસ ઈચ્છું છું. જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ હતા. કોર્ટે કહ્યું હતું કે, 'જસ્ટિસ ગોગોઈ ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવાનિવૃત્ત થયા હતા. તમે એમ ન કહી શકો કે હું ન્યાયાધીશ વિરુદ્ધ આંતરિક તપાસ ઈચ્છું છું, કારણ કે તમે તેમની ખંડપીઠ સામે પોતાની દલીલો મનાવવામાં સફળ નથી થયા. માફ કરશો, અમે આ સહન ન કરી શકીએ. હુબલીકરે પૂર્વ CJIનું નામ પક્ષકારોની સૂચિમાંથી હટાવવાનું આશ્વાસન આપ્યા બાદ જસ્ટિસ ચંદ્રચૂડે અરજી સૂચિબદ્ધ કરવાનો આદેશ આપ્યો હતો, જેના પર મંગળવારે સુનાવણી થઈ. જસ્ટિસ ગોગોઈ 17 નવેમ્બર 2019ના રોજ સેવાનિવૃત થયા હતા. 


Google NewsGoogle News