Get The App

ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની વિશ્વસનીયતા જોખમમાં મૂકાઈ, જુઓ જજો અને વકીલોએ શું કહ્યું?

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
CJI


CJI Chandrachud Is Facing Flak: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડના ઘરે ગણેશ પૂજામાં ગયા તેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. મોદીએ ચંદ્રચૂડના ઘરે આરતી કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની વિશ્વસનિયતા ખતમ કરી નાખી હોવાના આક્ષેપો સાથે ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. મહેશ જેઠમલાણી અને હરીશ સાલ્વે જેવા કેટલાક વકીલો મોદી અને ચંદ્રચૂડના બચાવમાં પણ ઉતર્યા છે પણ આ વકીલોનાં હિતો ભાજપ સાથે સંકળાયેલાં હોવાથી તેમના બચાવને ગંભીરતાથી લેવામાં આવી નથી. વધુ પડતાં વકીલો મોદીની ઝાટકણી કાઢી રહ્યા છે.

ભાજપે CJI અને મોદીનો બચાવ કર્યો

ભાજપ પણ મોદીનો બચાવ કરી રહ્યો છે. મોદી ધાર્મિક આસ્થાના કારણે ચીફ જસ્ટિસના ઘરે ગયા હતા અને તેમની મુલાકાતને કારણે સુપ્રીમ કોર્ટની કામગીરી પર કોઈ અસર નહીં પડે એવી તેમની દલીલ છે. બંધારણવિદો અને વકીલો આ દલીલને બકવાસ ગણાવે છે. તેમનું કહેવું છે કે, મોદીને પોતાની આસ્થા જ દર્શાવવી હતી તો કોઈ જાહેર ગણપતિ મંડપ કે ગરીબ વ્યક્તિના ઘરે પણ જઈ શક્યા હોત પણ તેમનો ઈરાદો ન્યાયતંત્ર અને ચીફ જસ્ટિસ પોતાના તાબા હેઠળ છે એવું બતાવવાનો છે. આ મુલાકાતને મોદી ખાનગી પણ રાખી શક્યા હોત પણ તેના બદલે તેમણે ઈરાદાપૂર્વક તેના વીડિયો અને ફોટા વાયરલ કરાવીને જસ્ટિસ ચંદ્રચૂડની ઈમેજને મોટો ફટકો મારી દીધો હતો.

વરિષ્ઠ વકીલોએ ટીકા કરી

વરિષ્ઠ વકીલોના મતે, મોદીએ ચંદ્રચૂડ પોતાના મિત્ર હોય એવો દેખાવ ઉભો કરીને ખૂબ ખરાબ મેસેજ આપ્યો છે. દેશના ચીફ જસ્ટિસ સાથે પોતાને ઘરના સંબંધો હોવાનું બતાવીને મોદીએ દેશના ન્યાયતંત્રને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દીધું હોવાની ટીકા ટોચના વકીલો કરી રહ્યા છે.  મોદીએ ચંદ્રચૂડના ઘરે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપીને સરકાર અને ન્યાયતંત્રના સંબંધો અંગેની મર્યાદારેખા ઓળંગી છે એવી ટીકા પણ થઈ રહી છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની પણ સંખ્યાબંધ જાણીતા વકીલ અને બંધારણવિદોએ આકરી ટીકા કરી છે. મોદીને પોતાના ઘરે ધાર્મિક કાર્યક્રમ માટે હાજર રહેવાનું નિમંત્રણ આપીને દેશના ચીફ જસ્ટિસે લક્ષ્મણરેખા પાર કરી દીધી હોવાની ટીકાઓ પણ થઈ રહી છે.

મોદી વિરોધી 

"ભારતના મુખ્ય ન્યાયાધીશે ચૂંટાયેલી પાંખ અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાના વિભાજન માટે બનાવાયેલી રેખા ઓળંગીને વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. ચીફ જસ્ટિસે ન્યાયતંત્રના સિધ્ધાંતો સાથે સમાધાન કર્યું છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને ચીફ જસ્ટિસના કૃત્યની આકરી ટીકા કરવી જોઈએ." - ઇન્દિરા જયસિંહ ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ

"ચીફ જસ્ટિસ ચંદ્રચુડે મોદીને પોતાના ઘરે ખાનગી બેઠક કરવાની મંજૂરી આપી એ વાત ચોકાવનારી છે. ન્યાયતંત્રની જવાબદારી મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની છે, કોઈ પણ સરકાર બંધારણની મર્યાદામાં રહીને કામ કરે છે તેની ખાતરી કરવાની છે. તેમણે આ મર્યાદા તોડી દીધી છે." - પ્રશાંત ભૂષણ, જાણીતા વકીલ

"બંધારણ દ્વારા સત્તાનું વિભાજન કરાયું એ પ્રમાણે ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે અંતર જળવાવું જોઈએ. મોદી સાથે ચીફ જસ્ટિસની બેઠકના કારણે ન્યાયતંત્ર વિશેની લોકોની ઈમેજ પર અસર થઈ છે પણ ચુકાદા પર તેની અસર થતી નથી. જજ સ્વતંત્ર રીતે પોતાને આપવો હોય એ જ ચુકાદો આપે છે." - જસ્ટિસ આર.એમ. લોઢા ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ

"મોદીએ ચંદ્રચૂડના ઘરની મુલાકાત લઈને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી દીધો એ બિલકુલ યોગ્ય નથી. મોદીને કોને નિમંત્રણ આપેલું તેની મને ખબર નથી પણ હું એટલું ચોક્કસ કહીશ કે, આ પ્રકારની મુલાકાતોને લીધે લોકોની નજરમાં ન્યાયતંત્રની ખરાબ અસર ઉભી થાય છે. તેના કારણે ચીફ જસ્ટિસના ભવિષ્યના ચુકાદાઓને અસર નહીં થાય પણ તેમની ઈમેજને ચોક્કસ થઈ છે. તેના કારણે ખોટો મેસેજ ગયો છે." - જસ્ટિસ (નિવૃત્ત) ગોવિંદ માથુર, અલાહાબાદ હાઈકોર્ટ

"વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડના ઘરે કોઈ પણ સંજોગોમાં જવાની જરૂર નહોતી. સુપ્રીમ કોર્ટ સામે સરકાર વિરોધી કેસો આવી રહ્યા છે અને લાંબા સમયથી માનવાધિકાર ભંગને લગતા કેસો પણ આવી રહ્યા છે એ સંજોગોમાં વડાપ્રધાન અને ચીફ જસ્ટિલની મુલાકાતના કારણે પીડિતો અને અરજદારોના મનમાં ભય પેદા થઈ ગયો છે."- જસ્ટિસ (નિવૃત્ત) રેખા શર્મા, દિલ્હી હાઈકોર્ટ

"ભારતના ઈતિહાસમાં કદી આવું બન્યું નથી. મારા મતે મોદીએ ચંદ્રચૂડના ઘરની મુલાકાતનો ફોટો મૂક્યો એ જ ખોટું નથી પણ મોદી તેમના ઘરે ગયા એ પણ ખોટું છે. મોદી અને ચંદ્રચૂડ બંને શું મેસેજ આપવા માગે છે એ સમજવાની જરૂર છે. આ મુદ્દો આસ્થાનો નથી પણ ન્યાયતંત્રની સ્વતંત્રતાનો છે." - દુષ્યંત દવે, સુપ્રીમ કોર્ટના વકીલ

મોદી તરફી

"દેશના ચીફ જસ્ટિસ ન્યાયતંત્રના વડા હોવાને કારણે ઘરે ગણેશ પૂજા કરે કે વડાપ્રધાનને નિમંત્રણ આપે તેમાં ખોટું નથી પણ બંનેએ સાથે જાહેરમાં ન જવું જોઈએ. આ ઘટના સાથે ચીફ જસ્ટિસની પ્રામાણિક્તાને જોડી તેમને બદનામ કરતા આક્ષેપો બાલિશ અને અપરિપક્વ છે. આ ઘટનાને મદ્દો ના બનાવવો જોઈએ." - જસ્ટિસ (નિવૃત્ત) કે. ચંદ્રુ, મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ

"મોદીની ચંદ્રચૂડના ઘરે ગણેશ પૂજામાં ભાગ લેવાની વાતનો વિવાદ ઉભો કરાયો તેનું મને આશ્ચર્ય થઈ રહ્યું છે. કોઈ રાજકારણી કોઈ જજ કે ચીફ જસ્ટિસના ઘરે સામાજિક પ્રસંગ માટે ના જઈ શકે એ વાત જ વાહિયાત છે. ન્યાયતંત્ર અને સરકાર પોતપોતાનાં કામ કરે છે. તેમાં અંગત સંબંધો વચ્ચે ક્યાંથી આવ્યા?" - મહેશ જેઠમલાણી, સુપ્રીમ કોર્ટના વકીલ

"વડાપ્રધાન ચીફ જસ્ટિસના ઘરે જાહેરમાં જાય ને પૂજા કરે તેની ટીકા કરે એ બિલકુલ નોનસેન્સ કહેવાય. કોઈએ ખોટું કામ કરવું હોય તો આ રીતે ધોળે દાહડે જાહેરમાં ના કરે. આ પ્રકારની વાતોને મોટું સ્વરૂપ આપી દેવાય અને ટોચના હોદા પર બેઠેલા લોકો તેને ઉછાળે એ જોતાં દેશનું બંધારણ ખતરામાં છે એવું લાગે છે." - હરીશ સાલ્વે ભૂતપૂર્વ સોલિસિટર જનરલ

ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની વિશ્વસનીયતા જોખમમાં મૂકાઈ, જુઓ જજો અને વકીલોએ શું કહ્યું? 2 - image


Google NewsGoogle News