CAA હેઠળ 300 લોકોને પહેલીવાર મળ્યું ભારતનું નાગરિકત્વ, 14 લોકોને સર્ટિફિકેટ પણ અપાયા
CAA Citizenship : દેશમાં માર્ચમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની શરૂઆત કરાયા બાદ પહેલીવાર 300 શરણાર્થિઓને ભારતીય નાગરિકતા અપાઈ છે. ગૃહમંત્રાલયે આવા 14 લોકોને આજે ઓનલાઈન સર્ટિફિકેટ આપ્યા છે. આ શરણાર્થિઓ ઘણા વર્ષોથી ભારતની નાગરિકતા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. મંત્રાલયે 14 શરણાર્થિઓને આજે દિલ્હી બોલાવ્યા હતા, જ્યાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ તેમને પ્રતિકાત્મક સર્ટિફિકેટ આપી અભિનંદન પાઠવ્યા છે.
11 માર્ચથી લાગુ કરાયો નાગરિકતા સંશોધન કાયદો
કેન્દ્ર સરકારે 11 માર્ચ-2024ના રોજ સીએએ કાયદો લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ ભારતના ત્રણ પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર બનેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે. જોકે જે લોકો 31 ડિસેમ્બર-2014 અથવા તે પહેલા ભારત આવ્યા હોય, તેમને જ ભારતીય નાગરિકતા આપવામાં આવે છે. સીએએ કાયદા હેઠળ પડોશી દેશોમાંથી આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓએ અરજી કરી હતી, તેમાંથી 300 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
શું છે નાગરિક સંશોધન કાયદો?
આ કાયદો પાંચ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2019માં મંજૂર થયો હતો, પરંતુ 11-માર્ચ 2024માં લાગુ થયો છે. વિરોધ પક્ષોએ આ મુદ્દે ખુબ જ વિરોધ નોંધાવ્યો હતો અને કડક વલણ પણ જોવા મળ્યું હતું. આ કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતાની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર બનેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ભારત દેશના નાગરિક કોણ છે તેની પરિભાષા 1955માં એક કાયદો બનાવીને કરવામાં આવી જેને નાગરિકતા અધિનિયમ 1955 નામ અપાયું. મોદી સરકારે આ કાયદામાં સંશોધન કર્યું છે. જેને નાગરિકતા સંશોધન બિલ 2016 નામ આપવામાં આવ્યું છે.
છ ધર્મના લોકોને દસ્તાવેજ વગર ભારતીય નાગરિકતા અપાશે
સંશોધન બાદ દેશમાં 6 વર્ષ રહેતા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના છ ધર્મના (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ) લોકોને કોઈ જરૂરી દસ્તાવેજ વગર ભારતીય નાગરિકતા આપવામાં આવશે. પહેલા નાગરિકતા અધિનિયમ 1955 પ્રમાણે જરૂરી દસ્તાવેજ હોય તો જ આ દેશના લોકોને 12 વર્ષ પછી નાગરિકતા મળી શકતી હતી. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ત્રણેય ઈસ્લામિક દેશ છે અને ત્યાં હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન, ઈસાઈ અને પારસી ધર્મના લોકો લઘુમતીમાં છે. નવા કાયદા હેઠળ 31 ડિસેમ્બર, 2014 સુધી પાડોશી ત્રણેય દેશોથી ઉત્પીડનનો શિકાર થઈને આવેલા લોકોને ભારતની નાગરિકતા મળી શકશે.