70 કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવાશે
- વડાપ્રધાન મોદીના અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો
- 4.5 કરોડ પરિવારના 70 કે તેથી વધુ ઉંમરના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ સુધીનો વીમો આવકને ધ્યાનમાં લીધા વગર ફ્રી મળશે
નવી દિલ્હી : આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને તેમની આવકને ધ્યાનમાં લીધા વગર આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (એબીપીએમજેએવાય) હેઠળ આવરી લેવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ૪.૫ કરોડ પરિવારોને ફાયદો થશે.
આ નિર્ણયને પગલે ૪.૫ કરોડ પરિવારના ૭૦ કે તેથી વધુ ઉંમરના ૬ કરોડ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઇન્સ્યુરન્સ કવર મળશે.
કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલ અન્ય નિર્ણય હેઠળ આગામી આઠ વર્ષમાં અમલમાં આવનાર ૩૧,૩૫૦ મેગાવોટના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે ૧૨,૪૬૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. સરકારના જણાવ્યા અનુસાર ૩૧,૩૫૦ મેગાવોટના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સનો અમલ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫થી શરૂ કરવામાં આવશે જે ૨૦૩૧-૩૨માં પૂર્ણ થશે.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને વેગ આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં પીએમ ઇ-ડ્રાઇવ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે.
આ સ્કીમ હેઠળ ઇલેક્ટ્રિક વાહનોને વેગ આપવા માટે સરકાર ૧૦,૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ યોજના હેઠળ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ, ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ, ઇ એમ્બ્યુલન્સ, ઇ ટ્રક્સ અને અન્ય ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે ૩૬૭૯ કરોડ રૂપિયાની સબસિડી આપશે. ૧૪,૦૨૮ ઇલેક્ટ્રિક બસો ખરીદવા માટે ૪૩૯૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.