સંસદમાં ધક્કામુક્કી મામલે મોટા સમાચાર, CISFએ કહ્યું- અમારા તરફથી કોઈ ચૂક નહીં
Parliament Scuffle: સંસદ ભવન પરિસરની સુરક્ષાનો હવાલો સંભાળનાર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)એ સોમવારે જણાવ્યું હતું, કે ગયા ગુરુવારે (19 ડિસેમ્બર, 2024) એનડીએ અને ઇન્ડિયા બ્લોકના સાંસદો વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન તેમના દ્વારા કોઈ ચૂક થઈ નથી. CISFના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ શ્રીકાંત કિશોરે જણાવ્યું હતું કે, CISF દ્વારા કોઈ ચૂક થઈ નથી. કોઈ પણ હથિયારો સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવી નથી.
ઘટના અંગે CISF કોઈ તપાસ નથી કરી રહી
CISFના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ શ્રીકાંત કિશોરે જણાવ્યું હતું કે, જ્યારે સાંસદો આક્ષેપો લગાવશે ત્યારે દળ ચૂપ રહેવાનું પસંદ કરશે. સંસદ ભવનના પરિસરના મકર ગેટ પર બનેલી ઘટના અંગે CISF કોઈ તપાસ કરી રહી નથી.
19મી ડિસેમ્બરે સંસદમાં શું થયું?
સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ડૉ. ભીમરાવ આંબેડકરને લઈને કરવામાં આવેલી ટિપ્પણી પર ગુરુવારે (19 ડિસેમ્બર, 2024) રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા બ્લોકના સાંસદોએ પ્રદર્શન કર્યું હતું. ઇન્ડિયા બ્લોકના નેતાઓએ અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. તે દરમિયાન બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું. તે દરમિયાન ભાજપના બે સાંસદો - પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને માથામાં ઈજા થઈ હતી, જે બાદ ભાજપે રાહુલ ગાંધી પર સાંસદોને ધક્કો મારવાનો આરોપ લગાવ્યો હતો.