Get The App

હિંદુજા ગ્રુપે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયની ચર્ચિલની વૉર-ઓફિસને ભવ્ય હોટલ બનાવ્યું, 29 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન

લંડનમાં પીએમ આવાસની સામે વ્હાઈટહાલ બિલ્ડિંગમાં ચર્ચિલનું જુનુ યુદ્ધ કાર્યાલય

બિલ્ડિંગમાં 120 રૂમો, 85 રેસિડેન્શિયલ મકાન, 9 રેસ્ટોરન્ટ અને 3 બાર બનાવાયા

Updated: Sep 12th, 2023


Google NewsGoogle News
હિંદુજા ગ્રુપે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયની ચર્ચિલની વૉર-ઓફિસને ભવ્ય હોટલ બનાવ્યું, 29 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન 1 - image

નવી દિલ્હી, તા.12 સપ્ટેમ્બર-2023, મંગળવાર

ભારતીય મૂળના હિંદુજા ગ્રુપે દ્વિતીય વિશ્વ યુદ્ધ સમયે બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલના યુદ્ધ કાર્યાલયને ભવ્યાતિભવ્ય હોટલ બનાવી દીધું છે. હિંદુજા ગ્રુપે 8 વર્ષ પહેલા આ ઐતિહાસિક બિલ્ડિંગની ખરીદી હતી અને હવે બિલ્ડિંગને લક્ઝરી હોટલમાં બદલી નાખ્યું છે... વિંસ્ટન ચર્ચિલનું જુનુ યુદ્ધ કાર્યાલય લંડનમાં પીએમ આવાસની સામે વ્હાઈટહાલ બિલ્ડિંગમાં આવેલું છે.

હોટલનું 29 સપ્ટેમ્બરે કરાશે ઉદઘાટન

હિંદુજા ગ્રુપે રેફેલ્સ હોટલ્સ સાથે મળીને ઐતિહાસિક બિલ્ડિંગને લક્ઝરી રેસિડેન્શિયલ બિલ્ડિંગ, રેસ્ટોરન્ટ અને સ્પા બનાવી દીધું છે. હિંદુજા ગ્રુપે ફ્રાન્સની બહુરાષ્ટ્રીય હોસ્પિટાલિટી ગ્રુપ એકોર સાથે મળીને આ બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે. આ ભવ્યાતિભવ્ય બિલ્ડિંગને 29મી સપ્ટેમ્બરે લોકો માટે ખુલ્લુ મુકાશે.

ઐતિહાસિક ઈમારત વિશે જાણવા જેવું

જુના યુદ્ધ કાર્યાલયનું નિર્માણ 1906માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગની બ્રિટિશ આર્કિટેક્ટ વિલિયમ યંગને ડિઝાઈન કર્યું હતું. આ બિલ્ડિંગમાં એક સમયે ઈતિહાસના ઘણા પ્રભાવશાળી નેતાઓનું કાર્યાલય હતું, જેમાં વિંસ્ટન ચર્ચિલ અને ડેવિડ લૉયડ જોર્જ જેવા નામે સામેલ છે. જેમ્સ બોન્ડ સિરિઝની ઘણી ફિલ્મોમાં પણ આ ઈમારત બતાવાઈ છે અને નેટફ્લિક્સ પર તાજેતરમાં આવેલી સિરિઝ ધ ક્રાઉનમાં પણ આ બિલ્ડિંગ બતાવાઈ છે.

નવા હોટલની ખાસિયત

નવા હોટલમાં મહેમાનો માટે 120 રૂમો અને સુઈટ્સ છે... આમાં એક વિશાળ બાલરૂમ પણ બનાવાયો છે અને પ્રખ્યાત શેફ માઉરો કોલાગ્રેકો મહેમાનો માટે જમવાનું તૈયાર કરશે. હોટલમાં તે સમયના મહાન નેતાઓનું કાર્યાલય સ્થળે એક હેરિટેજ સુઈટ બનાવાયું છે. ઐતિહાસિક બિલ્ડિંગમાં 85 રેસિડેન્શિયલ મકાન, 9 રેસ્ટોરન્ટ અને 3 બાર પણ બનાવાયા છે.

કોણ છે વિંસ્ટન ચર્ચિલ

બ્રિટનમાં વિંસ્ટન ચર્ચિલને શ્રેષ્ઠ નેતા તરીકે ઓળખવામાં આવે છે, તો ભારતમાં ચર્ચિલને ખલનાયક મનાય છે. ભારતમાં 1943માં ભૂખથી લાખો લોકોના મોત થયા હતા, જેનું કારણ વિંસ્ટન ચર્ચિલ હોવાનું કહેવાય છે. વાસ્તવમાં ચર્ચિલે વિશ્વ યુદ્ધ લડી રહેલા પોતાના સૈનિકોને બંગાળમાંથી અનાજ મોકલી દીધું હતું, જેના કારણે અનાજની અછત સર્જાતા લાખો લોકોના મોત થયા હતા. તેથી ભારતીય મૂળના પરિવાર દ્વારા ચર્ચિલની જુની ઓફિસ ખરીદવી અને તેમાં લક્ઝરી હોટલનું નિર્માણ કરવું ભારત પાસે ખાસ બાબત છે.


Google NewsGoogle News