કોણ હતા સંત નિકોલસ અને કઈ રીતે બન્યા સેન્ટા ક્લોઝ, જાણો લાલ ડ્રેસ અને સફેદ દાઢીની સમગ્ર કહાની
- 19મી શતાબ્દીની કેટલીક તસવીરો દ્વારા જાણવા મળે છે કે, તેઓ અનેક પ્રકારના રંગબેરંગી કપડાં પહેરતા હતા અને ઝાડુ લઈને ચાલતા હતા
નવી દિલ્હી, તા. 24 ડિસેમ્બર, 2021, શુક્રવાર
સાંતા ક્લોઝ ક્રિસમસને ખાસ બનાવે છે. બાળકો આ દિવસે ગિફ્ટ્સની વહેંચણી કરનારા સાંતાની રાહ જોતા હોય છે જે છાનામાના તેમની ગમતી ગિફ્ટ મુકીને જતા રહે છે. આપણે જોતાં આવ્યા છીએ કે, સાંતા ક્લોઝ એક તંદુરસ્ત અને વિશાળ, લાલ કપડાં પહેરનારો અને હો-હો-હો કરીને હસનારો વ્યક્તિ છે જે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ પોતાની 8 બારાસિંઘાવાળી ગાડી પર બેસીને ગિફ્ટ્સ વહેંચે છે. માતા-પિતા બાળકોને સાંતા પાસેથી ગિફ્ટ મેળવવા માટે સારા બનવાનું શીખવે છે. સાંતા ફક્ત સારા બાળકોને જ ભેટ આપે છે. તો ચાલો જાણીએ કોણ છે આ સાંતા ક્લોઝ અને ક્યાંથી શરૂ થઈ તેમની કહાની.
કોણ છે સાંતા
દંતકથાઓ પ્રમાણે સાંતા એક હસમુખા વ્યક્તિ છે જે પોતાના વેંતિયા સાથીઓની મદદથી આખું વર્ષ બાળકો માટે રમકડાં બનાવે છે. એવું કહેવાય છે કે, તેને બાળકોની ચિઠ્ઠીઓ મળી જાય છે જેમાં બાળકોએ પોતાની ગમતી ગિફ્ટ્સની માગણી કરેલી હોય છે. તે ઉત્તરી ધ્રુવ ખાતે પોતાની પત્ની મિસેઝ ક્લોઝ સાથે રહે છે.
આ સફેદ દાઢીવાળા ખુશમિજાજ માણસની વાર્તા 280 એડી દરમિયાન તુર્કીમાં શરૂ થાય છે. સંત નિકોલસ જરૂરિયાતમંદો અને બીમારોની મદદ કરવા માટે ફરતા રહેતા હતા. તેમણે પોતાની સમગ્ર સંપત્તિનો ઉપયોગ વંચિતોની મદદ માટે કર્યો હતો. એવું કહેવાય છે કે, તેમણે 3 બહેનોના દહેજ માટે પોતાની સમગ્ર સંપત્તિ આપી દીધી હતી જેમના પિતા તેમને વેચી દેવા માગતા હતા. તેમણે બાળકો અને તે વિસ્તારના નાવિકોની પણ ખૂબ મદદ કરી હતી.
અન્ય એક વાર્તા પ્રમાણે જ્યારે નેધરલેન્ડના લોકો નવી દુનિયાની વસાહતોમાં રહેવા માટે ગયા તો તેમણે સિંટરક્લાસની વાર્તાઓ કહેવાની શરૂ કરી. સિંટરક્લાસ, સેંટ નિકોલસનો ડચ અનુવાદ છે. સન 1700 સુધી અમેરિકામાં સંતની દરિયાદિલીની વાર્તાઓ દૂર દૂર સુધી પ્હોંચી ગઈ હતી અને ત્યાંની પોપ સંસ્કૃતિએ તેમની છબિ બદલી નાખી. અંતતઃ તેમના મૃત્યુ બાદ તેમનું નામ સાંતા ક્લોઝ તરીકે મશહૂર થયું.
સાંતાનો પહેરવેશ અને મોટું પેટ
સાંતા હંમેશા એક ગોળ પેટવાળા વ્યક્તિ નહોતા. લેખક વોશિંગ્ટન ઈરવિંગે 1809માં પોતાના પુસ્તક 'નિકરબોકર્સ હિસ્ટ્રી ઓફ ન્યૂયોર્ક'માં સાંતાની છબિને 'એક પાઈપ પીનારા, સ્લિમ ફિગરના રૂપમાં ચિત્રિત કરી જે સારા બાળકોને ઉપહાર આપનારા વેગનમાં છતો પર ઉડે છે.'
સાંતાના લાલ કપડાં
એવું માનવામાં આવે છે કે, સાંતા હંમેશા લાલ કપડાં પહેરે છે પરંતુ 19મી શતાબ્દીની કેટલીક તસવીરો દ્વારા જાણવા મળે છે કે, તેઓ અનેક પ્રકારના રંગબેરંગી કપડાં પહેરતા હતા અને ઝાડુ લઈને ચાલતા હતા. સાંતાની સવારી તેમનું ફેવરિટ 80 વર્ષીય બારાસિંઘા (એક જાતનું હરણ) હતું. તેના પર બેસીને સાંતા ગિફ્ટ વહેંચવા માટે નીકળે છે.