બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પર કેસ નોંધવાની માંગ, ઈસાઈ સમુદાયને લઈને આપ્યું હતું નિવેદન
ઈસાઈ સમુદાયના લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનના વિરોધમાં ફરિયાદ નોંધવા માંગ કરી આવેદન આપ્યું
સમુદાયના લોકોએ ચેતવણી આપતા કહ્યું, જો તેઓ માફી નહીં માંગે તો ધરણા કરાશે અને પુતળા સળગાવશે
નવી દિલ્હી, તા.24 ઓક્ટોબર-2023, મંગળવાર
પંજાબ (Punjab)ની મુલાકાતે પહોંચેલા બાગેશ્વર ધામ (Bageshwar Dham)ના ધીરેન્દ્ર ક્રિષ્ના શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) ફરી વિવાદોમાં ઘેરાયા છે. તેમના પર કેસ નોંધાવાની માંગ ઉઠી રહી છે. ત્રણ દિવસ સુધી પઠાનકોટ (Pathankot)માં રોકાણ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઈસાઈ સમુદાય (Christian Community) પર નિવેદન આપ્યું હતું, જેને લઈને હવે વિવાદ શરૂ થયો છે. પંજાબના ગુરુદાસપુર (Gurdaspur)માં ઈસાઈ સમુદાયના લોકોએ બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે.
‘ધીરેન્દ્ર શાસ્ત્રી ઈસાઈ સમુદાયની માફી નહીં માંગે તો...’
ઈસાઈ સમુદાયના લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ગુરુદાસુરની SSP ઓફિસ પહોંચી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરવાની સાથે આવેદન પણ સુપ્રત કર્યું છે. તેમણે કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઈસાઈ સમુદાયની ધાર્મીક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, જો તેઓ ઈસાઈ સમુદાયની માફી નહીં માંગે તો તેઓ તેમના વિરુદ્ધ ધરણા શરૂ કરશે અને તેમના પુતળા સળગાવશે.
‘ધીરેન્દ્ર શાસ્ત્રીની હિંદુ મતો મેળવવાની ચાલ...’
ઈસાઈ સમુદાયના લોકોનું કહેવું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ષડયંત્ર રચી તેમના ધર્મ વિરુદ્ધ નિવેદન કરી રહ્યા છે. તેઓ પંજાબમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાગેશ્વર ધામના પ્રમુખ સાથે રાજકીય લોકો જોડોયાલે છે, તેઓ હિંદુ મતો મેળવવા માટે આવી ચાલ રમી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પઠાણકોટમાં કથા દરમિયાન ઈસાઈ ભાઈચારાની તુલના વિદેશી તાકાતો સાથે કરી હતી.