એપ્રિલમાં ભૂલથી પણ ન કરશો આવી ભૂલ, નહીં તો ચૂકવવો પડશે વધુ ટેક્સ
Image Envato |
Income Tax return : એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે અને તમે તમારું નાણાકીય પ્લાનિંગ પણ શરુ કરી દીધુ હશે. જેમા તમે ટેક્સ બચાવવા માટે વિવિધ ઓપ્શન શોધી રહ્યા હશો. પરંતુ શું તમે જાણો છો કે તમારી એક નાનકડી ભૂલ તમારા આખા પ્લાનિંગને બગાડી શકે છે, જેના કારણે તમારે વધુ આવકવેરો ભરવાનો વારો આવી શકે છે.
હકીકતમાં એપ્રિલ મહિનામાં તમારે ટેક્સ સિસ્ટમ પસંદ કરવાની હોય છે. હવે આપણા દેશમાં બે આવકવેરા પદ્ધતિ અમલમાં છે, એક જૂની ટેક્સ પદ્ધતિ અને બીજી નવી ટેક્સ પદ્ધતિ. બંનેમાં અલગ-અલગ ટેક્સ લાદવામાં આવે છે, એટલે તમારે ખૂબ જ કાળજીપૂર્વક તેની પસંદ કરવી પડશે, નહીં તો તમારા ટેક્સની જવાબદારી વધી શકે છે. ચાલો આપણે આ બંને વચ્ચેનો તફાવત સમજીએ.
જો તમે કોઈ બચત નથી કરી રહ્યા તો...
જો તમે કોઈપણ પ્રકારનું સેવિંગ કરતા નથી અથવા તમારી મોટાભાગની બચત મ્યુચ્યુઅલ ફંડ અથવા શેર માર્કેટમાં કરો છો, જેમાં કોઈ ટેક્સ બચત નથી. તો તમે નવી કર વ્યવસ્થા પસંદ કરી શકો છો. આ પદ્ધતિમાં તમારી 7 લાખ રૂપિયા સુધીની આવક પર '0' ટેક્સ વસૂલવામાં આવે છે.
સરકારે ગયા વર્ષના બજેટથી તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ પણ આપવાનું શરૂ કર્યું છે. એટલે તેમા તમને 50,000 રુપિયાની એક્ટ્રા બચત મળે છે અને તમારે 7.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. આ ટેક્સ વ્યવસ્થાને સરકારે ડિફોલ્ટ કરી દીધી છે. જો તમે તેને પસંદ ન કરો તો પણ તે ઓટોમેટિક તમારી ટેક્સ પદ્ધતિ બની જશે, અને પછી તમે તેમાંથી રિટર્ન નહીં ભરી શકો.
જો તમે અનેક પ્રકારે બચત કરી હોય તો..
જો તમે LIC, હેલ્થ ઈન્સ્યોરન્સ, ELSS ફંડ, PPF, NPS અથવા નાની બચત યોજનાઓમાં રોકાણ કરેલું છે. તેમજ જો તમે હોમ લોન પણ લીધી હોય, તો તમે દેશમાં પ્રચલિત અન્ય ટેક્સ સિસ્ટમ એટલે કે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરી શકો છો.
આ કર વ્યવસ્થા હેઠળ તમને આવકવેરા કાયદાની વિવિધ કલમો જેમ કે 80C, 80D વગેરે હેઠળ ટેક્સ મુક્તિ મળે છે. તેમજ આ સિસ્ટમમાં તમારે 2.5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તેમજ તમને 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર વસૂલવામાં આવતા ટેક્સ પર રિબેટ મળે છે. તમારી વિવિધ બચત બાદ કરીને કરપાત્ર આવક પાપ્ત થાય છે.