Get The App

શું NDAથી નારાજ છે ચિરાગ પાસવાન? અટકળો પર જવાબ આપતા કહ્યું- 'વર્ષ 2029માં પણ...'

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
શું NDAથી નારાજ છે ચિરાગ પાસવાન? અટકળો પર જવાબ આપતા કહ્યું- 'વર્ષ 2029માં પણ...' 1 - image


Image Source: X

Chirag Paswan:  બિહારના બેગૂસરાયમાં એલજેપી રામવિલાસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને સોમવારે મટિહાની વિધાનસભામાં આયોજિત 'અભિનંદન સમારોહ'માં ભાગ લીધો હતો. ચિરાગ પાસવાનની આ મુલાકાતને બિહાર વિધાનસભા ચૂંટણીની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. 

બીજી તરફ વિપક્ષના NDAમાં તિરાડના સવાલ પર મીડિયા સાથે વાત કરતા ચિરાગ પાસવાને કહ્યું કે વિપક્ષનું આ સપનું સપનું જ રહી જશે. વિપક્ષનું આ સપનું ક્યારેય પૂરું નહીં થાય. NDA ગઠબંધન મજબૂત છે અને અમે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ. આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધનની જીત થશે. અમે 2025ની વિધાનસભા ચૂંટણીની સાથે 2029ની લોકસભા ચૂંટણીમાં ચોથી વખત જીતનો પરચમ લહેરાવીશું અને NDAની સરકાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનશે.

મટિહાની ધારાસભ્ય પર કર્યો કટાક્ષ

જનસભાને સંબોધિત કરતા ચિરાગ પાસવાને બિહારના એક માત્ર એલજેપી ધારાસભ્ય જેડીયુમાં સામેલ થવા પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે 2020ની વિધાનસભા ચૂંટણીમાં અમારે એકલા હાથે લડવું પડ્યું હતું. આ દરમિયાન મારા પિતાનું નિધન થઈ ગયું. તેમ છતાં મટિહાનીની જનતાએ સંપૂર્ણ પ્રેમ અને આશીર્વાદ આપ્યા. 'બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ' પર ભાર મૂક્યો. એ અલગ વાત છે કે પોતાના અંગત લાભના કારણે કેટલાક લોકોએ અમારા નેતા રામવિલાસ પાસવાનના સિદ્ધાંતોની અને તેમના વિચારોની પણ ચિંતા ન કરી.

પોતાનું વિઝન જણાવ્યું

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ'ના વિઝન સાથે હું તમારી વચ્ચે આવ્યો છું. તમને વચન આપતા તમારા આશીર્વાદ માગુ છું કે, આગામી વખતે જ્યારે મટિહાની વિધાનસભા વિસ્તારથી અમારી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડે તો તેને જીતાડીને વિધાનસભામાં મોકલવાનું કામ કરજો. જે વિકસિત બિહારનું વચન તમને આપ્યું છે એ વચનને પૂર્ણ કરીશ. બિહારને ફર્સ્ટ અને બિહારીને ફર્સ્ટ બનાવવાનું અમારું વિઝન અને મિશન છે. 

પત્રકારો સાથે વાત કરતા ચિરાગ પાસવાને કહ્યું કે, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી મજબૂતી સાથે લડશે. મટિહાની વિધાનસભા એ વિધાનસભા છે જે અમારી પાર્ટીએ 2020માં વિપરિત પરિસ્થિતિમાં જીતી હતી. આગામી દિવસોમાં બિહારની વિવિધ વિધાનસભાઓમાં અમે અમારા વિઝન સાથે જનતાની વચ્ચે જઈશું. આ વિચારને ધ્યાનમાં રાખીને આજથી જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News