NDAમાં ભાજપના સહયોગી નેતાની ચોંકાવનારી કબૂલાત, કહ્યું - 'વિપક્ષે પૂરી તાકાત લગાવી અને...'
Image: X
Chirag Paswan On Lok Sabha Election Result: NDAમાં ભાજપના સહયોગી નેતાએ ચોંકાવનારી કબૂલાત કરી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને લોકસભા ચૂંટણી 2024માં વિપક્ષ પર ખોટો નેરેટિવ સેટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, વિપક્ષે સામ દામ દંડ ભેદ હેઠળ કોઈપણ રીતે NDAના ઉમેદવારોને હરાવવામાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. જો કે ઉત્તર પ્રદેશમાં તેની અસર પણ થઈ. લોક જનશક્તિ પાર્ટી રામ વિલાસના ચીફ ચિરાગે કહ્યું કે, ચૂંટણી દરમિયાન વિપક્ષી પાર્ટીએ ક્યારેક બંધારણ તો ક્યારેક લોકતંત્ર તો ક્યારેક અનામતને લઈને ખોટી અફવાઓ ફેલાવવાનું કામ કર્યું.
લોજપા રામ વિલાસે શનિવારે પટનાના શ્રીકૃષ્ણ મેમોરિયલ હોલમાં પોતાના પાંચેય નવા ચૂંટાયેલા સાંસદો માટે સમ્માન સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને સંબોધન કરતા કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓએ જીતવા માટે લોકસભા ચૂંટણીમાં તમામ હથિયાર અપનાવ્યા. એવું નથી કે કોઈ તેમની વાતોમાં ન આવ્યું, ઘણી એવી જગ્યા છે જ્યાં તેમની વાતની અસર પણ થઈ. આ જ કારણોસર યુપી જેવા રાજ્યમાં NDAને જેવી અપેક્ષા હતી તેવું પ્રદર્શન ન થઈ શક્યું.
ચિરાગ પાસવાને આગળ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે અને મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં બિહારમાં શાનદાર સફળતા હાંસલ કરી છે. તેના માટે તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને નીતીશકુમારને અભિનંદન પણ પાઠવ્યા. તેમણે આગળ સ્પષ્ટ કર્યું કે 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી NDAના તમામ ઘટક દળો સાથે મળીને લડશે. આ સાથે જ તેમણે આગામી બિહારની ચૂંટણીમાં NDAની મોટી જીતનો દાવો પણ કર્યો.
તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી 2024માં બિહારમાં NDAએ 40માંથી 30 બેઠકો પર જીત હાંસલ કરી છે. તેમાં લોજપા રામવિલાસે NDAએ હેઠળ પાંચ બેઠકો પર ચૂંટણી લડી હતી અને તમામ પર જીત હાંસલ કરી છે. ચિરાગ પાસવાન પોતે હાજીપુરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાનદાર પ્રદર્શન માટે ચિરાગને શાબાશી આપી અને કેન્દ્રીય કેબિનેટમાં પણ સ્થાન આપ્યું.