આજે પણ દલિત વરરાજાને ઘોડી પર બેસવા નથી દેતાં...: SC-ST અનામતમાં ક્વોટા મુદ્દે કેમ ભડક્યા ચિરાગ પાસવાન
Chirag paswan got angry at supreme court on sc-st reservation: ચિરાગ પાસવાન અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતાં ભડક્યા છે. ચિરાગ પાસવાને કહ્યું કે એલજેપી (રામ વિલાસ) આ નિર્ણય વિરુદ્ધ રિવ્યુ પિટિશન દાખલ કરવા જઈ રહી છે.
દલિતો સાથે થઈ રહેલા ભેદભાવના મામલાનો હવાલો આપતાં ચિરાગે કહ્યું કે, આજે પણ દલિતો સાથે જાતિના આધાર પર ભેદભાવ થાય છે. આજે પણ દલિત સમાજમાંથી આવતા વરરાજાને ઘોડી પર બેસવા નથી દેવાતા. તેમને મંદિરોમાં પૂજા કરવા દેવામાં નથી આવતી. ચિરાગે આગળ કહ્યું કે એવા ઘણા મોટા નામ છે જેઓ મોટા હોદ્દા પર છે પરંતુ જ્યારે તેઓ મંદિરમાં જાય છે ત્યારે મંદિરને ગંગાજળથી ધોવડાવવામાં આવે છે.
અનામતનો આધાર અસ્પૃશ્યતા: ચિરાગ
ક્રીમી લેયરને અનામતના લાભોથી વંચિત રાખવાના નિર્ણય પર ચિરાગે કહ્યું કે, અનુસૂચિત જાતિઓને આપવામાં આવેલી અનામતનો આધાર અસ્પૃશ્યતા છે, તેનો શૈક્ષણિક અથવા આર્થિક આધાર નથી. બંધારણમાં અનામતની જોગવાઈ અસ્પૃશ્યતા પર આધારિત છે, તેથી તેમાં ક્રીમી લેયરની જોગવાઈ હોઈ જ ન શકે.
શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય?
સુપ્રીમ કોર્ટે ગત ગુરુવારે અનામત પર ઐતિહાસિક ચુકાદો આપતાં SC-ST અનામતમાં વર્ગીકરણને મંજૂરી આપી દીધી હતી. આ નિર્ણય બાદ હાલના રિઝર્વેશન ક્વોટામાં પણ ક્વોટા બનાવી શકાશે. કોર્ટે SC-ST વર્ગના અનામતમાંથી ક્રીમી લેયરને ચિહ્નિત કરીને બહાર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ SC અને STને મળતાં અનામતમાં એ જ વર્ગના અનામતનો લાભ મેળવવાથી વંચિત રહી ગયેલા વર્ગને લાભ આપવા માટે પેટા વર્ગીકરણ કરવામાં આવશે.
ઉદાહરણ તરીકે SC વર્ગની એવી જાતિઓ જે વધુ પછાત રહી ગઈ છે અને તેમને અનામતનો લાભ હજુ સુધી નથી મળી શક્યો, સરકારી નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ નથી, તેમને પેટા વર્ગીકરણ દ્વારા સમાન ક્વોટામાં પ્રાથમિકતા આપવામાં આવી શકે છે જેથી કરીને તેઓને લાભ મળે અને તેમનું ઉત્થાન થાય.