Get The App

લેટરલ એન્ટ્રી બાદ હવે આ મુદ્દે ચિરાગ પાસવાને રાહુલ ગાંધીના સૂરમાં સૂર મિલાવ્યો, ભાજપ ભીંસમાં

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
Chirag Paswan



Chirag Paswan on Caste census: કેન્દ્રની NDA સરકારના મંત્રી તથા લોક જનશક્તિ પાર્ટી ( રામવિલાસ)ના નેતા ચિરાગ પાસવાને ફરી ભાજપનું ટેન્શન વધાર્યું છે. ચિરાગ પાસવાને જાતિગત વસ્તીગણતરી મુદ્દે રાહુલ ગાંધીના સૂરમાં સૂર મિલાવ્યો છે. તેમણે કહ્યું કે, 'અમારો પક્ષ ઈચ્છે છે કે જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવે.' નોંધનીય છે કે આ પહેલા ચિરાગ પાસવાને લેટરલ એન્ટ્રી મુદ્દે પણ સરકારના વિરોધમાં જઈને વિપક્ષના સૂરમાં સૂર મિલાવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સતત જાતિગત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છે. જો કે, ભાજપે આ મુદ્દે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. ત્યારે NDAના જ મંત્રી દ્વારા આ મુદ્દે માંગ કરાતા અનેક અટકળોએ જોર પકડ્યું છે.

રાંચીમાં LJP(R)ની કાર્યકારી બેઠક યોજાઈ

રવિવારે (25 ઓગસ્ટ) રાંચીમાં લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને ફરી એકવાર લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ 'રશિયાથી ઓઇલ ખરીદવાથી વૈશ્વિક કિંમતો સ્થિર રહી...:' ઝેલેન્સ્કીની અપીલ પર ભારતનો જવાબ

જાતિગત વસ્તી ગણતરી પર શું કહ્યું?

દરમિયાન, જાતિગત વસ્તી ગણતરી મુદ્દે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરતા ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, 'જાતિગત વસ્તી ગણતરીના સમર્થનમાં મારી પાર્ટીએ હંમેશા પોતાની સ્થિતિ સ્પષ્ટ રાખી છે. અમે ઈચ્છીએ છીએ કે જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવે. તેનું કારણ એ છે કે ઘણી વખત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જાતિને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવે છે, તેથી સરકાર પાસે ઓછામાં ઓછી આ માહિતી હોવી જરૂરી છે જેથી કરીને તે જ્ઞાતિના મુખ્ય પ્રવાહને લાગતી યોજના હેઠળ યોગ્ય માત્રામાં ભંડોળનું વિતરણ કરી શકાય.'

આ મુદ્દે અગાઉ પણ એનડીએથી અલગ વલણ દર્શાવ્યું છે

ગત જુલાઈ માસમાં પણ ચિરાગ પાસવાને જાતિ ગણતરીને સમર્થન આપ્યું હતું. જો કે, તેમણે આ ડેટાને સાર્વજનિક કરવાનો વિરોધ પણ કર્યો હતો. અન્ય એનડીએ પક્ષોએ પણ જાતિ ગણતરીને સમર્થન આપ્યું છે, પરંતુ ચિરાગ પાસવાનનો આ મુદ્દા પર વિશેષ ભાર અને ડેટાના પ્રચાર અંગેની તેમની ચિંતાઓ તેમને અન્ય પક્ષોથી અલગ બનાવે છે.

આ પણ વાંચોઃ ‘UPSમાં U અર્થાત મોદી સરકારનો યુ-ટર્ન’, કોંગ્રેસે સરકારને નવી પેન્શન સ્કીમ મુદ્દે આડે હાથ લીધી

લેટરલ એન્ટ્રી મુદ્દે પણ વિપક્ષને સમર્થન આપ્યો હતો

તાજેતરમાં જ્યારે UPSCમાં લેટરલ એન્ટ્રીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે ચિરાગ પાસવાને તેની આકરી ટીકા કરી હતી. આ મુદ્દે તેમણે એનડીએના પક્ષોથી અલગ અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'લેટરલ એન્ટ્રી અનામતના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે સરકારી પદો પર અનામતની જોગવાઈ જરૂરી છે અને તેની અવગણના ન કરવી જોઈએ.' 

અનામત મુદ્દે ભારત બંધને સમર્થન

અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામતમાં ક્રિમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ દેશભરમાં વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ચિરાગ પાસવાને પણ આ બંધને સમર્થન આપ્યું હતું. આ 'ભારત બંધ'ને અનેક વિપક્ષી દળોએ પણ સમર્થન આપ્યું હતું.


Google NewsGoogle News