જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે ચિરાગ-નીતિશ વિપક્ષ સાથે જોડાયા

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે ચિરાગ-નીતિશ વિપક્ષ સાથે જોડાયા 1 - image


- અનામત પછી વધુ એક મુદ્દે વિરોધ : એનડીએમાં તડાંના એંધાણ

- જેડીયુએ પણ રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો, સંસદીય સમિતિની બેઠકમાં કોંગ્રેસને ટેકો આપ્યો

- એનડીએ સાથે ભંગાણની અટકળો ફગાવી ચિરાગ પાસવાને કહ્યું, મોદી પીએમ છે ત્યાં સુધી સાથ નહીં છોડું

નવી દિલ્હી : દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે ભાજપ એકલો પડી રહ્યો છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યા પછી હવે જાતિ આધારિત વસતી ગણતરી માટે ઈન્ડિયા ગઠબંધનને એનડીએના સાથી નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનનું પણ સમર્થન મળી રહ્યું છે. હવે ચિરાગ પાસવાન અને નીતિશ કુમારે પણ રાષ્ટ્રીય સ્તર પર જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાની માગ કરી છે. અનામત પછી હવે આ મુદ્દે પણ વિપક્ષને જદયુ-એલજેપીના ટેકાથી એનડીએમાં તડાં પડવાની આશંકા વધી રહી છે.

એનડીએના સાથી પક્ષ લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, તેમનો પક્ષ હંમેશા રાષ્ટ્રવ્યાપી જાતિ આધારિત વસતી ગણતરીનું સમર્થન કરતો આવ્યો છે. આ પ્રકારની પહેલથી કેન્દ્ર અને રાજ્ય સરકારોને વંચિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સામાજિક વર્ગના લાભ માટે યોજનાઓ બનાવી શકશે. 

વકફ બોર્ડમાં સુધારા, લેટરલ એન્ટ્રીથી સરકારમાં ઉચ્ચ પદો પર ભરતી, એસસીના પેટા વર્ગીકરણ અને ક્રીમી લેયર જેવા મુદ્દાઓ પર ચિરાગ પાસવાનું વલણ સરકાર કરતાં અલગ છે અને તેમણે ખુલીને આ મુદ્દાઓનો વિરોધ કર્યો છે. વધારામાં જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે પણ ચિરાગ પાસવાને વિપક્ષની માગનું સમર્થન કર્યું છે. 

ચિરાગ પાસવાન પોતાની દલિત સમુદાયની મતબેંકને ધ્યાનમાં રાખીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરૂદ્ધ જાહેરમાં નિવેદનો આપી રહ્યા છે. ચિરાગે એક મહિનાના ગાળામાં ત્રણ વાર ખુલ્લેઆમ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરોધી વલણ લીધું તેને પાસવાન દ્વારા બગાવતનો તખ્તો તૈયાર કરવાની વ્યૂહરચનાનો ભાગ ગણવામાં આવે છે. વધુમાં ભાજપ એલજેપી (રામવિલાસ)માં ભંગાણ કરવાની તૈયારી કરતો હોવાની આશંકાથી ભાજપ તેનો દાવ કરે એ પહેલાં ચિરાગ પાસવાને ભાજપનો દાવ કરીને તેજસ્વી યાદવ અને કોંગ્રેસના મહાગઠબંધનમાં જોડાઈ જવાની હિલચાલ શરૂ કરી દીધી હોવાનું સૂત્રોનું કહેવું છે. 

જોકે, એનડીએનો સાથ છોડી દેવાની અટકળોને નકારી કાઢતા ચિરાગ પાસવાને શુક્રવારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે મારો પ્રેમ અતૂટ અને અડગ છે. તેઓ વડાપ્રધાન છે ત્યાં સુધી હું તેમનાથી અલગ નહીં થઈ શકું. હું પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએના ભાગીદાર તરીકે જ બિહારમાં વિધાનસભા ચૂંટણી લડવા માગું છું.

દરમિયાન રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે ભાજપે હજુ સુધી તેનું વલણ નિશ્ચિત કર્યું નથી ત્યારે એનડીએના વધુ એક સાથી પક્ષ જેડીયુએ પણ રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત વસતી ગણતરીની માગ ઉઠાવી છે. જેડીયુએ ગુરુવારે કહ્યું કે અન્ય પછાત વર્ગ કલ્યાણ સંબંધી સંસદીય સમિતિની ચર્ચા માટે જાતિ આધારિત વસતી ગણતરીનો વિષય તરીકે સમાવેશ કરવો જોઈએ. આ સમિતિની બેઠકમાં કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે સમિતિની ચર્ચા માટે સૌથી પહેલા વિષય તરીકે આ મુદ્દાને લિસ્ટ કરવા માગ કરી હતી. આ માગને જેડીયુના સાંસદ ગિરધારી યાદવે સમર્થન આપ્યું હતું.

આ સિવાય નીતિશ કુમારે જેડીયુમાં ભાજપના એજન્ટ મનાતા લલ્લન સિંહને કદ પ્રમાણે વેતરી નાંખતા તેમના વફાદાર એવા ૧૮૫ નેતાઓને પ્રદેશ સમિતિમાંથી હાંકી કાઢ્યા હતા. નીતિશ કુમારે ત્રણ વર્ષ માટે ૨૬૦ સભ્યોની નવી પ્રદેશ સમિતિ બનાવી હતી, પરંતુ ૧૫ જ મહિનામાં આ સમિતિમાંથી લલન સિંહના વફાદાર ૧૮૫ નેતાઓને કાઢી મૂકતા જેડીયુમાં વિખવાદ બહાર આવ્યો છે. વધુમાં લોકસભામાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળતા જેડીયુના ૧૨ અને ટીડીપીના ૧૬ સાંસદોના ટેકાથી એનડીએએ સરકાર બનાવી છે ત્યારે નીતિશ કુમાર ભરોસાપાત્ર નહીં હોવાનું અને તે ગમે ત્યારે દગો કરી શકે છે તેમ ભાજપ હાઈકમાન્ડનું માનવું છે. ભાજપને શંકા છે કે ૨૦૨૫માં બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએ સાથે છેડો ફાડી શકે છે. આ કારણોથી એનડીએમાં ગમે ત્યારે ભંગાણ થવાની આશંકાઓ રાજકીય નિરીક્ષકો વ્યક્ત કરી રહ્યા છે.


Google NewsGoogle News