HMPVની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ, હેશટેગ લૉકડાઉન ટ્રેન્ડ: સરકારે કહ્યું- ગભરાશો નહીં
- દિલ્હી સરકારે તમામ હોસ્પિટલોને એલર્ટ રહેવા કહ્યું, સ્થિતિ ચિંતાજનક ના હોવાની કેન્દ્રની ખાતરી
- અમદાવાદમાં બે માસનું બાળક પોઝિટિવ પણ હાલ સ્થિતિ સુધારા પર, કર્ણાટકમાં ત્રણ અને આઠ મહિનાના બે બાળકોને ચેપ
- તમામ વયના લોકો વાઇરસની લપેટમાં આવી શકે, જોકે કોરોના જેટલો ખતરનાક નહીં છતાં હેશટેગ લોકડાઉન વાયરલ
સમગ્ર વિશ્વને કોરોના વાઇરસના ભરડામાં નાખનારા ચીનમાંથી હવે વધુ એક વાઇરસ એચએમપીનો ફેલાવો થયો છે અને ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં આ એચએમપીવી વાઇરસની એન્ટ્રી થઇ ગઇ છે. સોમવારે ભારતમાં પ્રથમ કેસ નોંધાયો એટલુ જ નહીં એક સાથે ત્રણ કેસો સામે આવ્યા છે. કર્ણાટકમાં બે જ્યારે ગુજરાતમાં એક કેસ નોંધાયો છે. જેને પગલે હાલ મોટાભાગના રાજ્યો એલર્ટ થઇ ગયા છે. દિલ્હી સરકારે તમામ હોસ્પિટલોને સારવાર માટેની તૈયારી રાખવાની સુચના આપી દીધી છે. આ વાઇરસના લક્ષણો પણ કોરોના વાઇરસ જેવા જ માનવામાં આવે છે તેમ છતા આ વાઇરસ કોરોના કરતા અલગ છે.
ગુજરાતમાં એચપીએમવીનો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો છે. રાજસ્થાનના ડુંગરપુરના બે માસના બાળકને બે સપ્તાહથી શરદી-તાવ-ઉધરસની સમસ્યા હતી. બાળકની સ્થિતિમાં સુધારો નહીં થતાં તેને મોડાસાની હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. પરંતુ ત્યાં સ્થિતિમાં ખાસ કોઇ સુધારો નહીં જણાતા અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ બાળકની સ્થિતિ નાજૂક હતી અને તે પાંચ દિવસ વેન્ટિલેટર પર હતું. અલબત્ત, ધીરે-ધીરે તેના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગ્યો છે અને હવે ટૂંક સમયમાં તેને રજા મળી જશે. બાળક સારવાર હેઠળ હતું ત્યારે જ ખાનગી લેબમાં ટેસ્ટ કરાતાં તેનો રીપોર્ટ એચપીએમવી પોઝિટિવ આવ્યો હતો.
કુલ ત્રણમાંથી બે કેસો કર્ણાટકમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા ડિટેક્ટ કરાયા હતા, બેંગલુરુની બાપટિસ્ટ હોસ્પિટલમાં એઠ ત્રણ મહિનાની બાળકીને દાખલ કરાઇ છે. જ્યાં તપાસ કરતા તેનામાં એચએમપીવી વાઇરસ મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક આઠ મહિનાના બાળકમાં પણ આ જ વાઇરસ મળી આવતા તેને પણ બેંગલુરુની એ જ હોસ્પિટલમાં દાખલ કરાયો છે જ્યાં અગાઉ એક બાળકીની સારવાર શરૂ કરાઇ હતી. ગુજરાતમાં અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં બે મહિનાના બાળકમાં આ જ વાઇરસ મળી આવ્યો હતો. બાળક મૂળ રાજસ્થાનનું છે અને અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં ૨૪મી ડિસેમ્બરના રોજ દાખલ કરાયું હતું. હાલમાં આ બાળક વેન્ટિલેટર પર રખાયું છે પરંતુ તેનું સ્વાસ્થ્ય સ્થિર છે.
દેશમાં પ્રથમ વખત આ એચએમપી વાઇરસની એન્ટ્રી થતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મંત્રાલય સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આઇસીએમઆર આવા કેસોને ટ્રેસ કરવાની કામગીરી કરી રહ્યું છે. કોરોના વાઇરસની જેમ આ વાઇરસમાં પણ દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ચીનથી આવેલા આ નવા વાઇરસને એચએમપીવી એટલે કે હ્યૂમન મેટાન્યૂમોવાઇરસ તરીકે ઓળખવામાં આવે છે. આ વાઇરસ મૂળ પેરામિક્સોવિરિડીએમાંથી આવ્યો છે. સૌ પ્રથમ આ વાઇરસના સંકેતો વર્ષ ૨૦૦૧માં મળ્યા હતા પરંતુ તે વર્ષોથી ક્યાંય જોખમકારક સ્થિતિમાં જોવા નહોતો મળ્યો. આ વાઇરસને કારણે શ્વાસ સાથે સંકળાયેલી બીમારીઓ થાય છે, વાઇરસની લપેટમાં આવી ગયેલા બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે સાથે જ ઉધરસ, તાવ વગેરેના લક્ષણો જોવા મળે છે. મોટાભાગના મામલામાં બાળકો આ વાઇરસનો ભોગ વધુ બનતા જોવા મળ્યા છે. તેમાં પણ પાંચ વર્ષથી ઓછી વયના બાળકો પર આ વાઇરસનો ખતરો વધુ રહેલો છે.
બે કેસો સામે આવ્યા બાદ કર્ણાટકમાં રાજ્ય સરકારે જાહેર સ્થળોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. સાથે જ ટિશ્યૂ પેપર અને હેન્ડકરચિફનો ફરી ઉપયોગ ના કરવો, બિમાર લોકો સાથે સીધા સંપર્કમાં ના આવવું, અન્યોએ ઉપયોગમાં લીધેલા ટોવેલ્સ અને ચાદરો વગેરે ઉપયોગ અન્યોયે ના કરવો, હાથ ધોતા રહેવું વગેરે તકેદારી રાખવી, જો છીંકો કે ઉધરસ આવે તો મોઢાને ઢાંકવા માટે કપડાનો ઉપયોગ કરો. જો કફ, ઉધરસ હોય તો જાહેર સ્થળે ના જવાની લોકોને વિનંતી કરાઇ છે. જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે આ વાઇરસ નવો નથી, વર્ષ ૨૦૦૧થી તે વિશ્વમાં અનેક સ્થળે જોવા મળ્યો છે. ભારતમાં આ વાઇરસને લઇને કોઇ ચિંતાજનક સ્થિતિ નથી. વાઇરસ હવા, સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સામાન્ય રીતે શિયાળામાં આ વાઇરસ વધુ ફેલાતો જોવા મળે છે.
એચએમપી વાઇરસ કેવી રીતે ફેલાય છે
એચએમપી વાઇરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. વાઇરસ હોય તેવી વસ્તુઓના સ્પર્શ કરવાથી પણ તેનો ચેપ લાગી શકે છે. જો કોઇ વ્યક્તિ આ વાઇરસથી સંક્રમિત હોય અને તે છીંકે કે તેને ઉધરસ આવે તો વાઇરસના કિટાણુ હવામાં અન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે છે. સંક્રમિત દર્દી કોઇને ભેંટે, હાથ મિલાવે, દરવાજાના હેન્ડલ, કી-બોર્ડ કે કોઇ પણ વસ્તુને સ્પર્શ કરે તો તેમાં વાઇરસના કિટાણુ છોડી જાય છે અને તેના સંપર્કમાં આવનારી વ્યક્તિને આ વાઇરસનો ચેપ લાગી શકે છે. કોરોનાની જેમ આ વાઇરસના સેંપલ પણ નાંક અથવા તો ગળામાંથી લેવામાં આવે છે.