ચૂંટણી પ્રચારના પ્રસાધનો વેચવામાં ચાઈનીઝ-ભારતીય ઈ-કોમર્સ કંપનીઓ મેદાનમાં
રેલીના સામાનમાં ઝંડા ભરાવવાના સ્ટેન્ડથી લઈને ખભે રાખવાના ખેસનો આ ઈલેક્શનમાં વધુ ટ્રેન્ડ
Lok Sabha Elections 2024: આગામી લોકસભા ચૂંટણીનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ઈલેક્શનના માર્કેટમાં ગરમાવો આવી ગયો છે ત્યારે હવે દેશની ઈ-કોમર્સ વેબસાઈટમાં પણ ઈલેક્શનનો સામાન વધુ વ્યાપક રીતે મળવા લાગ્યો છે. ત્યાં સુધી કે ચાઈનીઝ ઈ-કોમર્સ વેબસાઈટો પણ ભારતીય પાર્ટીઓના સિંબોલ સાથેના બલ્કમાં ઓર્ડર લેવા તૈયાર છે.
ઈલેક્શન સંબંધિત વસ્તુઓનું વેચાણ
અત્યાર સુધી ઈલેક્શનને પ્રજા ઉત્સવ તરીકે ગણાતા ક્યાંય ઈલેક્શન સંબંધિત વસ્તુઓ કોઈ દુકાનમાં સીધી વેચાતી કે ખરીદાતી ન હતી. પરંતુ ઇલેક્શનના બિલ્લા, માસ્ક, ભાજપ-કોંગ્રેસની ટોપીઓ, ભાજપ-કોંગ્રેસની શાલ, રુમાલ, બિલ્લાઓ, સ્ટીકર, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના માસ્ક કિંમત અને સ્કીમ સાથે વિવિધ કંપનીઓ ઈલેક્શનના બજારને ધ્યાનમાં લઈને વેચાઈ રહ્યા છે. આ ઉપરાંત હેવી ઈલેક્શન મટિરિયલ જેમ કે હિરાજડીત પક્ષના સિમ્બોલ પણ ઓનલાઈન વેબસાઈટો વીઆઈપીઓને ધ્યાનમાં રાખીને વેચી રહી છે.
ઈ-કોમર્સનો વિકલ્પ પણ મળી રહે છે
જો કે આ અંગે વાત કરતાં વિવિધ વિસ્તારના કાર્યકરો એમ પણ જણાવે છે કે દરેક પાર્ટી કાર્યાલય પર ઈલેક્શનની જાહેરાતો વિના મૂલ્યે પ્રચારકોને મળતી હોય છે. બધું બલ્કમાં પણ જતું હોય છે. છતાં વ્યક્તિગત કે પોતાના ગ્રૂપમાં પ્રચાર કરવા માંગતા કાર્યકરો માટે આ ઈ-કોમર્સનો વિકલ્પ પણ છે.
ઈલેક્શનમાં કાગળનો ઉપાયોગ ઘટ્યો
વર્ષોથી બુથ સાથે સંકળાયેલા એક કાર્યકર જણાવે છે કે 80ના દાયકામાં જ્યારે ચૂંટણીઓ યોજાતી ત્યારે બિલ્લા, તોરણ, ટોપીઓનો ટ્રેન્ડ હતો. એ સમયે ટી.વી અને ઈન્ટરનેટ ન હતા એટલે ઈલેક્શનમાં કાગળનો ખૂબ ઉપયોગ થતો હતો. એક સ્થિતિ એવી પણ હતી કે ઈલેક્શન પતે ત્યારે ચાર રસ્તે, ગલીયોમાં અને ચોકમાં કાગળોના ઢગલા થતા. જો કે ચેનલોના આવ્યા પછી ધીમે ધીમે ભીંતો પરનો પ્રચાર કપડા સુધી સીમિત થઈ ગયો.
સિન્થેટિક કાપડમાં પ્રિન્ટેડ પ્રતિકોનું ચલણ વધુ
આજે સિન્થેટિક કાપડમાં પ્રિન્ટેડ પ્રતિકોનું ચલણ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. ખભાનો ખેસ કાપડમાંથી બનાવવામાં આવે છે એ ઉપરાંત ટોપીઓ અને ઝંડાઓ કાપડમાંથી બનાવવામાં આવે છે. આ વખતે રેલીઓને ધ્યાનમાં રાખીને ઘણી કંપનીઓએ બાઈક અને સ્કૂટરમાં ઝંડા ટેકવી શકાય એવા સ્ટેન્ડ પણ બનાવ્યા છે.
બિલ્લા અને ખેસનું પણ ચલણ
જો કે ચાલીસ વર્ષ પહેલાં ઈલેક્શનમાં શર્ટ પરના વિવિધ પ્રકારના સેફટી પીનથી ભરાવી શકાય એવા બિલ્લાઓનું ચલણ હતું. તેની સામે હવે પાર્ટીઓના વિવિધ બિલ્લાઓ તો મળે જ છે સાથે સાથે પાર્ટી કાર્યાલયોમાંથી ખેસ પણ મળી રહ્યા છે. ઘણાં કાર્યકરો સ્વતંત્ર રીતે કેમ્પેઈન પ્રોગ્રામ કરતા હોય ત્યારે ઓનલાઈન ઓર્ડર પણ આપે છે જેથી દૂરના સેન્ટર સુધી જવું ના પડે.
ચાઈનીઝ કંપનીઓ પણ મેદાનમાં
બલ્ક ઓર્ડરની કેપેસીટી ધરાવતી કેટલી નેશનલ લેવલની અને ચાઈનીઝ ઈ કોમર્સમાં પણ ભારતીય પાર્ટીઓના ફ્લેગ વેચાતા જોવા મળે છે. આપણે ભલે ચીનને દુશ્મન દેશ ગણીએ પરંતુ ભારતના ઈલેકશનથી લઈને આપણાં રાષ્ટ્રીય તહેવારોમાં બલ્ક ઓર્ડર લેવા માટે ચાઈનીઝ કંપનીઓ પણ મેદાનમાં ઉતરી છે. ચીન કંપનીઓ માત્ર ભારતીય પક્ષોના જ સ્કાર્ફ કે ઝંડા નથી વેચતું પરંતુ પેલેસ્ટાઈનથી લઈને ફ્રાંસની ચૂંટણીના પ્રચારના સામાનનો પણ બલ્કમાં ઓર્ડર લે છે.