ISROના રોકેટ પર ચીનનો ઝંડો લગાવી દેવાયો! વિવાદ થતાં ડીએમકે નેતાએ 'નાનકડી ભૂલ' ગણાવી
ડીએમકેના મંત્રીએ કહ્યું - નાનકડી ભૂલ થઇ, ડિઝાઈનરે લોચો માર્યો
આ જાહેરાતમાં પીએમ મોદીને પણ દર્શાવાયા હતા
image : Twitter |
China Flag on ISRO Rocket in Tamilnadu News | ISRO એટલે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના નવા પ્રક્ષેપણ સંકુલને લગતી એક જાહેરાત વિવાદનું કારણ બની ગઇ છે. મામલો એવો છે કે આ જાહેરાતમાં ISROના રોકેટ પર ચીનનો રાષ્ટ્રધ્વજ લગાવી દેવામાં આવ્યો હતો જેને લઈને તમિલનાડુમાં વિવાદ ચગ્યો છે. આ ઘટનાના એક દિવસ બાદ સત્તાધારી પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના નેતા અને મત્સ્યોદ્યોગ મંત્રી અનિતા આર રાધાકૃષ્ણને કહ્યું કે આ ડિઝાઇનરની ભૂલ હતી. પાર્ટી વતી આ જાહેરાત આપનારા મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ માત્ર એક સામાન્ય અને નાનકડી ભૂલ હતી, ડીએમકેનો કોઈ એવો ઈરાદો નહોતો.
ડીએમકે નેતાએ નાનકડી ભૂલ ગણાવી
તેમણે કહ્યું કે જાહેરાતમાં આ એક નાનકડી ભૂલ હતી. અમારો અન્ય કોઈ ઈરાદો નહોતો. અમારા દિલમાં ભારત પ્રત્યે ઘણો પ્રેમ છે. રાધાકૃષ્ણને કહ્યું કે તેમની પાર્ટીનું વલણ છે કે ભારત અખંડ રહે અને દેશમાં જાતિ કે ધર્મના આધારે સંઘર્ષને સ્થાન ન મળે.
ઈસરોના પ્રક્ષેપણ કેન્દ્રની માગ કોણે કરી હતી?
રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સૌથી પહેલા ડીએમકેના દિવંગત નેતા એમ.કરુણાનિધિએ તમિલનાડુમાં કુલશેખરાપટ્ટિનમ ખાતે નવા ISRO પ્રક્ષેપણ સંકુલની માંગણી કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને થુથુકુડીના લોકસભા સાંસદ કનિમોઝીએ કેન્દ્રને રાજ્યમાં પ્રક્ષેપણ કેન્દ્રની સ્થાપના કરવા અપીલ કરી હતી.
રાધાકૃષ્ણન શું બોલ્યાં?
મંત્રી રાધાકૃષ્ણને કહ્યું કે આ જ કારણ છે કે આ પ્રોજેક્ટને તમિલનાડુમાં લાવવા માટે ડીએમકે નેતાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પ્રકાશિત કરવા માટે અખબારોમાં જાહેરાત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ દરમિયાન એડ ડિઝાઈનરે એવી ભૂલ કરી જેના પર અમારું ધ્યાન નહોતું ગયું. બીજી બાજુ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી એલ મુરુગને માંગ કરી હતી કે DMK તે જાહેરાત પ્રકાશિત કરવા બદલ લોકોની માફી માંગે.