ચીનની દાનતખોરી : સૈનિકો પાછા ખેંચ્યા પણ સરહદનો મુદ્દો સળગતો રાખવાનું ષડયંત્ર રચ્યું
- ડ્રેગનની દાનત ખોરી : સેટેલાઇટ તસવીરોમાં સૈન્ય માટે ઉપયોગમાં લેવાય તેવા બાંધકામો ઝડપાયા
- ચીનને પૂર્વીય લદ્દાખમાં દેપસાંગ-ડેમચોક છોડયા પરંતુ સિરિજાપ અને ખુરનાકમાં લાંબાગાળાની તૈયારી સાથે ઘેરાબંધી કરી રહ્યું હોવાના સંકેતો
- ચીન શાંતિ માટે વાટાઘાટો કરવાની સાથે સરહદ પર સૈન્ય સુવિધાઓ પણ વધારી રહ્યું છે
India Vs China news | પૂર્વ લદ્દાખના દેપસાંગ અને ડેમચોકના મેદાનોમાંથી ભારત અને ચીને તેમના સૈનિકોને પાછાં ખેંચી લીધાં છે પરંતુ ડ્રેગન વિવાદિત ક્ષેત્રોમાં જે ઝડપે બેસિક સ્ટ્ર્કચર્સનું નિર્માણ કરી રહ્યું છે તેના કારણે સરહદે તંગદિલી ઘટાડવાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા બાબતે શંકા ઉદ્ભવી છે. જોકે, ભારત-ચીન વચ્ચેના વિવાદાસ્પદ પોઈન્ટ પરની સેટેલાઈટ તસવીરો કંઈક અલગ જ બાબતના સંકેતો આપે છે. ચીન પેગોંગ સરોવરના ઉત્તરીય તટે વિવાદિત ક્ષેત્રોમાં સૈન્ય અને નાગરિક વપરાશના એમ બેવડાં ઉપયોગમાં લઇ શકાય તેવા બાંધકામો કરી રહ્યું છે, જે સરહદ પર લાંબા ગાળા સુધી શાંતિ જાળવવા અંગે ચીનની ખોરી દાનત ઉજાગર કરે છે.
ભારતના વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકરે સંસદમાં કહ્યું હતું કે પહેલી પ્રાથમિકતા ટકરાવના સ્થળેથી સૈનિકોને પાછાં ખેંચવાની હતી જેથી ભવિષ્યમાં કોઇ ટકરાવ ન થાય. આ પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. હવે બીજી પ્રાથમિકતા તંગદિલી ઘટાડવા બાબતે વિચારણા કરવાની છે. આ વિચારણા ફળદાયી નીવડશે તો વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈનિકોની ભીડ ઘટાડી શકાશે.
એક અગ્રણી સમાચારગૃહની ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ટીમે રજૂ કરેલી સેટેલાઇટ તસવીરોમાં સૈનિકોની વાપસીના સંકેતો મળી રહ્યા છે પણ ચીન તરફથી તંગદિલી ઘટાડવામાં આવે તેવો સંકેત મળતો નથી. સ્પેસ ફર્મ મેક્સાર ટેકનોલોજીઝની સેટેલાઇટ તસવીરો દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે સૈનિકો હટાવવાની પ્રક્રિયા દરમ્યાન ચીને ડેપસાંગના પાછળના હિસ્સામાં પિપલ્સ લિબરેશન આર્મી દ્વારા નવા કેમ્પ બનાવવામાં આવ્યા છે. બંને દેશોએ તાજેતરમાં જ ડેપસાંગ અને ડેમચોકમાં ટકરાવના વિસ્તારોમાં મે 2020 પૂર્વેની સ્થિતિ બહાલ કરવા બાબતે સંમતિ સાધી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચીનનું લશ્કર હાલ પાછળ હટીને તેની સ્થિતિ મજબૂત બનાવી રહ્યું છે. નિવૃત્ત કર્નલ અને સંરક્ષણ નિષ્ણાત અજય રૈનાએ જણાવ્યું હતું કે ભારત સિરિજાપ અને ખુરનાકને હજી પણ પોતાના વિસ્તારો માને છે પરંતુ ૧૯૫૯-૧૯૬૨ દરમ્યાન સિંધુમાં ઘણું પાણી વહી ચૂક્યુ છે. સિરિજાપ અને ખુરનાક વિસ્તારોનું ઐતિહાસિક મહત્વ છે કેમ કે ભારત તેને લદ્દાખનો હિસ્સો માને છે. પણ ભારતે 1959-1962 દરમ્યાન તેના પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું.
સિરિજાપ અને ખુરનાક વિસ્તારોની સેટેલાઇટ તસવીરોનો અભ્યાસ કરતાં જણાય છે કે આ વિસ્તારમાં ચીન ઘેરાબંદી કરી રહ્યું છે અને સિરિજાપમાં જળ નિકાસ નેટવર્ક બનાવી રહ્યું છે.ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ટીમના વિશ્લેષક ડેમિયન સાઇમને આ પરિવર્તનો દર્શાવતી તસવીરો સોશ્યલ મિડિયા એક્સ પર શેર કરી હતી. જેમાં બફર ઝોન ઉપરાંત અન્ય વિસ્તારમાં ચીનની બાંધકામની ગતિવિધિઓને પ્રકાશમાં લાવવામાં આવી હતી.
ભારત-તિબેટ સીમાના નિરીક્ષક નેચર દેસાઇએ જણાવ્યું હતું કે આ તસવીરો પિપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન કમાન્ડ હેઠળ આવતાં દક્ષિણી જિજિયાંગ નામના લશ્કરી જિલ્લામાં રહેલાં યુનિટ દ્વારા થઇ રહેલી તહેનાતીનું પ્રમાણ છે. આ સંયુક્ત કુદરતી ચરિયાણોમાં એક સમયે શિયાળામાં તિબેટીઓ તેમના ગાડરો ચરાવતાં હતા. પણ હવે પેગોંગ સરોવરના કિનારાના પ્રદેશો ચીનની રણનીતિના કેન્દ્ર બિંદુ બની ગયા છે. ખુરનાક કિલ્લાની પાસે ઓટે મેદાનોમાં થયેલાં બાંધકામો દર્શાવે છે કે આ વિસ્તારમાં પિપલ્સ લિબરેશન આર્મીની મોજૂદગી છે.
19 ડિસેમ્બરે લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરમાં ડેપસાંગની પાછળ પીએલએની નવી સુવિધાનું નિર્માણ દેખાય છે. જે તેમની અગાઉની સ્થિતિથી ઉત્તરમાં ત્રણ કિમી અને ચિપચેપ નદીથી દક્ષિણમાં સાત કિમીના અંતરે આવેલું છે. એ જ રીતે દક્ષિણમાં પીએલએ દ્વારા અગાઉ ખાલી કરવામાં આવેલી જગ્યાથી પૂર્વમાં દસ કિમીના અંતરે એક ઓર સુવિધા સ્થાપવામાં આવી છે. આમ, ચીન એક તરફ શાંતિપૂર્ણ સ્થિતિ બનાવવાની વાટાઘાટો કરી રહ્યું છે તો બીજી તરફ તેની સરહદી સુવિધાઓ પણ વધારી રહ્યું છે.