Get The App

'લદાખમાં ચીને 4,000 કિ.મી. જમીન પચાવી પાડી..', 'થ્રી ઇડિયટ' ફેમ સોનમ વાંગચુકના દાવાથી ખળભળાટ

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
'લદાખમાં ચીને 4,000 કિ.મી. જમીન પચાવી પાડી..', 'થ્રી ઇડિયટ' ફેમ સોનમ વાંગચુકના દાવાથી ખળભળાટ 1 - image


Sonam Wangchuk News | પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે પૂર્ણ રાજ્યના દરજ્જા, ૬ઠ્ઠી અનુસૂચિમાં લદાખના સમાવેશ સહિત કેટલીક માગણીઓ સાથે ૨૧ દિવસ સુધી ભૂખ હડતાળ કર્યા પછી ગાંધી ચિંધ્યા 'સત્યાગ્રહ'ના માર્ગે આંદોલન ચાલુ રાખવાની હાકલ કરી છે. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે, તેઓ આ મહિને લદાખના લગભગ 10,000 લોકો સાથે ચીનની સરહદ સુધી મોરચો કાઢશે, જેથી દુનિયાને એ બતાવી શકાય કે ચીને ભારતની 4000થી વધુ કિ.મી. જમીન પચાવી પાડી છે. વાંગચુકના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે.

લદાખ માટે કેટલીક માગણીઓ સાથે શૂન્ય ડિગ્રીથી નીચા તાપમાને આમરણ ઉપવાસ કરનારા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે 21 દિવસ પછી પારણાં કર્યા હતા. જોકે, તેમણે પોતાની માગણીઓ માટેનું આંદોલન 'સત્યાગ્રહ'ના માર્ગે ચાલુ રાખવાનો દાવો કર્યો હતો. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા એક દાયકામાં ચીને ભારતની ૪,૦૦૦થી વધુ કિ.મી.ની જમીન પચાવી પાડી છે. લદાખના ભરવાડોને પહેલા તેઓ જ્યાં ઢોર ચરાવવા જતા હતા ત્યાં જવા દેવાતા નથી. હવે તેમને અનેક કિ.મી. પહેલા જ અટકાવી દેવાય છે. કારણ કે આ વિસ્તારમાં ભારતની ભૂમી ચીને પચાવી પાડી છે પરંતુ તેની દેશ અને દુનિયાને જાણ થવા દેવાતી નથી.

વાંગચુકે કહ્યું કે, અમે ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પેંગોંગ ત્સો સરોવરના ઉત્તરી અને દક્ષિણી કિનારે ફિંગર એરિયા, ડેમચોક, ચુશુલ સહિત અન્ય વિસ્તારોમાં 10,000 લોકો સાથે માર્ચ કાઢીશું. આ રેલી 27 માર્ચ અથવા 7 એપ્રિલે યોજવામાં આવશે. તેમણે ઉમેર્યું કે,અમે આ માર્ચ દરમિયાન એવા પ્રદેશો, ઢોરોને ચરાવવા માટેની મુખ્ય જમીનો પણ બતાવીશું જેને સૌર પાર્કમાં બદલવામાં આવી રહી છે. લોકો કોર્પોરેટ્સના હાથે પોતાની જમીન ગુમાવી રહ્યા છે. વાંગચુકે કહ્યું કે, અહીંના લોકો અંદાજે 1.50 લાખ વર્ગ કિ.મી. જમીન ગુમાવી ચૂક્યા છે, જ્યાં પહેલાં ઢોર ચરાવવામાં આવતા હતા.

ઉત્તરમાંથી ચીન અતિક્રમણ કરી રહ્યું છે. ચીની સૈન્યે છેલ્લા કેટલાક વર્ષોમાં 4,000 કિ.મી. જેટલા વિસ્તાર પર કબજો કરી લીધો છે. કેટલાક લોકોએ જણાવ્યું કે સરહદ વિવાદના કારણે પૂર્વીય લદાખના કુલ 65 પેટ્રોલિંગ પોઈન્ટમાંથી ઓછામાં ઓછા ૨૬ પોઈન્ટ પર પેટ્રોલિંગ કરવામાં નથી આવી રહ્યું. નોંધનીય છે કે ગલવાનમાં 15 જૂન 2020ના રોજ ચીનના સૈન્ય સાથે હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા પછી સરહદ પર જવાનોને પાછા હટાવવા અને બફર ઝોન અથવા નો-ગો એરિયા બનાવવા માટે બંને દેશના સૈન્ય વચ્ચે કેટલાક તબક્કાની વાટાઘાટો થઈ છે, પરંતુ તેનું કોઈ પરિણામ આવી શક્યું નથી. 

ભાજપ પર વચન ભંગ કરવાનો આરોપ મૂકતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે લદાખના લોકોને વચન આપ્યું હતું કે આ વિસ્તારનો છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરાશે, પરંતુ હવે સરકારે આ વચન પાળવાનો ઈન્કાર કરી દીધો છે. આ વિશ્વાસ તોડવા સમાન છે. કેન્દ્ર સરકારના આ પ્રકારના વર્તનથી સ્થાનિક લોકો ખૂબ જ નિરાશ, હતાશ અને ક્રોધિત છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીં એક પણ બેઠક નહીં મળે. અમે માત્ર લદાખને નહીં, પરંતુ આખા દેશને જગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સરકાર આ રીતે ચૂંટણી વચનોનું સન્માન નહીં કરે અને તે મજાક બનીને રહી જશે તો અમે આ પક્ષને ફરીથી સત્તા પર લાવવા માટે શા માટે વોટ આપીએ તેવો પણ તેમણે સવાલ કર્યો હતો.

સુબ્રમણ્યમ સ્વામીએ પણ નવ મહિના પહેલાં આ મુદ્દો ઉઠાવ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના ઐતિહાસિક સ્ટેટ પ્રવાસની સફળતા અંગે પૂરજોરથી મોટા મોટા દાવા થતા હતા તે સમયે ભાજપના જ પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને દાવો કર્યો હતો કે, ચીને ભારતની 4,026 કિ.મી. જમીન પચાવી પાડી છે, આમ છતાં વડાપ્રધાનની સ્ટેટ વિઝિટમાં અમેરિકન પ્રમુખ બાઈડેન ચીન વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યા નહોતા. પીએમ મોદીના અમેરિકાના 'સ્ટેટ પ્રવાસ' અંગે સરકાર ગમે તે દાવા કરે પરંતુ હકીકત એ છે કે મોદી ખાલી હાથે પાછા આવ્યા છે. સ્વામીએ દાવો કર્યો હતો કે ચીને ભારતની 4,026 કિ.મી. જમીન પચાવી પાડી હોવા છતાં મોદીએ પડોશી દેશ સમક્ષ સરન્ડર કરી દીધું છે.


Google NewsGoogle News