મિત્ર પાકિસ્તાનથી નારાજ થયું ચીન : CPEC પ્રોજેક્ટમાં વિલંબ કરતાં ડ્રેગનની ચિંતા વધી
ડ્રેગન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)ને લઈ પાકિસ્તાન પર નારાજ થયું
ચીને પાકિસ્તાની આર્થિકરૂપે મદદ કરી, સમર્થન કર્યું, તેમ છતાં પ્રોજેક્ટમાં વિલંબ થયો
ઈસ્લામાબાદ, તા.21 મે-2023, રવિવાર
હાલના દિવસોમાં પડોશી દેશ પાકિસ્તાન ખુબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટ, પ્રજાનો વિરોધ અને પીટીઆઈ વડા ઈમરાન ખાન મુદ્દે દેશમાં અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઘટના વચ્ચે વધુ એક ઘટનાએ પાકિસ્તાનની ઊંઘ ઉડાવી દીધી છે. પાકિસ્તાનનું ખાસ મિત્ર ચીન તેનાથી જ ખુબ નારાજ થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ડ્રેગન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)ને લઈ પાકિસ્તાન પર નારાજ થયું છે.
‘મદદ કરી, સમર્થન આપ્યું... તેમ છતાં પ્રોજેક્ટમાં વિલંબ’
સમાચાર એજન્સી એએનઆઈએ ધ ફ્રાઈડે ટાઈમ્સને ટાંકીને જણાવ્યું છે કે, CPEC અંતર્ગત વિકાસ પ્રોજેક્ટમાં વિલંબને થતાં ચીન પાકિસ્તાનથી નારાજ થયું છે. ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું કે, ચીને તાજેતરમાં જ પાકિસ્તાની આર્થિકરૂપે મદદ કરી અને જરૂર પડે તેનું સમર્થન પણ કર્યું, તેમ છતાં પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. રાજદ્વારી સૂત્રોનું કહેવું છે કે ચીનના અધિકારીઓ પાકિસ્તાનના ગેરવહીવટથી અત્યંત નારાજ છે.
ચીનની ચિંતા કેમ વધી ગઈ ?
એક વરિષ્ઠ રાજદ્વારીએ જણાવ્યું કે, ચીને IMF અનુપાલન અને નવીકરણની ગેરંટી સાથે લોનને આગળ વધારી... પાવર પ્લાન્ટનું પેમેન્ટ અબજોમાં ફસાયેલું છે. પાકિસ્તાન સરકારે આશ્વાસન આપ્યું હતું કે, પ્રોજેક્ટ આગળ લઈ જવાશે, પરંતુ તેમ થયું નહીં. ફ્રાઈડે ટાઈમ્સે કહ્યું કે, IMFનું ફંડિંગ હજુ પણ શંકાના દાયરામાં છે. પાકિસ્તાન ભાગ્યે જ આ પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશે... CPECનો પ્રોજેક્ટ પૂર્ણ કરવાની વાત તો દૂરની વાત છે.
રાજદ્વારીએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતાને લઈને પણ ચીન ચિંતિત છે. અમે જાણવા મળી રહ્યું છે કે, સતત વિલંબના કારણે અને ભવિષ્યના પડકારોને લીધે IMF 8 બિલિયન અમેરિકી ડોલર લોનની વ્યવસ્થાની માંગ કરી રહ્યું છે અને વિલંબના કારણે આમાં વધારો થઈ શકે છે, કારણ કે બાદમાં રિપેમેન્ટ્સ પણ આવી રહ્યું છે. ઉપરાંત મોંઘવારી પણ ટોચ પર છે, તેથી IMF પણ પાકિસ્તાન પાસેથી વાસ્તવિક વ્યાજ ઈચ્છે છે.