પહેલા માલદીવ અને હવે બાંગ્લાદેશ, ભારતની આસપાસ દુશ્મન દેશો ઊભા કરવાની ચીનની ચાલ
China Strategy : ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. શેખ હસીના રાજીનામું આપ્યા બાદ દેશ છોડીને ભારતમાં આવી ગયા છે. તેમના કટ્ટર દુશ્મન ખાલિદા જિયા કોઈપણ સમયે જેલમાંથી બહાર આવી શકે છે. જોકે તે પહેલા ખાલિદની પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)એ સંસદને તાત્કાલિક ભંગ કરવાનો અને વહેલીતકે વચગાળાની સરકાર રચવાનો આગ્રહ કર્યો છે. જોકે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પાછળ ચીનનો હાથ હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ભારતના પડોશી દેશોમાં અરાજકતા ઉભી કરવાનું ચીનનું કારસ્તાન ?
અહેવાલો મુજબ ચીન ભારતના પડોશી દેશોમાં અરાજકતાની સ્થિતિ ઉભી કરી રહ્યો છે. ભારત અને પાડોશી દેશોના સંબંધો તેમજ નિર્ભરતા ડ્રેગનને આંખમાં ખૂંચી રહી છે, તેથી તે ભારત સાથે પડોશી દેશના સંબંધો તોડવા માટે તેમજ પોતાના પર નિર્ભરતા વધારવા આવા કારસ્તાનો કરતો હોવાનું કહેવાઈ રહ્યું છે. પાકિસ્તાનથી લઈને અફઘાનિસ્તાન, શ્રીલંકા અને માલદીવ જેવા દેશો આનું ઉદાહરણ છે અને હવે આ સંકટમાં બાંગ્લાદેશ પણ ઘેરાઈ ગયું છે.
ચીનને બાંગ્લાદેશ-ભારતના સંબંધો આંખે ખૂંચ્યા
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ પાર્ટી (ALP) ભારતનું સમર્થન હોવાનું મનાય છે. શેખ હસીનાના લાંબા કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો રહ્યા છે. તો બીજીતરફ ખાલિદા જિયાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ચીનનું સમર્થન હોવાનું કહેવાય છે. બીએનપીની ચીન પ્રત્યેની નીતિ હંમેશા નરમ રહી છે, જ્યારે ચીનને એએલપી પસંદ નથી. આવી સ્થિતિમાં શેખ હસીના સરકાર પડી ભાંગવાથી ચીનને ફાયદો થશે.
હસીના ચીનમાં ચાર દિવસ રોકાવાના બદલે ત્રણ દિવસમાં પાછા ફર્યા
શેખ હસીના ગયા મહિનાની 10 તારીખ ચીનની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે ચીનના વડાપ્રધાન લી કિયાંગ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેમણે 20થી વધુ સમજુતીઓ પર હસ્તાંક્ષર કર્યા હતા. હસીના ચીનનો ચાર દિવસનો પ્રવાસ કરવાના હતા, પરંતુ તેઓ અધવચ્ચે જ 13 જુલાઈએ ત્યાંથી પાછા ફર્યા હતા. તેઓ અધવચ્ચે જ પાછા કેમ ફર્યા, તેનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, પરંતુ કેટલાક અહેવાલો મુજબ શેખ હસીના જે ઉદ્દેશ્ય સાથે ચીન ગયા હતા, તે પૂરો થયો ન હતો. ચીને બાંગ્લાદેશને આપેલો વિશ્વાસ પૂરો થયો ન હતો. આ જ કારણે હસીના ગુસ્સામાં પરત ફર્યા હતા.
ચીને પાકિસ્તાનને દેવામાં ફસાવ્યું
ચીનની કપટી વ્યૂહરચનામાં માત્ર બાંગ્લાદેશ જ નહીં, પાકિસ્તાન પણ ફસાયેલું છે. જે દેશો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને જે દેશોમાં રાજકીય ઉથલપાથલ સર્જાયેલી છે, તેના દેશો પર ચીનની હંમેશા નજર રહેલી હોય છે અને તે આવા દેશોને દેવાના ઝાળમાં ફસાવવાની વર્ષોથી રણનીતી રમતો રહ્યો છે. થોડા મહિનાઓ પહેલા આવી સ્થિતિ પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી.
ચીન પહેલા સૌથી જરૂરીયાતમંદ દેશોને મસમોટી લોન આપે છે. ચીન તે દેશોના મહત્વના પ્રોજેક્ટો અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગીરો અથવા લીઝ પર રખાવ્યા બાદ આ લોન આપે છે. ત્યારબાદ સમયસર લોન ન ચુકવવા પર ચીન તેના પર કબ્જો કરી લે છે.
ચીને પાકિસ્તાનને કેવી રીતે ફસાવ્યું?
ચીન અને પાકિસ્તાન વર્ષે 2015માં CEPC સમજુતી કરાર થયો હતો. આ સાથે પાકિસ્તાન ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI) પ્રોજેક્ટ સાથે જોડાઈ ગયું હતું. ચીને પાકિસ્તાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અબજો ડોલરનો ખર્ચ કર્યો છે. સીઈપીસી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનના ગ્વાદર બંદરને ચીન સાથે જોડવાનો છે. જોકે આ પ્રોજેક્ટ હેઠળ બનાવાયેલા પાવર પ્લાન્ટ પાકિસ્તાન માટે મુસીબત બની ગયા છે. ચીન સાથે હાથ મિલાવ્યા બાદ પાકિસ્તાનમાં ઘણી ઉથલપાથલો થઈ છે. દેશમાં ઈમરાન ખાનની સરકાર પડી ભાંગવાની ઘટના ઉપરાંત ત્યાંના લોકો મોંઘવારીનો પણ સામનો કરી રહ્યા છે. ચીનના દેવામાં ફસાયેલું પાકિસ્તાન કંગાળ થઈ ચુક્યું છે.
ચીને શ્રીલંકાને પણ બરબાદ કર્યું હતું
બાંગ્લાદેશમાં પાંચમી ઓગસ્ટે જે ઘટના બની, તેવી ઘટના વર્ષ 2022માં શ્રીલંકામાં થઈ હતી. તે દરમિયાન મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત લોકોએ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસીને લૂંટફાટ કરી હતી. હજારો લોકો રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે તેમણે દેશ છોડીના ભાગવાની નોબત આવી હતી. બીજીતરફ શ્રીલંકા નાદારી તરફ ધકેલાઈ ગયું હતું, જેમાં ચીનનો હાથ હતો. સતત દેવું વધવાના કારણે શ્રીલંકાનું વિદેશી વિનિમય અનામત ખાલી થઈ ગયું હતું. શ્રીલંકાએ ચીન પાસેથી સૌથી વધુ દેવું લીધું હતું. દેવાના કારણે શ્રીલંકાનું હંબરટોટા પોર્ટ ચીનની જાળમાં ફસાયું હતું.
ભારતનું પડોશી દેશ માલદીવ પણ ચીનની જાળમાં ફસાયું
ચીનની કપટી ગેમમાં ફસાયેલા દેશોની યાદીમાં ભારતના પડોશી દેશ માલદીવનું પણ નામ છે. માલદીવની મુઈજ્જુ સરકારને ચીનનું સમર્થન માનવામાં આવે છે. ઈન્ડિયા આઉટ અભિયાન ચલાવનાર મુઈજ્જૂએ સત્તા મેળતાની સાથે જ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું હતું. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપની મુલાકાતે ગયા હતા, ત્યારે માલદીવ સરકારના ત્રણ મંત્રીઓએ મોદીની લક્ષદ્વીપ મુલાકાતની તસવીરો અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ભારત-માલદીવના ગાઢ રાજદ્વારી સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. એટલું જ નહીં માલદીવમાં નવી સરકાર બન્યા બાદ ત્યાંના રાષ્ટ્રપતિ પહેલા ભારતની મુલાકાત કરતા હતા, જોકે મુઈજ્જુએ ચીની પાંચ દિવસની મુલાકાતે પહોંચી ગયા હતા.
નેપાળમાં પણ ચીનની પસંદગીની સરકાર
નેપાળમાં તાજેતરમાં જ સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. ત્યાં ચીન પ્રેમી કે.પી.શર્મા ઓલીએ વડાપ્રધાન પદના શપથ લીધા છે. છેલ્લા ઘણા મહિનાઓથી રાજકીય વિવાદ, ઘર્ષણ અને ઉથલ-પાથલ સર્જાય બાદ તેમણે પદભાર સંભાલ્યો હતો. ઓલી નેપાળના ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે અને તેઓ ચીનના સમર્થક હોવાનું માનવામાં આવે છે. ઓલીએ અગાઉના કાર્યકાળમાં ભારત સાથે સંબંધો બગાડ્યા હતા. ઓલી 2015થી 2016 સુધી નેપાળના વડાપ્રધાન બન્યા હતા. આ દરમિયાન ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં ઘણો તણાવ જોવા મળ્યો હતો.
અફઘાનિસ્તાનને ભારતથી જૂદું પાડવા ચીનની ચાલ
આ પહેલા વર્ષ 2017માં ચીને શ્રીલંકા, નેપાળ અને માલદીવમાં પગપેસારો કર્યા બાદ અફઘાનિસ્તાન ઉપર માયાજાળ ફેલાવવાની તૈયારી કરી હતી. આ કામમાં ચીનને જાની દોસ્ત પાકિસ્તાને પણ મદદ કરી હતી. ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર સીપેકમાં અફઘાનિસ્તાનને સામેલ કરવા માટે ચીને ચાલ રમી હતી. ચીનના પાટનગર બીજિંગ ખાતે યોજાયેલી ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીઓની બેઠકમાં ચીને આ પ્રોજેક્ટને અફઘાનિસ્તાન સુધી વિસ્તારવાની ચર્ચા થઇ હતી.
આ પણ વાંચો
• બાંગ્લાદેશ હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઇટને પણ અસર
• શેખ હસીના હાલ ભારતમાં રહી શકશે, પરંતુ મોદી સરકારે ભવિષ્યની યોજનાની સ્પષ્ટતા માંગી: સૂત્રો
• ઇરાન સમર્થક હિઝબુલ્લાહે ઈઝરાયલ પર કર્યા તાબડતોબ ડ્રોન હુમલા, યુદ્ધની વધતી જતી શક્યતા