તાઈવાને મુંબઈમાં ઑફિસ ખોલતા ચીન લાલઘૂમ, ભારતનો વિરોધ કરી કહ્યું- ‘આવા દેશની સાથે...’
India-China Relation: તાઇવાને બુધવારે (16 ઓક્ટોબર) મુંબઇમાં પ્રતિનિધિ કચેરી ખોલતા ચીન લાલઘૂમ થયું છે. ગુરુવારે (17 ઓક્ટોબર) ચીને ભારતને ટકોર કરી હતી કે તેણે તાઈવાનના મુદ્દાઓને કાળજીપૂર્વક હેન્ડલ કરવું જોઇએ અને ભારત-ચીન સંબંધોમાં સુધારો કરવામાં અડચણરૂપ કાર્યોથી બચવું જોઇએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતના પગલાનો વિરોધ કર્યો હતો.
ચીને વિરોધ નોંધાવ્યો
તેમણે કહ્યું કે, 'ચીન તાઈવાન સાથે સત્તાવાર સંબંધો સ્થાપિત કરવાના કોઈપણ દેશના પગલાનો વિરોધ કરે છે. ચીને ભારત સામે ગંભીર વિરોધ નોંધાવ્યો છે. ભારતીય પક્ષે 'વન ચાઇના' સિદ્ધાંત પ્રત્યે તેની રાજકીય પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને તે ચીન-ભારત સંબંધોનો રાજકીય પાયો છે. માટે ચીન ભારતને તેની પ્રતિબદ્ધતાઓનું પાલન કરવા, તાઈવાન સંબંધિત મુદ્દાઓને ન્યાયપૂર્ણ અને યોગ્ય રીતે હેન્ડલ કરવા વિનંતી કરે છે. ભારતે તાઈવાન સાથે કોઈપણ પ્રકારના સત્તાવાર વ્યવહારથી દૂર રહેવું જોઈએ.
આ પણ વાંચોઃ ડ્રેગન નેપાળની ધરતી ગળી રહ્યો છે : નેપાળની સરહદ પર કબ્જો જમાવી દિવાલ બનાવી
તાઈવાનના વિદેશ મંત્રીએ શું કહ્યું?
નોંધનીય છે કે, તાઈવાન સરકારે બુધવારે નવી દિલ્હી અને ચેન્નઇ બાદ મુંબઇમાં તેની ત્રીજી પ્રતિનિધિ કચેરી ખોલી છે. આ દરમિયાન તાઈવાનના વિદેશ મંત્રી ચિયા-લુંગ લીને કહ્યું હતું કે, આ પગલું ભારત અને તાઇવાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારવાના વચનનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહે છે. આ દરમિયાન મુંબઈમાં તાઈવાને ઓફિસ ખોલતા સ્થિતિ વધુ તંગ બની છે.
ચીન તાઇવાનને તેનું ભાગ માને છે
ચીન લોકશાહી શાસિત તાઈવાનને તેના દેશનું ભાગ માને છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, તેણે તાઇવાનની આસપાસના ક્ષેત્રોમાં યુદ્ધ અભ્યાસનો એક નવો રાઉન્ડ શરૂ કર્યો હતો. જો કે, તાઇવાને ચીનના તમામ દાવા ફગાવી દીધા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તાઈવાન મુદ્દે બોલવાના ચીનના વલણની પણ ટીકા કરે છે. ભારત અને તાઈવાન વચ્ચે કોઈ સત્તાવાર રાજદ્વારી સંબંધો નથી, પરંતુ 1995માં બંનેએ એકબીજાના દેશોમાં પ્રતિનિધિ કચેરીઓ ખોલી હતી.
આ પણ વાંચોઃ ચીનની નૌસેનાએ તાઇવાનને ચારેય તરફથી ઘેરી કર્યું શક્તિપ્રદર્શન, USએ કરી આ અપીલ