ભારતને ઘેરવા ચીનની નવી ચાલ, લદ્દાખ નજીક બનાવ્યા છ નવા હેલીસ્ટ્રિપ, સેટેલાઈટ તસવીરમાં ખુલાસો
China Helistrip on LAC : ભારત સાથે સીમા વિવાદ વચ્ચે ચીન પોતાની હરકતોથી બાજ નથી આવતું. પેંગોંગ વિસ્તારમાં ચીન સાથે થયેલો વિવાદ હજુ શાંત પડ્યો નથી, ત્યારે LAC પર ભારત સાથે શાંતી ભંગ કરવા ચીને નવું ષડયંત્ર રચ્યું છે. બુધવારે (21 ઓગસ્ટ) સામે આવેલી સેટેલાઇટ ઇમેજ દ્વારા જાણવા મળ્યું છે કે, ચીને લદ્દાખને અડીને આવેલા એલએસી પર છ નવા હેલીસ્ટ્રીપ બનાવ્યા છે. લદ્દાખના ડેમચોકથી આ હેલીસ્ટ્રીપનું અંતર માત્ર 160 કિલોમીટર છે.
ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણ વિવાદ અંગે અનેક રાઉન્ડની વાટાઘાટ બેઠકો બાદ પણ કોઈ સહમતિ બની શકી નથી. વર્ષ 2020માં આ મામલે બંને દેશોના ઘણા સૈનિકોએ જીવ પણ ગુમાવ્યા હતા. તેમ છતાં ચીનની આ પ્રકારની કાર્યવાહી ભારત સાથેના સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.
ભારતીય ક્ષેત્રો નજીક છ હેલીસ્ટ્રીપ બનાવ્યા
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા LAC પર છ નવા હેલિસ્ટ્રીપ બનાવવામાં આવ્યા છે. ચીને બનાવેલા આ હેલીસ્ટ્રીપ પશ્ચિમી તિબેટમાં છે. આ હેલિસ્ટસ્ટ્રીપ એલએસી પાસે ગાયી નામના સ્થળે બનાવવામાં આવ્યા છે. સેટેલાઇટ ફોટા દર્શાવે છે કે અહીં બાંધકામનું કામ હજુ ચાલુ છે. ચીન અહીં એક સાથે 6 થી 12 હેલિકોપ્ટર તૈનાત કરી શકે છે. તે લદ્દાખના ડેમચોકથી માત્ર 160 કિલોમીટર અને ઉત્તરાખંડના બારાહોતીથી 193 કિલોમીટર દૂર છે.
ચીન પીઓકે નજીક સૈન્ય મથક બનાવી રહ્યું છે
ચીન હંમેશાથી વિસ્તરણવાદી માનસિકતા ધરાવે છે. ચીન ભારતના ઘણા ભાગો પર દાવો પણ કરી ચૂક્યો છે. તાજેતરમાં, તેણે અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોના નામ આપ્યા હતા અને તેમને ચીનનો ભાગ ગણાવ્યા હતા. ચીનના સૈનિકો સરહદ પરના કબજાને લઈને ભારત સાથે ઘણી વખત અથડામણ પણ કરી ચૂક્યા છે. છતાં શાંતી સ્થાપવાના બદલે ચીન તાજિકિસ્તાનમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર લશ્કરી મથક બનાવી રહ્યું છે. સેટેલાઇટ તસવીરો દ્વારા આ વાત સામે આવી છે. આ સ્થળ અફઘાનિસ્તાનને અડીને આવેલા PoKથી ખૂબ નજીક છે. મીડિયા અહેવાલો મુજબ, ચીન ઘણા વર્ષોથી આ સૈન્ય મથક બનાવી રહ્યું છે.