અરુણાચલ બાદ ઉત્તરાખંડ પર ખંધા ચીનનો ડોળો, LAC નજીક નવા ગામડા વસાવવા માંડ્યુ
image : Twitter
નવી દિલ્હી,તા.27 મે 2023,શનિવાર
ભારત સામે કોઈને કોઈ ષડયંત્ર ઘડવામાં વ્યસ્ત રહેતા ચીને હવે અરુણાચલ પ્રદેશ બાદ ભારતના ઉત્તરાખંડ રાજ્ય પર પણ પોતાની નજર બગાડી છે.
ઉત્તરાખંડ સરહદ પર પણ ચીન હવે પોતાના ગામડા વસાવવા માંડ્યુ છે. જેને ડિફેન્સ વિલેજ તરીકે ઓળખવામાં આવશે. આ ગામડાઓ પર ચીનની સેના નજર રાખશે. આમ ચીને હવે ઉત્તરાખંડ સરહદ પર પણ ધમપછાડા કરવા માંડ્યા હોય તેમ લાગે છે.
આ દરેક ગામડામાં 250 ઘર હશે. ભારત અને ચીન વચ્ચેની લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલથી માત્ર 11 કિલોમીટર દુર આ ગામડા વસાવવામાં આવશે. આ સિવાય 35 કિલોમીટર દુર પણ બીજા પ્રકારના ગામડા ચીન ઉભા કરી રહ્યુ છે. જેમાં 50 થી 55 ઘર હશે. આ ગામડાઓ પણ ચીનની સેનાના નિયંત્રણમાં હશે. કુલ મળીને પૂર્વ સેક્ટરમાં ચીન 400 જેટલા ગામડા વસાવવા માટેની યોજના બનાવી ચુકયુ છે.
ઉત્તરાખંડ સાથે ચીનની 350 કિલોમીટરની બોર્ડર છે. ચીનની નવી ચાલથી હવે ભારતીય સેના સતર્ક બની રહ્યુ છે.