Get The App

ઠંડીએ ઉ.ભારતમાં રૌદ્ર સ્વરૂપ દર્શાવ્યું લાહોલ-સ્પીતીમાં નદી નાળાં ઠરી ગયાં

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
ઠંડીએ ઉ.ભારતમાં રૌદ્ર સ્વરૂપ દર્શાવ્યું લાહોલ-સ્પીતીમાં નદી નાળાં ઠરી ગયાં 1 - image


- ઝારખંડનાં રાંચીમાં પણ 4.2 ડીગ્રી : પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારથી શરૂ કરી આસામ પણ ઠંડાગાર

પુના, નવી દિલ્હી : ઉત્તર ભારતનાં તમામ રાજ્યોમાં અસામાન્ય ઠંડી પડી રહી છે. દક્ષિણે છેક ઝારખંડમાં પાટનગર રાંચીમાં ગઈકાલે રાત્રે ૪.૨ ડીગ્રી ઉષ્ણતામાન રહ્યું હતું. જયારે આસામમાં અનેક શહેરોમાં પારો ૧૧-૧૨ ડીગ્રી જેટલો નીચો ઉતરી ગયો હતો. લાહોલ-સ્પીતીમાં તો નદીનાળા ઠરી ગયા હતા. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ બિહારથી શરૂ કરી આસામ સુધીના વિસ્તારો ઠંડાગાર બની રહ્યા છે. આ સમગ્ર વિસ્તારોમાં ગાઢ-ધુમ્મસ પણ સવાર સુધી છવાયેલું રહ્યું હતું.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો, રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બિહારમાં લઘુતમ ઉષ્ણતામાન ૪ થી ૮ ડીગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. જયારે આસામનાં ગુવાહતીથી શરૂ કરી અનેક શહેરોમાં ૧૧-૧૨ ડીગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન  નોંધાયું હતું.

હિમાચલ પ્રદેશમાં ફ્રીઝીંગ ટેમ્પરેચર થઈ જતાં નદી નાળા જામીને બર્ફ બની રહ્યાં છે. સડકો ઉપર વહેતું પાણી પણ ઠરી જઇ બરફ બની રહેતા તે કાચની જેમ ચમકી રહ્યું હતું. જો કે ૧૫ નવેમ્બરથી જ કેટલાયે માર્ગો તો બંધ રખાયા છે પરંતુ એડવેન્ચર ઇચ્છનારાઓ જાન જોખમમાં નાખી અહીં આવે છે.

હવામાન વિભાગની (આઈએમડીની) પુનાસ્થિત મુખ્ય ઓફિસ તથા દરેક રાજ્યોમાં રહેલી તેની પ્રાદેશિક ઓફિસોના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતના મોટા ભાગના શહેરોમાં ઓછામાં ઓછુ ઉષ્ણતામાન ૮ ડીગ્રી સેલ્સિયસથી પણ નીચું રહ્યું હતું. અમૃતસરમાં ૪.૯, પતિયાલા ૬, રેવા-૬.૬, છત્તીસગઢનાં અંબિકાપુરમાં ૫.૩ ડીગ્રી અને ઝારખંડના પાટનગર રાંચીમાં ૪.૨ ડીગ્રી ઉષ્ણતામાન નોંધાયું હતું. દિલ્હીમાં નોઈડા અને એનસીઆર સહિત તમામ વિસ્તારોમાં ૭.૮ જેટલું ઉષ્ણતામાન નોંધાયું હતું અને સવારના આશરે ૯ વાગ્યા સુધી તો ગાઢ ધુમ્મસ પ્રસરી રહ્યું હતું.

માઉન્ટ આબુમાં છેલ્લા ૪ દિવસથી ઉષ્ણતામાન ઘણું જ નીચું જતાં પારો માઈનસ ૧ ડીગ્રી સેલ્સિયસ પહોંચી ગયો છે. ચારે તરફ ઝાકળ ફેલાતા પાંદડાં પરથી ટપકતાં પાણી તેમજ ફુલો પરથી ટપકતું પાણી જોઈ સહેલાણીઓ આનંદ વિભોર બની ગયા હતા.

જયારે દક્ષિણમાં તમિલનાડુમાં વર્ષાએ છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

જમ્મુ અને કાશ્મીરમાં ઉષ્ણતામાન હિમ રેવા નીચે પર્વતીય વિસ્તારોમાં પહોંચી ગયું છે. શ્રીનગરમાં ગઇ રાત્રીએ તે ૩.૭ ડીગ્રી હતું. રાત્રે તે ૦.૪ ડીગ્રી થઇ ગયું હતું.

હવામાન વિભાગ જણાવે છે કે હજી ઠંડીનો પ્રકોપ દેશમાં ત્રણ ચાર દિવસ ચાલુ રહેશે.


Google NewsGoogle News